લોકડાઉનમાં પણ સોનુ ઓલટાઈમ-હાઈ; બંધબજારે રૂા.49000નો ભાવ

16 May 2020 04:19 PM
Business India
  • લોકડાઉનમાં પણ સોનુ ઓલટાઈમ-હાઈ; બંધબજારે રૂા.49000નો ભાવ

લોકડાઉન પછી સોમવારે કદાચ સોનીબજાર ખુલે તો નવા ભાવ સાથે ખુલશે: કોમોડીટી એકસચેંજમાં રેકોર્ડબ્રેક રૂા.47,462નો ભાવ બોલાયો: રાજકોટ-ગુજરાતમાં ભાવ બોલાય છે, સોદા નથી

રાજકોટ તા.16
સોના-ચાંદીમાં રોકેટ ગતિની તેજી થઈ છે અને બંધબજારે પણ ભાવો રેકોર્ડબ્રેક ઉંચાઈએ પહોંચી ગયા છે. હવે લાંબા લોકડાઉન બાદ સોમવારે કદાચ સોનીબજાર ખુલે તો નવા ઉંચા વિક્રમી ભાવ સાથે માર્કેટ ખુલવાનો ઘાટ ઘડાયો છે.

દેશવ્યાપી લોકડાઉનને કારણે 22મી માર્ચથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની સોનીબજારો બંધ છે. કયારેક ખાનગીમાં ભાવ બોલાય છે. પરંતુ કોઈ વેપાર થતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે તેજી-મંદી તથા ચલણ માર્કેટના ટ્રેન્ડના આધારે સોનાના ભાવને અસર થતી હોય છે અને તેની ગણતરી કરીને ઘરઆંગણે ખાનગીમાં ભાવ કવોટ થાય છે.

કોમોડીટી માર્કેટના સૂત્રોએ એમ કહ્યું છે કે શુક્રવારે રાત્રે એમસીએકસમાં સોનાનો ભાવ 47462ની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને છેવટે 47381 સાંપડયો હતો.

700 રૂપિયાથી અધિકનો ઉછાળો હતો. ચાંદી રૂા.2500 થી વધુ વધીને 46718 હતી. સ્થાનિક ઝવેરીઓએ એમ કહ્યું કે લોકલ માર્કેટમાં સોનાનો ભાવ 49000ને આંબી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1750 ડોલર થઈને 1743 ડોલર હતું. લોકલમાં ચાંદીનો ભાવ 48000 હતો. જો કે સોનુ કે ચાંદી કોઈમાં વેપાર નથી. માત્ર ભાવ જ કવોટ થાય છે. સોમવારથી નવા-ચોથા લોકડાઉનમાં ઝવેરીબજારને ખોલવાની મંજુરી મળશે તો નવા સર્વોચ્ચ ભાવે જ માર્કેટ ખુલશે અને વેપાર થશે.

સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક અને અભૂતપૂર્વ તેજી પાછળના કારણ વિ ઝવેરીઓ પણ માથુ ખંજવાળી રહ્યા છે.છતાં એક ટોચના વેપારીએ કહ્યું કે કોરોનાના ફેલાવાના મુદે અમેરિકા તથા ચીન વચ્ચે નવુ ટેન્શન ઉભુ થઈ રહ્યું છે. આવતા દિવસોમાં તે વધુ વકરવાના ભણકારા છે અને તેના ગભરાટ હેઠળ બન્ને કિંમતી ચીજોના ભાવો વધી રહ્યા છે. અમેરિકાએ ચીનમાંથી રોકાણ પાછુ ખેચવાનું શરૂ કર્યુ છે, ચીનની કંપનીઓ પર અમેરિકી ટેકનોલોજી વાપરવા પર પ્રતિબંધ મુકી રહ્યા છે. આવા ઘટનાક્રમથી વિશ્વની બન્ને મહાસતા આમને સામને થાય અને વાતાવરણ તંગ બનવાની ભીતિથી સોના-ચાંદીમાં વિક્રમી તેજી હોવાનું મનાય છે.

આર્ટીસ્ટો એવો નિર્દેશ કરી રહ્યા છે કે, 1750 ડોલરની સપાટીએ સોનુ તેજીના નવા ઝોનમાં આવી શકે છે. તે વટાવતા નવા ઉછાળાને અવકાશ છે. દરમ્યાન ઝવેરીઓના કહેવા પ્રમાણે લોકડાઉન ખુલે પછી પણ સોનામાં કોઈ ખાસ ખરીદી નીકળે તેમ નથી. લાંબા લોકડાઉનની તમામ વર્ગોની નાણાકીય ક્ષમતાને અસર થઈ જ છે. હજુ લગ્ન પ્રસંગોને પણ મંજુરી મળવાની નથી. ઉંચા ભાવે લોકોમાં ખરીદીમાં રસ ઉભો થવા વિશે શંકા છે.

ઝવેરીઓની માઠી: ધંધા બંધ છતાં જંગી રકમનો ટેકસ ચૂકવવો પડશે
વાર્ષિક કલોઝીંગ સ્ટોક વખતના ભાવને નફો જ ગણવો પડે છે
સોનીબજારના વેપારીઓએ એવો નિર્દેશ કર્યો કે ઝવેરીઓને તો બેવડો માર છે. સોનાના ભાવ ઘણા ઉંચા થઈ ગયા છે એટલે રીટેઈલ ઘરાકી નિકળવા વિશે શંકા છે. બીજી તરફ વેપારીઓને વધુ ટેકસ ભરવો પડે તેમ છે. 2019-20ના નાણાકીય વર્ષમાં અંતિમ દિવસ લોકડાઉનમાં જ પસાર થઈ ગયો હતો. ભલે રીટર્ન ભરવામાં મુદત આપવામાં આવી છે છતાં ટેકસ તો કલોઝીંગ સ્ટોકના આધારે ચૂકવવો પડે તેમ છે.

વેપાર બંધ હતા એટલે વેપારીઓ પાસે સ્ટોક પડતર રહ્યો હતો અને આ વખતે ભાવ ઉંચા હતા. વર્ષ દરમ્યાન સોનામાં 7થી8 હજારની તેજી હતી. કલોઝીંગ સ્ટોકમાં ઉંચા ભાવને નફો જ ગણવામાં આવે છે. વેપાર વિના કલોઝીંગ સ્ટોકના આધારે ઉંચો ટેકસ ભરવો પડશે.


Loading...
Advertisement