હવે વિમાન-રેલવે સ્ટાફ દેખાશે ‘નવા અંદાજ’માં..

16 May 2020 10:28 AM
India Travel
  • હવે વિમાન-રેલવે સ્ટાફ  દેખાશે ‘નવા અંદાજ’માં..

બોડીશુટ, ગ્લવ્ઝ, ફેસ શિલ્ડ, તથા માસ્ક ફાળવાયા: કાયમી બનવાનો સંકેત: વિમાની કંપનીઓએ કર્મચારીઓ માટે નવા ‘ડ્રેસ’નો નિર્ણય લઈ લીધો

નવી દિલ્હી તા.16
દેશ-દુનિયામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને નજીકનાં ભવિષ્યમાં તેનો અંત આવવાના કોઈ સંકેતો ઉપસતા નથી. વિશ્વભરના રાષ્ટ્રો એવુ સ્પષ્ટ કરવા લાગ્યા છે કે, કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે. આ સંજોગોમાં હવે ભવિષ્યમાં એરલાઈન્સ તથા રેલ્વે સ્ટાફનાં પહેરવેશમાં પણ ઘણો બદલાવ નજરે પડશે.

ભારતમાં સોમવારથી ચોથા તબકકાનું લોકડાઉન શરૂ થવાનું છે. રેલ સેવા તથા વિમાની સુવિધા પૂર્ણ રીતે ચાલુ થવા વિશે આશંકા જ છે. કારણ કે રેલવેએ 30 જુન સુધીના અગાઉના તમામ ટીકીટ બુકીંગ રદ કરી દીધા છે. રેલવે વિમાની સેવા શરૂ થાય ત્યારે પણ તેનો ક્રુ સ્ટાફ અલગ અંદાજમાં દેખાશે. તે માટેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. અત્યારે દોડાવાતી ખાસ ટ્રેનોનાં ટીકીટ ચેકીંગ સ્ટાફને ટ્રેનમાં જ પીપીઈ કીટ ફાળવવામાં આવી હતી.

રેલ સેવા નિયમીત થશે ત્યારથી ચેકીંગ સ્ટાફને પીપીઈ કીટ આપવાનું ફરજીયાત બનવાનું મનાય છે. આજ રીતે એરલાઈન્સમાં પણ ક્રુ મેમ્બરને પીપીઈ ફરજીયાત રહેશે. વિમાની ઉડ્ડયનો દરમ્યાન ક્રુ મેમ્બરો ફેમ શિલ્ડ ગાઉન, ગ્લોવ્ઝ તથા માસ્ક પહેરેલા નજરે ચડશે.

ઈન્ડીગો, એર ઈન્ડીયા, વિસ્તારા, એર એશીયા જેવી વિમાની કંપનીઓએ કર્મચારીઓની સુરક્ષા માટે ડ્રેસ બદલાવવાનો નિર્ણય લીધો છે, ક્રુ મેમ્બરો પ્રવાસીઓની નજીક રહેતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. અત્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે માતરમ મિશન હેઠળ ફલાઈટો ઉડાવવામાં આવી રહી છે તેમાં પણ ક્રુ મેમ્બરોના બોડી શુટ, ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ અને માસ્ક પહેરાવવામાં આવી રહ્યા છે.


Loading...
Advertisement