સોમવારથી તમામે તમામ દુકાનો ખોલવાની છૂટ આપો; પાસ પ્રથા રદ કરો

16 May 2020 10:25 AM
Rajkot Gujarat
  • સોમવારથી તમામે તમામ દુકાનો ખોલવાની છૂટ આપો; પાસ પ્રથા રદ કરો

સૌથી આકરા લોકડાઉન પ્રતિબંધો ભોગવતા રાજકોટ સહિત 6 શહેરોના ચેમ્બર હોદેદારોની રૂપાણીને સ્પષ્ટ વાત ▪️ કન્ટેન્ટમેન્ટ સિવાય તમામ વિસ્તારોની દુકાનો-બજારો ખોલવા તથા લોકોને મુક્તપણે અવરજવરની પરવાનગી આપવા માંગ ▪️ કલેક્ટર તથા વેપારી સંગઠનોની કોર કમીટી બનાવીને વાસ્તવકિ સ્થિતિ મુજબ નિર્ણય કરાવવા આગ્રહ ▪️ વેપારી તથા આમઆદમીની આર્થિક-માનસિક હાલત કાબૂ બહાર, હવે વધુ નિયંત્રણોના પરિણામો ખરાબ આવી શકે !

રાજકોટ,તા. 16
રાજકોટ શહેરમાં તમામે તમામ દુકાનો, બજારો સોમવારથી ખોલી નાખવામાં આવે હવે વેપારીઓની ધીરજ ખૂટી ગઇ છે, આમ પ્રજાજનોને પણ મુક્ત રીતે હરવા-ફરવાની છૂટ આપવામાં આવે આ ઉપરાંત પોલીસની પાસના મામલે સૌથી વધારે કનડગત હોય પાસપ્રથા સંપૂર્ણપણે રદ કરવાની રજૂઆત ગઇકાલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે મુખ્યમંત્રી સાથે યોજાયેલી એક વીડિયો કોન્ફરન્સમાં ભારપૂર્વક કરી હોવાનું ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ સહિત ગુજરાત રાજ્યનાં છ મહાનગરોનાં ચેમ્બર આગેવાનો સાથે ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લોકડાઉન હળવું કરવાના મુદ્દે સાંજે મહત્વની વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચેલા ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે ભારપૂર્વક રાજકોટના ધારાસભ્ય અને મુખ્યમંત્રી તેમજ હોમટાઉન ગણતા વિજયભાઈને એવી રજૂઆત કરી હતી કે વેપારીઓ હવે થાકી ગયા છે. આ લોકડાઉન પૂર્વે કારમી મંદી હતી અને છેલ્લા 55 દિવસથી વેપાર-ધંધા સદંતર બંધ છે, નાના-મોટા વેપારીઓની આર્થિક હાલત કથળી ગઇ છે. આમ સામાન્ય પ્રજાજનો પણ ઘરમાં પૂરાઈને માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.

વી.પી.વૈષ્ણવે મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરેલી રજૂઆતમાં મક્કમતાપૂર્વક એવું જણાવ્યું હતું કે, હાલમાં જે નિયમો અમલી કરવામાં આવ્યા છે તે અસ્પષ્ટ છે. પાસ હોવા છતાં પણ રાજકોટ શહેર પોલીસ પોતાના કાયદા મુજબ વેપારીઓને નાહકના દંડે છે અને વાહન ડીટેઇન કરી મોંઘવારી અને આવક બંધ છે તેવા સમયે મોટો દંડ કરે છે. નિયમો સ્પષ્ટ કરવા અને હવે કોઇને કોઇપણ સંજોગોમાં તમામ બજારો, દુકાનો ખોલી નાખવાની જરુરી છે. લોકોને મુક્ત રીતે આવવા જવા દેવા જોઇએ. ઉપરાંત જે કન્ટેન્ટમેન્ટ ઝોન છે તે વિસ્તારમાં આજે આકરા નિયમો અને લોકડાઉનની અમલવારી કરવામાં આવે તેમાં વાંધો નથી ક્યાં સુધી હવે પ્રજા અને વેપારીઓએ સહન કરવું તેવો સવાલ પણ વિજયભાઈને ઉઠાવ્યો હતો.

દરમિયાન ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે તો ત્યાં સુધી મુખ્યમંત્રી વિજયભાઈને કહ્યું હતું કે, શહેરમાં પાન-ફાકી-હોટલ-લોજ સહિતની તમામ દુકાનો શરુ કરવાની છૂટ આપવી જોઇએ. સાથોસાથ તંત્ર અને ચેમ્બર સંકલન કરીને કોર કમિટી બનાવી વાસ્તવિક સ્થિતિ મુજબ નિર્ણય કરાવવાનો આગ્રહ પણ કર્યો હતો. આ મીટીંગ અંદાજે એકાદ કલાક જેવી ચાલી હતી. ચેમ્બર પ્રમુખે ખાસ કરીને વેપારીઓની માનસિક અને આર્થિક હાલત ઉપર ભારે આકરા સ્વરે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને રાજકોટની બજારોનો સમગ્ર ચિતાર રજૂ કર્યો હતો.


Loading...
Advertisement