સુરતથી એસ.ટી. બસોમાં અત્યાર સુધીમાં 1.33 લાખ રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર પહોંચાડાયા

14 May 2020 04:55 PM
Surat Rajkot
  • સુરતથી એસ.ટી. બસોમાં અત્યાર સુધીમાં 1.33 લાખ રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર પહોંચાડાયા

આજે પણ રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર-ગુજરાત રવાના કરવા 800 બસોનું પ્લાનીંગ

રાજકોટ,તા. 14
સુરતમાં વસતા સૌરાષ્ટ્ર-ગુજરાતના લાખો રત્ન કલાકારોને વતનમાં પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ગત તા. 6થી દૈનિક સુરતથી ખાસ એસટી બસો દોડાવવામાં આવી રહી છે અને આ સંચાલન હજુ પણ યથાવત રાખવામાં આવ્યું છે.

દરમિયાન, આ અંગે સુરત એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સૌરષ્ટ્ર-ગુજરાતના કુલ 1,33,950 રત્ન કલાકારોને સુરતથી ગઇકાલ સુધીમાં વતન ખાતે પહોંચાડવામાં આવ્યા છે.

આ રત્ન કલાકારો માટે ગત તા. 6થી ગઇકાલ સુધીમાં કુલ 5402 એસટી બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન આજરોજ પણ સુરતથી સૌરાષ્ટ્ર-ગુજરાત માટે 800 બસો દોડાવવાનું પ્લાનીંગ કરવામાં આવ્યું છે.

સુરત એસટી વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જ્યાં સુધી રત્ન કલાકારો દ્વારા બસોના બુકીંગ કરવામાં આવશે ત્યાં સુધી આ સંચાલન ચાલુ રાખવામાં આવનાર છે.
ગઇકાલની વાત કરીએ તો સુરતથી ગઇકાલે એક જ દિવસ દરમિયાન સૌથી વધુ અમરેલી અને ભાવનગર જિલ્લા માટે બસો દોડાવવામાં આવી હતી. ગઇકાલે સુરતથી અમરેલી જિલ્લા માટે 511 અને ભાવનગર માટે 312 બસો દોડાવાઈ હતી.

આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, મહેસાણા, પાટણ, દ્વારકા, મહીસાગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભૂજ, ગોધરા, પાલનપુર, દાહોદ, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, નડીયાદ, મોરબી, ભરુચ, તાપી અને છોટા ઉદેપુર જિલ્લા માટે જરુરિયાત મુજબની બસો દોડાવવામાં આવી હતી.ગઇકાલે સુરતથી કુલ 1008 એસટી બસો જુદા જુદા જિલ્લામાં દોડાવવામાં આવી હતી.


Loading...
Advertisement