કોરોના કાળમાં પૃથ્વીની 60 ટકા વસ્તી ઑનલાઇન!

11 May 2020 10:52 AM
India Technology
  • કોરોના કાળમાં પૃથ્વીની 60 ટકા વસ્તી ઑનલાઇન!
  • કોરોના કાળમાં પૃથ્વીની 60 ટકા વસ્તી ઑનલાઇન!
  • કોરોના કાળમાં પૃથ્વીની 60 ટકા વસ્તી ઑનલાઇન!

થોડા સમય પહેલાં હાથ ધરવામાં એક રસપ્રદ રીસર્ચમાં વર્ષ 2020ના વીતેલા ચાર મહિનાઓની અંદર સમગ્ર વિશ્વની કુલ વસ્તીના 60 ટકા (4.5 અબજ લોકો) હાલ ઑનલાઇન આવી ગયા છે, જેમાંથી 3.8 અબજ લોકો સોશિયલ મીડિયા યુઝર્સ છે! મોટા મોટા દેશોમાં આવી પડેલા લોકડાઉન અને વૈશ્ચિક અર્થતંત્ર પર પડેલી અસરોને કારણે લોકો ક્યાં તો ઘરે બેસીને ઑનલાઇન કામ કરવાનું પસંદ કરી રહ્યા છે અથવા તો સોશિયલ મીડિયા પર પ્રવૃત્ત રહેવાનું!

દર વર્ષે 7 ટકા (અંદાજે 30 કરોડ)ના દરે નવા ઇન્ટરનેટ વપરાશકર્તાઓનો ઉમેરો થઈ રહ્યો છે. હાલ વિશ્વની કુલ વસ્તી 7.75 અબજ જેટલી છે. યુનાઇટેડ નેશન્સના અનુમાન મુજબ, 2056ની સાલ સુધીમાં પૃથ્વી પર ઓછામાં ઓછા 10 અબજ મનુષ્યો શ્વાસ લઈ રહ્યા હશે. 5G યુગના એંધાણ આવતાંની સાથે જ સ્માર્ટફોનનો વપરાશ પણ વધ્યો છે. કોરોનાને કારણે ઘરમાં બેસીને કરવાલાયક પ્રવૃત્તિઓમાં મોબાઇલ-ટીવી અને લેપટોપ મોખરે છે. પરિવાર સાથે બેસીને પસાર કરવામાં આવી રહેલાં સમયમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે ‘જેન્ડર ગેપ’ પણ વધ્યો છે.

આલેખન-પરખ ભટ્ટ : ડોમેસ્ટિક-નેશનલ-ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ બંધ! નોકરી-ધંધા ઠપ્પ! બહાર નીકળવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધો! ફરવા-હરવાના સ્થળો પર તાળાબંધી! સમગ્ર વિશ્વમાં આજે આ હાલત છે. ચીનને બાદ કરતા અન્ય તમામ દેશો ફફડી રહ્યા છે. નાગરિકો કોઈ પ્રકારનું રિસક ઉઠાવ્યા વગર ઘરે જ રહેવા માંગે છે, જેને કારણે ઘરમાં થઈ શકતી પ્રવૃત્તિઓ પર નજર દોડાવાઈ રહી છે. તાજેતરમાં એક ટ્રેન્ડ સામે આવ્યો છે. ભારતમાં લોકડાઉન દરમિયાન મહાનગરોમાં કૂકિંગ રેસિપી શોધીને અખતરાઓ કરવાનું પ્રમાણ વધ્યું છે. રસોડામાં નવી નવી વાનગીઓ પર હાથ અજમાવીને ગૃહિણીઓ સમય પસાર કરી રહી છે. બીજી બાજુ, આખો દિવસ નોકરી-ધંધો અથવા સ્કૂલ-કોલેજ જતાં પુરૂષો અને મહિલાઓ ‘વર્ક ફ્રોમ હોમ’ અનુસરી રહ્યા છે. જેને કારણે ઇન્ટરનેટ સર્વિસ અને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાના કલાકોમાં પણ ખાસ્સો વધારો થયો છે.

5જી ટેક્નોલોજીની અસર દેખાવાની પણ શરૂ થઈ ચૂકી છે. વિશ્વની કુલ વસ્તીના અડધોઅડધ લોકો હાલ સોશિયલ મીડિયા પર ટાઇમ-પાસ કરી રહ્યાનો ખુલાસો ‘સીઈઓ મેગેઝિન’ના એક રિપોર્ટમાં થયો છે. એવું નથી કે ફક્ત ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યામાં વધારો થયો છે! વૈશ્વિક ફલક પર પોતાના પર્સનલ ડેટાની સિક્યોરિટી મામલે પણ લોકોમાં ચિંતાનું પ્રમાણ વધી રહ્યું છે. વોઇસ સંબંધિત સેવાઓ અને વડીલો-યુવાનો વચ્ચેના ‘જેન્ડર ગેપ’માં પણ ધરખમ ઉછાળો નોંધાયો છે, જે વાસ્તવમાં ચિંતાજનક છે.

રીસર્ચના આંકડા સૂચવે છે કે 2020ની સાલમાં સોશિયલ મીડિયા એપ્લિકેશનોની યાદીમાં ફેસબૂક ટોચ પર જ છે, જેના યુઝર્સની સંખ્યા 2019ની સરખામણીમાં ચાલુ વર્ષે ઘણી જ વધી ગઈ છે. તમામ દેશોના ફેસબૂક યુઝર્સની સંખ્યામાં ખાસ્સો વધરો થયો છે. ધ્યાનાકર્ષક વાત એ પણ છે કે ફેસબૂકને કારણે દુનિયાભરના માર્કેટર્સ પોતપોતાની પ્રોડકટસની જાહેરાત કરવામાં ઘણા પૈસા ખર્ચી રહ્યા છે. ખાસ કરીને ભારતમાં પોતાની પ્રોડકટની જાહેરાત કરવા માટે ફેસબૂક સાવ મામૂલી રકમ વસૂલે છે, જેને કારણે ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ વર્લ્ડમાં હાલ તેજીનો માહોલ છે. મોટાભાગના યુઝર્સની ઉંમર 18 થી 34 વર્ષની વચ્ચેની હોવાને કારણે ડિજિટલ માર્કેટર્સને પોતાના પૈસા લેખે લાગી રહ્યા હોવાની ખાતરી થઈ રહી છે. હવે વિચાર કરો, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ એવા ચીનમાં તો ફેસબૂક હજુ ઘૂસ્યું પણ નથી, આમ છતાં બાકીના દેશોમાં ફેસબૂકનો પગપેસારો મજબૂતાઈપૂર્વક થયો હોવાને લીધે તેઓ હાલ ટોચ પર બિરાજી રહ્યા છે. ચીનમાં આજની તારીખે પણ ફેસબૂકને બ્લોક રાખવામાં આવ્યું છે. એમની પોતાની ટિકટોક એપ્લિકેશન હાલ ત્યાં સૌથી વધુ ધૂમ મચાવી રહી છે.

ફેસબૂક બાદ સૌથી વધુ ઉપયોગમાં લેવાઈ રહેલી સોશિયલ મીડિયા એપ્લિકેશનોમાં બીજા ક્રમ પર વોટ્સએપ, ફેસબૂક મેસેન્જર, વી-ચેટ, ઇન્સ્ટાગ્રામ અને છેલ્લે ટિકટોકનો સમાવેશ થાય છે. 80 કરોડ માસિક યુઝર્સ સાથે ટિકટોક સાતમા ક્રમ પર છે, જેમાંના 50 કરોડ યુઝર્સ તો ફક્ત ચીનના છે.

2020માં સામે આવેલા ડિજિટલ રિપોર્ટમાં એ વાતનો પણ ખાસ ખુલાસો થયો છે કે પુરૂષોની સરખામણીએ મહિલાઓ સોશિયલ મીડિયા માધ્યમો પર ઓછી સક્રિય છે. જાતીય અસમાનતાનો કોન્સેપ્ટ અહીં પણ લાગુ પડી રહ્યો છે. વિશ્વની વાત કરીએ તો, પુરૂષોની સરખામણીએ 28 ટકા મહિલાઓ સોશિયલ મીડિયા પર ઓછી સક્રિય છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ એશિયાના દેશોમાં આ ટકાવારી અન્ય દેશો કરતા 2.4 ગણી વધારે છે. 55 ટકા પુરૂષ સોશિયલ મીડિયા યુઝરની સરખામણીએ આ ટકાવારી મહિલાઓમાં 45 જેટલી છે. ત્રણ અબજ ઑફલાઇન યુઝર્સમાં મોટાભાગની નોન-ઇન્ટરનેટ યુઝર મહિલાઓ છે!

વિશ્વનો ઇન્ટરનેટ ઉદય!
1) દુનિયાની 60 વસ્તી પ્રતિદિન સરેરાશ 6 કલાક 43 મિનિટ ઇન્ટરનેટનો વપરાશ કરી રહી છે.
2) 2020ની સાલમાં માનવવસ્તી કુલ 1.25 અબજ વર્ષો જેટલો સમય ઇન્ટરનેટ પર પસાર કરી નાંખશે.
3) સમગ્ર વિશ્વના દેશોની સરખામણીમાં ફિલિપિનોસ દિવસના સરેરાશ 9 કલાક 45 મિનિટ ઇન્ટરનેટ પર વીતાવે છે, જે અન્ય દેશો કરતા સૌથી વધારે છે.
4) ઇન્ટરનેટ યુઝર્સ હાલ સૌથી વધુ ગુગલ અને યુટ્યુબનો વપરાશ કરી રહ્યા છે, ત્યારબાદ આ યાદીમાં ‘યાહુ’ અને એમેઝોનની વેબસાઇટનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા ગોસિપ
1) ઇન્ટરનેટના કુલ વપરાશમાંથી આપણે સરેરાશ 2 કલાક 24 મિનિટ જેટલો સમય હાલ સોશિયલ મીડિયા પર પસાર કરી રહ્યા છીએ.
2) ઇન્ટરનેટ વપરાશકર્તાની યાદીમાં મોખરે હોવાની સાથોસાથ ફિલિપિનોસ સોશિયલ મીડિયા પર પ્રતિદિન 4 કલાકનો સમય વિતાવતાં હોવાથી હાલ તેઓ આ યાદીમાં પણ ટોચ પર છે.
3) વિરોધાભાસ એ છે કે, કોરોનાના સમયમાં પણ જાપાનના લોકો સોશિયલ મીડિયા પર ફક્ત 45 મિનિટનો સમય પસાર કરીને આ યાદીમાં સૌથી તળિયે છે.
bhattparakh@yahoo.com


Loading...
Advertisement