બોટાદ જિલ્લાનું દંપતિ બે સંતાનો સાથે બાઇકમાં મોરબી સુધી પહોંચી આવ્યું...

28 April 2020 02:48 PM
Botad
  • બોટાદ જિલ્લાનું દંપતિ બે સંતાનો સાથે બાઇકમાં મોરબી સુધી પહોંચી આવ્યું...

પતિ-પત્ની સામે ગુનો નોંધતી પોલીસ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.28
મોરબી જીલ્લાની ચેક પોસ્ટ જાણે કે રેઢોપડ હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે કેમ કે, રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી તો ઘણા લોકો યેનકેન પ્રકારે મોરબી જિલ્લામાં આવી ગયા છે ત્યારે ગઈકાલે બોટાદ જીલ્લામાંથી એક દંપતી તેના બે સંતાનોને સાથે લઈને બાઈક ઉપર મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજમાં આવી ગયેલ છે જેથી પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
કોરોનાને ફેલાતો રોકવા માટે લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે અને જે લોકો જ્યાં છે ત્યાં જ ઘરમાં રહીને સલામત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે તો પણ લોકો ગામ, શહેર અને જીલ્લા મુકીને બીજા વિસ્તારોમાં આવી જાય છે અત્યારે સુધીમાં કોરોનાના સૌથી વધુ પોઝીટીવ કેસ છે તેવા અમદાવાદમાંથી અને મોરબી નજીકના રાજકોટમાંથી ઘણા લોકો મોરબી શહેર અને જીલ્લામાં આવી ગયા છે તેની સામે ગુના પણ નોંધવામાં આવ્યા છે તો પણ હજુ લોકોની આવક ચાલુ જ છે ગઈકાલના દિવસમાં મોરબી બી ડિવિઝન પોલીસની હદમાં આવતા કુલીનગર, રણછોડનગર અને મહેન્દ્રનગર પાસે આવેલા સોસાયટીમાં ત્રણ મહિલા સહીત ચાર વ્યક્તિ આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી તેની સામે ગુના નોંધાયા હતા.
તે ઉપરાંત મહેન્દ્રનગર પાસે આવેલા ઉમા વિલેજમાં બોટાદ જીલ્લામાંથી દંપતી તેના બે સંતાનોની સાથે આવ્યું હોવાની પોલીસને માહિતી મળી હતી જેથી ચેક કરવામાં આવતા મૂળ બોટાદ જીલ્લાના તુરખા ગામના રહેવાસી અને હાલમાં ઉમા વિલેજમાં ભાડે રહેતા પંકજભાઈ રણછોડભાઈ માથાસુરીયા (34) અને તેના પત્ની રસીલાબેન પંકજભાઈ માંથાસુરીયા (30) તેના બે સંતાન સાથે લોક ડાઉન પહેલા તેના વતનમાં ગયા હતા અને હવે ધાંધ શરૂ થઇ રહ્યા હોવાથી તે તેના બાઈક ઉપર જ મોરબી આવી ગયા હતા જેથી બી ડીવીઝન પોલીસે કોરોનાનું સંક્રમણ વધે તેવી ગંભીર બેદરકારી રાખવા બદલ આઇપીસી કલમ 188, 269 અને ડીજાસ્ટર મેન્જમેન્ટની કલમ 51(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.


Loading...
Advertisement