કોલેજ છોડયાના પાંચ વર્ષ પછી 288 ડોકટરોને ફરજ પર હાજર થવા રાજય સરકારનો આદેશ

10 April 2020 05:46 PM
Ahmedabad Gujarat
  • કોલેજ છોડયાના પાંચ વર્ષ પછી 288 ડોકટરોને ફરજ પર હાજર થવા રાજય સરકારનો આદેશ

કોરોના સામેની લડાઈમાં 15 દિ’માં હાજર થવું પડશે

અમદાવાદ તા.10
રાજયમાં કોવિડ-19ના કેસો વધી રહ્યા છે ત્યારે રાજય સરકાર કોન્ટ્રેકટ અને અન્ય માર્ગે ડોકટરોની ખાલી જગ્યા ભરવા અને ખાનગી ડોકટરોને જોતરી પુરતા પ્રમાણમાં તબીબો કાર્યરત થાય તે માટે તમામ પગલાં ભરી શકે છે.

2013-14માં રાજયની મેડીકલ કોલેજોમાંથી પાસ થયેલા 288 સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને 3 વર્ષ માટે ગ્રામીણ અને આસપાસના વિસ્તારોમાં ફરજ બજાવવા તેમના પોસ્ટીંગના સ્થળે હાજર થવા હુકમ કર્યો છે.

આ વિદ્યાર્થીઓએ મેડીકલ બોન્ડ ભર્યું છે, પણ મામલો ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીન હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં ફરજ બજાવી નથી. જુલાઈ 2019માં કલાસ 1 સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની જગ્યા ભરવા અથવા તેમની બોન્ડ રકમ છોડવા હાઈકોર્ટની બે જજની બેંચે રાજય સરકારને રાહત આપી હતી, હવે આવા ડોકટરોને ફરજ પર આવવા સરકારે આદેશ આપ્યો છે.

સરકારી મેડીકલ કોલેજોમાં પાસ થયા પછી પાંચ વર્ષ સુધી ડોકટરોને સરકારી નોકરી કરવા જણાવાયું હોય તેવો તબીબી શિક્ષણ ઈતિહાસમાં પહેલો બનાવ છે.
ગુજરાત સરકારે ગત વર્ષે ઓગષ્ટમાં મેડીકલ વિદ્યાર્થીઓ માટે બોન્ડ સર્વિસનો ગાળો ત્રણ વર્ષથી એક વર્ષ અને મેડીકલ બોન્ડની રકમ બમણી કરી હતી. આ પાછળનો ઈરાદો વધુ વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારોમાં સેવા બજાવે તે જોવાનો હતો. પરંતુ આવી રાહત આ 288 ડોકટરોને નહીં મળે, કેમકે સામાન્ય જનતાની સેવા કરવાનો તેમનો સમય 2019માં હતો.

આ 288 ડોકટરોનું પોસ્ટીંગ વલસાડ, દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, બોટાદ, બનાસકાંઠા, તાપી, સુરેન્દ્રનગર, મહીસાગર, અમરેલી, નવસારી, ગીર સોમનાથ, મહેસાણા, નડીયાદ, ખેડા, પંચમહાલ, આણંદ, પાટણ અને ભરૂચમાં કરવામાં આવ્યું છે. આ ડોકટરોએ હુકમના 15 દિવસમાં હાજર થઈ ગુજરાત મેડીકલ કાઉન્સીલ પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. 2015-19ના ડેટા મુજબ 86% મેડીકલ વિદ્યાર્થીઓએ ગામડામાં સેવા કરવાના બદલે બોન્ડની રકમ જતી કરી હતી.


Loading...
Advertisement