રાજકોટ : લોકડાઉન બંદોબસ્તમાં પૂર્વ મેયર જનકભાઇ પણ ઝપટે ચડી ગયા

10 April 2020 05:26 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : લોકડાઉન બંદોબસ્તમાં પૂર્વ મેયર  જનકભાઇ પણ ઝપટે ચડી ગયા

મારી પાસે પાસ છે, હું સેવાકીય પ્રવૃતિ માટે બહાર આવ્યો છું : જનકભાઇ : દરેક પાસની ખરાઇ કરવી જરૂરી, આ એક પ્રક્રિયા છે : ડીસીપી મનોહરસિંહ

રાજકોટ તા.10
લોકડાઉન દરમિયાન ગત સાંજે કોટેચા ચોકમાં પોતાના વાહન પર પસાર થયેલા પૂર્વ મેયર જનકભાઇ કોટક પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા. જનકભાઇ પાસે પાસ હોવા છતાં પોલીસ દ્વારા તેમની સાથે રકઝક કરવામાં આવી હતી અને અંતે તેઓને જવા દેવાયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ ગત સાંજે ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા કોટેચા ચોકમાં વાહન ચેકીંગ કરી રહ્યા હતા. ત્યારે પૂર્વ મેયર જનકભાઇ કોટક પસાર થતાં ડીસીપી દ્વારા તેમને રોકવામાં આવ્યા હતાં. પરંતુ જનકભાઇ દ્વારા સેવાભાવી પ્રવૃતિ માટેનો પાસ હોય તે પોલીસને બતાવ્યો હતો.

પરંતુ ડીસીપીએ તમારા પાસની ખરાઇ કરવી પડશે તેમ કહીને રકઝક શરૂ કરવામાં આવતાં દિનેશભાઇ કારીયા સહિતના ભાજપ અગ્રણીઓ અને લોહાણા સમાજના આગેવાન પરેશભાઇ શીંગાળા સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા.

સમજાવટના અંતે જનકભાઇ કોટકને જવા દેવાયા હતા. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ગત સાંજે કોટેચા ચોકમાં માત્ર એક કલાકમાં કારણ વગર રાજ માર્ગો પર નીકળી પડેલા 100થી વધુ વાહન ચાલકોના વાહનો ડીટેઇન કરી દીધા હતાં.


Loading...
Advertisement