કોટેચા ચોક, કેકેવી સર્કલ, રેસકોર્ષ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી જેવા મુખ્ય પોઇન્ટ પર બંદોબસ્ત

10 April 2020 05:24 PM
Rajkot Saurashtra
  • કોટેચા ચોક, કેકેવી સર્કલ, રેસકોર્ષ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી જેવા મુખ્ય પોઇન્ટ પર બંદોબસ્ત

રણછોડનગર, રેલનગર, રૈયા ગામ, મવડી સહિત અનેક વિસ્તારોમાં છૂટથી અવર-જવર : સોસાયટીઓમાં લોકો ટોળે વળે છે : સાંજ પડે ને શેરીઓમાં ક્રિકેટ, કેરમની મહેફીલો જામે છે : લોકો જાગૃતિ દાખવે તે જરૂરી

રાજકોટ તા.10
શહેરમાં લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે તમામ રાજમાર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય કારણ વગર ઘરની બહાર જાહેર માર્ગો પર નીકળનારા લોકોના વાહનો ડીટેઇન કરી લેવાય છે. પોલીસ માત્ર જાહેર માર્ગો પર જ તૈનાત હોય અહીં લોકડાઉનનો કડક અમલ થાય છે. પરંતુ સોસાયટીઓમાં લોકડાઉન જેવુ જરા પણ જોવા મળતું નથી. લોકો છૂટથી અવર-જવર કરતાં હોય કોરોનાનો ચેપ વધુ ફેલાવાનો ભય સેવાઇ રહ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે પોલીસ દ્વારા કેકેવી હોલ ચોક, હોસ્પિટલ ચોક, ત્રિકોણ બાગ, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન ચોક, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, આજી ડેમ ચોકડી સહિતના વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પોલીસ પહેરો રહે છે.

કારણ વગર જાહેર માર્ગો પર નીકળનારા વાહન ચાલકોને અટકાવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે અને જો વ્યાજબી કારણ ન હોય તો આવા વાહન ચાલકોનાં વાહનો ડીટેઇન કરી લેવામાં આવે છે.

પોલીસથી બચવા માટે કેટલાક વાહન ચાલકો મેડીકલ પીસ્ક્રીપ્શન અને દવાના બહાના રજૂ કરતા હોય છે. પરંતુ જૂની મેડીકલ ફાઇલો લઇને નીકળી પડનાર અને પોલીસને છેતરનાર સામે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવે છે.

લોકડાઉનની કડક અમલવારી કરાવવા માટે પોલીસ સ્ટાફ ઉપરાંત પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્નર તમામ એસીપીઓ પણ મેદાનમાં ઉતરી પડે છે. માત્ર જાહેર માર્ગો પર જ પોલીસ બંદોબસ્ત હોય રણછોડનગર સહિતના વિસ્તારોમાં પોલીસ તહેનાત ન હોવાના કારણે આવા વિસ્તારોમાં મોકળુ મેદાન હોય તેવી સ્થિતિ નજરે પડે છે. અંદરના વિસ્તારોમાં અને સોસાયટીઓમાં લોકો છૂટથી અવર-જવર કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાના નિયમનું ઉલ્લંઘન કરતાં હોય લોકો પણ જાગૃત બનીને લોકડાઉનનો અમલ કરે તેવો સૂર ઉઠવા પામ્યો છે.

લોકડાઉનની સ્થિતિમાં જાહેર માર્ગો પર ન જઇ શકનાર લત્તાવાસીઓ પોતાના વિસ્તારમાં આરામથી ફરતાં હોય છે. કેટલીક સોસાયટીઓમાં તો સાંજ પડે ને શેરીઓમાં ક્રિકેટ અને કેરમની મહેફીલો જામતી હોવાનું કહેવાય છે.


Loading...
Advertisement