રાજકોટમાં જંગલેશ્વર, વડોદરામાં નાગરવાડા, અમદાવાદમાં ‘કોટ’ વિસ્તાર સહિત 22 કલસ્ટર

10 April 2020 05:13 PM
Rajkot Gujarat
  • રાજકોટમાં જંગલેશ્વર, વડોદરામાં નાગરવાડા, અમદાવાદમાં ‘કોટ’ વિસ્તાર સહિત 22 કલસ્ટર

કલસ્ટર જાહેર થયેલા સ્થળોમાં જ જે-તે શહેરના 50 ટકાથી વધુ પોઝીટીવ કેસ : જંગલેશ્વરમાં બે કલસ્ટરમાં 501 લોકો નજર કેદ: બે આરોગ્ય ટીમો ઉતારાઈ : સૌથી વધુ 37738 લોકોની ભાવનગરની વસ્તી બે કલસ્ટરમાં : અમદાવાદમાં સૌથી વધુ 14 કલસ્ટરમાં 22525 લોકોને આવરી લેવાયા

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારા વચ્ચે રાજય સરકારે વધુ કેસો ધરાવતા પાંચ શહેરોના ચોકકસ વિસ્તારોને કલસ્ટર કવોરન્ટાઈન કરી દીધા છે તેમાં વસવાટ કરતા હજારો નાગરિકોને નજરકેદ જેવી સ્થિતિમાં રાખીને મોટાપાયે આરોગ્ય તપાસ શરુ કરવામાં આવી છે. રાજકોટમાં જંગલેશ્ર્વરને કલસ્ટર કવોરન્ટાઈન કરવામાં આવ્યું છે જયાં 500થી વધુ લોકોની વસ્તી સરકારી તંત્રના વોચ હેઠળ છે. અમદાવાદના કોટ વિસ્તારમાં સૌથી વધુ 14 કલસ્ટર જાહેર કરાયા છે ત્યારે સુરત, ભાવનગર તથા વડોદરામાં બે-બે વિસ્તાર કલસ્ટર જાહેર કરાયા છે.
રાજય સરકાર દ્વારા કોરોના પોઝીટીવના વધુ કેસ ધરાવતા પાંચ શહેરોના 22 વિસ્તારોને કલસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ભાવનગર એમ પાંચ શહેરોને કુલ 22 કલસ્ટરમાંથી સૌથી વધુ 14 માત્ર અમદાવાદના છે અને કોટ વિસ્તારના મોટાભાગના એરીયા તેમાં સામેલ થઈ ગયા છે.
રાજકોટમાં જંગલેશ્ર્વરને કલસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના કુલ 18માંથી 9 કેસ માત્ર જંગલેશ્ર્વરના છે તેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાંથી કોરોના ન ફેલાય તે માટે વિસ્તારને એપી સેન્ટર ગણીને કલસ્ટર જાહેર કરી દેવાયો છે. જંગલેશ્ર્વરના 501 લોકો કલસ્ટર એરીયામાં આવી જાય છે અને ત્યાં આરોગ્ય વિભાગની 16 ટીમોને ઉતારી દેવામાં આવી છે. બે મેડીકલ ઓફીસર, ત્રણ સુપરવાઈઝર તથા 20 પેરામેડીકલ સહિત 24ના સ્ટાફ દ્વારા મોટાપાયે આરોગ્ય ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
કલસ્ટરની ગણતરીએ સૌથી વધુ 14 અમદાવાદમાં છે. દરિયાપુર, કાલુપુર સહિતના કોટ વિસ્તારોને કલસ્ટર હેઠળ આવરી લેવામાં આવ્યા છે જયાં આરોગ્યની 34 ટીમોને ઉતારવામાં આવી છે. 22525 લોકો કલસ્ટરમાં સામેલ છે. 14 મેડીકલ ઓફીસર, 14 સુપરવાઈઝર તથા પેરામેડીકલના 68 સહિત 96 કર્મચારીઓની ટીમ આરોગ્ય તપાસમાં કામે લાગી છે.
વડોદરાના નાગરવાડામાં ગઈકાલે એક જ દિવસમાં 17 પોઝીટીવ કેસ નોંધાયા હતા જેના પગલે આ વિસ્તારને કલસ્ટર જાહેર કરી દેવામાં આવ્યો છે. બે મેડીકલ ઓફીસર, ત્રણ સુપરવાઈઝર તથા 16 પેરામેડીકલ સહિત 21 આરોગ્ય કર્મચારીઓ દ્વારા 5102ની વસ્તી ધરાવતા આ કલસ્ટર વિસ્તારમાં ચકાસણી શરુ કરવામાં આવી છે.
સુરતમાં રાંદેર વિસ્તારમાં બે કલસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં 32535 લોકો નજરકેદ હેઠળ આવી ગયા છે. ત્રણ મેડીકલ ઓફીસર, 12 સુપરવાઈઝર તથા 98 પેરામેડીકલ સહિત 113 આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી છે.
ભાવનગરમાં બે કલસ્ટર જાહેર થયા છે પરંતુ વસ્તીની દ્રષ્ટિએ સમગ્ર રાજયમાં ભાવનગરના કલસ્ટર સૌથી મોટા છે. ભાવનગરમાં બે કલસ્ટરમાં 37738 લોકો નજરકેદ બન્યા છે. ત્રણ મેડીકલ ઓફીસર, ચાર સુપરવાઈઝર તથા 29 પેરામેડીકલ સહિત 36 આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વની બાબત એ છે કે આ પાંચેય શહેરોમાં કોરોના પોઝીટીવ દર્દીઓ જાહેર થયા છે તેમાંથી 50 ટકાથી વધુ દર્દીઓ કલસ્ટર જાહેર કરાયેલા વિસ્તારોમાં વસવાટ કરે છે. આ લોકોનો ચેપ અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે તાબડતોબ કલસ્ટર હેઠળ મુકી દીધા છે.


Loading...
Advertisement