કોરોના-લોકડાઉન મુદે કેબિનેટ બેઠક સાથે કલેક્ટરોની વીડિયો કોન્ફરન્સ

08 April 2020 04:26 PM
Ahmedabad Gujarat Rajkot
  • કોરોના-લોકડાઉન મુદે કેબિનેટ બેઠક સાથે કલેક્ટરોની વીડિયો કોન્ફરન્સ

ગાંધીનગરથી મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સહિત તમામ કેબિનેટ મંત્રીઓની બેઠકમાં જિલ્લા કલેક્ટરો સાથે કરાતી સમીક્ષા

રાજકોટ સહિત રાજ્યભરમાં વકરતા જતાં કોરોના વાઈરસ તેમજ ચાલી રહેલી લોકડાઉનની સ્થિતિનો કડક અમલ કરવા માટે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની અધ્યક્ષતામાં કેબીનેટ મંત્રીઓની વીડિયો કોન્ફરન્સ બેઠક યોજાઈ હતી. આ બેઠકની સાથોસાથ તમામ જિલ્લા કલેક્ટરોને પણ આવરી લઇ તમામ જિલ્લામાં કલેક્ટરો પાસેથી કોરોના વાઈરસ અને લોકડાઉનની કડક અમલવારી સંદર્ભેની વિગતોની સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં વકરતી જતી કોરોના વાઈરસની પરિસ્થિતિ અને લોકડાઉનની કડક અમલવારી સંદર્ભે આવનારા 10 દિવસ ખુબ જ અગત્યના હોય ગુજરાત રાજ્ય સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. આજે એટલે કે બુધવારે યોજાતી કેબીનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના મુખયમંત્રી વિજયભાઈ રુપાણીએ કેબીનેટ મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. આ ચર્ચાની સાથોસાથ તમામ જિલ્લા કલેક્ટરો સાથે કોરોના વાઈરસ અને લોકડાઉન સ્થિતિની સમીક્ષા મુખ્યમંત્રીએ કરી હતી.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબીનેટ મંત્રીઓની બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલી ચર્ચામાં દરેક જિલ્લામાં કોરોના વાઈરસના કેસો, દર્દીની સારવાર, જરુરી સુવિધાઓની ઉપલબ્ધી, જીવન જરુરી ચીજવસ્તુઓનો પુરવઠો, દૂધ-શાકભાજીની પરિસ્થિતિ ઉપરાંત કોરોના વાઈરસ વધે નહીં તે માટે લોકડાઉન સ્થિતિની કડક અમલવારી કરવા માટેની વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. સંભવીતપણે લોકડાઉનની મુદત જયારે 14 એપ્રિલે પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે તમામ જિલ્લાઓમાં કોરોના વાઈરસનાં કેસો જે રીતે વધી રહ્યા છે તો આ પરિસ્થિતિમાં લોકડાઉન ખોલવું કે કેમ તે સંદર્ભે કલેક્ટરો પાસેથી વિગતો મેળવીને સૂચનો માંગ્યા હતા.
દરમિયાન ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીની આજની વીડિયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા આ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરે રાજકોટ શહેરમાં કોરોના વાઈરસના હાલમાં જેટલા કેસો છે તેની વિગતો આપી તેમની સારવાર અને દર્દીની હાલત અંગેની સમીક્ષાઓ કરી હતી.
ઉપરાંત જીવન જરુરી ચીજવસ્તુઓની ઉપલબ્ધી, અને જો લોકડાઉન લંબાવામાં આવે તો આવનારા સમયમાં પરિસ્થિતિ કેવી ઉદભવે તે સંદર્ભની પણ વિગતે ચર્ચા કરી હોવાનું અંતમાં જાણવા મળેલ છે.


Loading...
Advertisement