લોકડાઉનની સ્થિતિ વચ્ચે વકીલોને રાહત : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સહાય ચૂકવશે

08 April 2020 01:08 PM
Rajkot Saurashtra
  • લોકડાઉનની સ્થિતિ વચ્ચે વકીલોને રાહત : બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સહાય ચૂકવશે

2006થી વકીલાત કરનાર ધારાશાસ્ત્રીઓ દ્વારા ઓનલાઈન અરજી બાદ રકમ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે : બીસીજીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખનો ચેક આપ્યો

રાજકોટ,તા. 8
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન સી.કે. પટેલ તથા એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન આર.એન. પટેલનાં અધ્યક્ષપદ હેઠળ એક તાકીદની એક્ઝીક્યુટીવ કમિટીની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં વર્તમાન સમયમાં કોરોનાના વાયરસની મહામારીને કારણે ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી તેમજ ગુજરાતનાં તમામ જિલ્લા તથા તાલુકા અદાલતોનું કામ બંધ થવાથી જુનિયર ધારાશાસ્ત્રીઓને ભારે આર્થિક હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિ ઉભી થયેલ છે. તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના જરુરિયાતમંદ જુનિયર ધારાશાસ્ત્રીઓને 5000 સુધીની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અનુસાર આજની એક્ઝીક્યુટીવ કમિટીમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવેલ કે સને 2006થી વકીલાતનાં વ્યવસાયમાં જોડાયેલ કોઇપણ ધારાશાસ્ત્રીએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા નિયત કરવામાં આવેલ ફોર્મમાં ઓનલાઇન અરજી કરી શકશે અને ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના તેમજ કોઇપણ બાર એસોસિએસનનાં સભ્ય હોવા જરુરી રહેશે. આવા જરુરિયાતમંદ જુનિયર ધારાશાસ્ત્રી નિયત ફોર્મમાં સઘળી વિગત ભરી તેમના બેંક એકાઉન્ટની માહિતી આપતા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા તેમના એકાઉન્ટમાં સીધેસીધી રકમ જમા કરવામાં આવશે.

ઉપરાંત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજની મીટીંગમાં સર્વાનુમતે ઠરાવવામાં આવેલ કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં કારણે લોકડાઉનની સ્થિતિ થતા સંખ્યાબંધ શ્રમિકો સહિત મજુરી કરતા વર્ગ પર મોટી આફતો આવી પડેલ છે. જે સંજોગોમાં ગુજરાત સરકાર દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ પ્રકારનાં પ્રયત્નો કરી રહેલ છે, તેવા સંજોગોમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે હાલના સંજોગોને લક્ષ્યમાં રાખી મુખ્યમંત્રીના રાહત ફડમાં 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

એક્ઝીક્યુટીવ કમિટીની મીટીંગમાં પૂર્વ ચેરમેન અનિલ સી. કેલ્લા તથા સભ્ય મનોજ કે. અનડકટ, અનિરુધ્ધસિંહ એચ. ઝાલા તેમજ દિપેન કે દવે હાજર રહ્યા હતાં. તેમ કો. ક્ધવીનર દિલીપ પટેલની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement