કોર્પોરેશને ઇસ્યુ કરેલા તમામ પાસ રદ : હવે માત્ર કલેક્ટરને ‘સત્તા’ : કચેરીએ વેપારીઓનો ધસારો

07 April 2020 03:39 PM
Rajkot Saurashtra
  • કોર્પોરેશને ઇસ્યુ કરેલા તમામ પાસ રદ : હવે માત્ર કલેક્ટરને ‘સત્તા’ : કચેરીએ વેપારીઓનો ધસારો

DILRના પંદર અધિકારીઓને પાસ કાઢવા કામે લગાવતા એ.ડી.એમ.: હોલસેલરો-છૂટક કરિયાણા વેપારીઓ-પ્રોવિઝન સ્ટોર્સ-બેકરી માલિકો અને શાકભાજી વેચવાની મંજુરીના પાસ કલેક્ટરેથી કઢાશે, જનસેવા કેન્દ્ર હાઉસફૂલ

રાજકોટ,તા. 7
રાજકોટ સહિત રાજ્યભરમાં લોકડાઉનની કડક અમલવારી કરવી હવે અનિવાર્ય થઇ ગઇ છે. લોકો સંસ્થાના ઓળખકાર્ડ તેમજ મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પાસ લઇને દિવસભર શહેરમાં આંટા મારતા હોય અને આવા પાસનો ગેરઉપયોગ થતો હોય તેવા સંજોગોમાં લોકડાઉનની અમલવારી કડક થઇ શકતી નથી. આવી ચોંકાવનારી વિગત રાજ્ય સરકારના ધ્યાને આવતા ગુજરાત રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા તમામ રદ કરી હવે માત્ર જિલ્લા કલેક્ટર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પાસથી જ વેપારીઓ, હોલસેલરો, શાકભાજીના વેપારીઓ સહિતના ટ્રાન્સપોર્ટરોને જ અવરજવર માટે મંજૂરી આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટ સહિત રાજ્યભરમાં લોકડાઉનની કડક અમલવારી હવે કરવી જરુરી છે. લોકડાઉનના આડે હજુ આઠ દિવસ બાકી છે. કોરોનાના વાઈરસના સતત વધતા જતા પોઝીટીવ કેસને ધ્યાનમાં લઇને લોકો પોતાના ઘરમાં જ રહે અને જીવન જરુરી વસ્તુઓ સહેલાઈથી મળી રહે તે માટે રાજ્ય સરકારે જબરદસ્ત વ્યવસ્થા ગોઠવી છે.

આ અગાઉ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા શહેરના 18 વોર્ડમાં કરિયાણાના વેપારી, પ્રોવિઝન સ્ટોર તેમજ મોટી કરિયાણા બજારમાં હોલસેલ અનાજ કરિયાણુ વેચતા વેપારીઓને દુકાન ખુલ્લી રાખવા માટે પાસ ઇસ્યુ કર્યા હતા તેમની સાથોસાથ શાકભાજી વેચતા વેપારીઓને પણ મહાનગરપાલિકા દ્વારા પાસ આપવામાં આવ્યા હતાં. આવા પાસનો ગેરઉપયોગ થતો હોય અને લોકો મન પડે તેમ બહાર ફરતા હોવાની વિગત બહાર આવી છે. લોકડાઉનની કડક અમલવારી અનિવાર્ય થઇ છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારે હવે માત્ર જિલ્લા કલેક્ટર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પાસને જ માન્ય ગણી ધંધો કરવા અને છૂટક ફેરી કરવા માટેની મંજુરી આપી હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે તે પાસની ચકાસણીમાં ફરજ તૈનાત પોલીસ કર્મચારીઓને ભારે વિસંગતતા અનુભવવી પડે છે. પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓને આવા પાસ વિષે ઉંડી સમજ પડતી નથી જે સંદર્ભે હવે તમામ વોર્ડમાં છૂટક કરિયાણાના વેપારી, પ્રોવિઝન સ્ટોર, કરિયાણા માર્કેટના હોલસેલ વેપારી, દૂધની ડેરીઓ, શાકભાજીના વેપારીઓ, છૂટક શાકભાજી વેચતા લારીવાળા, માલની હેરફેર કરતાં છકડો રીક્ષાના ચાલકોને હવેથી કલેક્ટર કચેરીએથી જ પાસ ઇસ્યુ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા તમામ પાસ 18 વોર્ડના વોર્ડ ઓફિસરો કલેક્ટ કરી લેશે અને આવા પાસ કલેકટ્ર કચેરીએ જમા કરાવ્યા બાદ વેપારીઓને જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવશે અને આ પાસ જ માન્ય રાખવામાં આવે તેવી સૂચના શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે.

દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે સવારથી મહાનગપાલિકાએ ઇસ્યુ કરેલા તમામ પાસ હવે અમાન્ય થઇ જતાં વેપારીઓ છકડો રીક્ષાના માલિકો, શાકભાજીના વેપારી, કરીયાણા પ્રોવિઝન સ્ટોરના માલિકો, દૂધના વેપારીઓ, બેકરીના વેપારીઓએ કલેકટર તત્રના પાસ કઢાવવા માટે લાઇનો લગાવી હતી. આવા પાસ કાઢી દેવા માટે અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાએ ડીઆઇએલઆર કચેરીના 15 જેટલા અધિકારીઓને પાસ કાઢવાની કામગીરી માટે મેદાને ઉતારી દીધા છે અને જીવન જરુરી ચીજવસ્તુનો પુરવઠો બજારમાં રાબેતા મુજબ મળતો રહે, લોકોને હાડમારી વેઠવી ન પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી નાખી હોવાનું અંતમાં જણાવ્યું હતું.


Loading...
Advertisement