ગુજરાત: 6.5 કરોડમાં ફકત 1998 ગુજરાતીઓનો રેન્ડમ કોરોના ટેસ્ટ થયો

04 April 2020 05:56 PM
Rajkot Gujarat
  • ગુજરાત: 6.5 કરોડમાં ફકત 1998 ગુજરાતીઓનો રેન્ડમ કોરોના ટેસ્ટ થયો

ગુજરાતમાં કોરોનાની સાચી સ્થિતિ જાણવા મળશે? : સરકારના ટેસ્ટીંગ સામે નિષ્ણાંતોએ પ્રશ્ર્ન ઉઠાવ્યો: ખાનગી કલીનીક હોસ્પિટલોના કેસ રીફર થયા જ નથી

રાજકોટ તા.4
રાજય સરકારે કોરાનાના શંકાસ્પદ કેસ શોધવા 6.5 કરોડ લોકોમાંથી ફકત 1998 લોકોના જ ટેસ્ટ કર્યો છે અને તેથી કોરોનાની સ્થિતિ વાસ્તવિક રીતે બહાર આવે કે કેમ તે પ્રશ્ન છે. પાડોશી મહારાષ્ટ્ર કે જયાં કોરોનાના કેસ વધુ છે તેમાં 3 એપ્રિલ સુધીમાં 6500 લોકોનો ટેસ્ટ કરાયો છે અને 335 લોકો કોરોના પોઝીટીવ હોવાનું ઓળખી કઢાયું હતું.

જો કે રાજયના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ આ સ્થિતિનો બચાવ કરતા કહ્યું કે દરેક રાજયની પોલીસી અલગ હોય છે તેમણે સાઉથ કોરિયાનું દ્રષ્ટાંત આપતા કહ્યું કે આ દેશમાં એટીએમ જેવા બુથ ઉભા કરીને લોકોનો ટેસ્ટીંગ કરાવ્યો હતો.

કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન આપી છે તેમાં અલગ બાબત છે. નિષ્ણાંતો પણ કહે છે કે જે લોકોને શ્ર્વાસની બિમારી હોય કે તાવની સ્થિતિ હોય તેઓનો તમામનો ટેસ્ટ થવો જોઈએ. ગુજરાતમાં કેટલો ટેસ્ટ થયો છે તે પ્રશ્ન છે.

ઉપરાંત ખાનગી હોસ્પિટલો અને કલીનીકમાં આવતા આ પ્રકારના કેસ તુર્ત જ સરકારને રીફર થવા જોઈએ. ગ્રામીણ વિસ્તારમાં આવા કેસ તપાસાયા છે કે કેમ તે પણ પ્રશ્ન છે.

કોરોનાનો બાયોમેડીકલ વેસ્ટ નિકાલ કરવા ખાસ તકેદારી
કોરોનાનો મુકાબલો કરવામાં તેનો બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થાય તે પણ જરૂરી છે અને ગુજરાત સરકારે તેના ડિસ્પોઝલ માટે રાજય પોલીસ કંટ્રોલ બોર્ડ મારફત એક માર્ગરેખા જાહેર કરી છે. બોર્ડના સભ્યો, સેક્રેટરી એ.વી.શાહના જણાવ્યા મુજબ કોરોનાના દર્દીઓની જયાં સારવાર થતી હોય તેનો બાયો મેડીકલ વેસ્ટ અન્ય મેડીકલ વેસ્ટ સાથે ભેગો કરવાનો રહેશે નહી અને તેના નિકાલ માટે જે ખાસ સૂચના અપાઈ છે તેનું પાલન થવું જરૂરી છે.


Loading...
Advertisement