કોરોના લોકડાઉનને કારણે ગુજરાત સરકારની આવકમાં 5000 કરોડનો ઘટાડો: કરકસર શરૂ

04 April 2020 05:52 PM
Ahmedabad Gujarat
  • કોરોના લોકડાઉનને કારણે ગુજરાત સરકારની આવકમાં 5000 કરોડનો ઘટાડો: કરકસર શરૂ

ગુજરાત બે દશકા જુની નાણાકીય નીતિમાં ફરી લાગુ કરે તેવો ભય: રાજય સરકાર દ્વારા બિન ઉત્પાદકીય અને બિનવિકાસ કામો થંભાવી દેવાયા: નવી કોઈ યોજના લોન્ચ નહી કરે: જીએસટીથી લઈ રાજયના પેટ્રોલીયમ વેટ, સ્ટેમ્પ ડયુટી, વાહન ટેક્ષ સહિતની આવકમાં મોટો કડાકો

અમદાવાદ તા.4
ગુજરાતમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે અને રાજય સરકાર તમામ તૈયારી સાથે કોરોના સામેનો ખેલ ખેલી રહી છે. પરંતુ જો કોરોના રાજયમાં વધુ પંજો ફેલાવે તો સરકારે તેની તૈયારી માટે હવે બિનવિકાસકીય તમામ ખર્ચાઓમાં કાપ અને અત્યંત કરકસર સાથે વહીવટીતંત્ર ચલાવવા તૈયારી કરી છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની આવકમાં જીએસટીમાં મળતો ભાગ સ્ટેમ્પ ડયુટી, પેટ્રોલીયમ પેદાશો પરનો વેટ, મોટર વ્હીકલ ટેકસ અને અન્ય સરકારની આવકમાં મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે જે નાણાં ગુજરાત માંગે છે તે પણ હજુ પુરા ચુકવાયા નથી તો બીજી તરફ કોરોના સામેના એકશનમાં સરકારી ખર્ચ વધી રહ્યો છે અને તેથી સરકાર માટે બે છેડા ભેગા કરવા તે સૌથી કપરુ કામ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેન્શન સહિતના જે નાણાં ચૂકવવાના છે તે સરકારે એડવાન્સમાં ચુકવી દીધા છે. પરંતુ હાલ હવે રાજયનાં કોન્ટ્રાકટરોના મોટા બીલનું પેમેન્ટ અટકાવી દીધું છે. સરકારને એપ્રીલ માસમાં લોકડાઉનને કારણે રૂા.5000 કરોડની આવક ગુમાવવી પડે તેમ છે અને જો આ સ્થિતિ ચાલુ રહે તો 1998માં રાજય સરકારે જે કરકસરની નીતિ અપનાવી હતી અને નોન પ્રોડકટીવ તથા બીનવિકાસકીય ખર્ચમાં કાપ મુકયો હતો અને નવી કોઈ યોજના નહી અમલ કરવા જે નીતિ અપનાવી હતી તે ફરી લાગુ પડશે. આમ ગુજરાત કોરોનાને કારણે બે દશકા જુના નાણાકીય સમયમાં જાય તેવો ભય છે.

અમારા 5600 કરોડ આપો: કેન્દ્રને પત્ર
કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ગુજરાત માટે મોસાળે જમણ અને મા પીરસે તેવી સ્થિતિ હતી તે કદાચ બદલાઈ રહી છે અને ગુજરાત હવે કેન્દ્ર પાસે તેના જીએસટી આવક ઘટાડાના કમ્પોસેશનના રૂા.5609 કરોડ તાત્કાલીક ચૂકવવા કેન્દ્રને જણાવ્યું છે. આ ઉપરાંત કેન્દ્રની જે ગ્રાન્ટ છે તે પણ એડવાન્સમાં ચુકવવા માંગણી કરી છે.


Loading...
Advertisement