રાજકોટમાં ચાર દિવસથી એકપણ નવો કેસ નહીં, છતાં ચાર કેસ હજુ કોયડારૂપ !

04 April 2020 05:39 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં ચાર દિવસથી એકપણ નવો કેસ નહીં, છતાં ચાર કેસ હજુ કોયડારૂપ !

કોરોના સામે જંગ જીતેલા જંગલેશ્વરના નદીમનો અન્ય કોઇને ચેપ ન લાગ્યો: જાગનાથ પ્લોટના માતા-પુત્રને ચેપ કયાંથી લાગ્યો તે હજુ રહસ્ય: કાલાવડ રોડના દુબઇ રીટર્ન યુવકના સંપર્કમાં આવેલા મોટાભાગના પોઝીટીવ કેમ ?: ફ્રાંસથી આવેલા યુવકનો 11 દિવસે પોઝીટીવ રીપોર્ટ પણ તબીબો માટે નવાઈરૂપ

રાજકોટ,તા. 4
કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ રોગને નાથવા તબીબી જગત કામે લાગ્યું છે તેમ છતા આ કોરોના વાઈરસને ખત્મ કરે તેવી દવાની શોધ થવા પામી નથી. ગુજરાત રાજ્યની સરખામણીમા રાજકોટ જિલ્લામાં 10 પોઝીટીવ કેસોમાં સદભાગ્યે હજુ વધારો થયો નથી તો બીજી તરફ રાહતરુપે પોઝીટીવ દર્દીઓ પણ સાજા થઇ રહ્યા છે.

રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી એકપણ નવો કેસ નોધાયો નથી તો બીજી તરફ કોરોના રોગચાળામાં સપડાયેલા દર્દીઓ તબીબો માટે એક કોયડારુપ છે. રાજકોટના નોંધાયેલા કોરોના વાઈરસના પોઝીટીવ કેસોમાં 4 કેસો પર તબીબોએ ખુબ જ મંથન કર્યું છતાં હજુ રહસ્ય ઉકેલાયું નથી.

રાજકોટના તબીબો હાલ જે સંશોધન કરી રહ્યા છે તેમાં ચાર કેસ આંટીઘૂંંટીવાળા છે. જેમાં રાજકોટનો પ્રથમ પોઝીટીવ કેસ જંગલેશ્ર્વર વિસ્તારનાં નદીમનો છે જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો તેમ છતાં તેના પરિવારને ચેપ લાગ્યો નથી. પરિવારનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. નદીમ પણ બચી ગયો છે. આ કેસમાં પણ તબીબો માટે નવાઈરુપ છે.

બીજો કેસ જાગનાથ પ્લોટમાં માતા-પુત્રને કોરોનાનો ચેપ લાગ્યો સારવાર મળી સાજા થયા પરંતુ આ બંનેને ચેપ ક્યારે અને કેવી રીતે લાગ્યો તેની કોઇ કડી તબીબોને મળી નથી.

ત્રીજા કેસમાં દુબઇથી કાલાવડ રોડ રાજકોટ આવેલા યુવાનના પોઝીટીવ કેસમાં સંક્રમણ જોવા મળ્યું છે. આ યુવાનના સંપર્કમાં આવેલા ચાર વ્યક્તિઓને ચેપ લાગ્યો છે. તે વિશે પણ તબીબો ચિંતન કરી રહ્યા છે કે આ કેસમાં સંક્રમણ કેમ થયું ? ચોથા કેસમાં ફ્રાંસથી મુંજકા આવેલા યુવાનના એરપોર્ટથી માંડી બધે જ આરોગ્ય ચેકઅપ થયું છતાં તે તંદુરસ્ત જણાયેલ અને 11 દિવસે તેને કોરોનાની અસર તળે સારવારમાં ખસેડાતા રિપોર્ટ પોઝીટીવ આવતા તબીબોમાં આશ્ચર્ય ફેલાયું હતું. આમ રાજકોટમાં કોરોના વાઈરસના દર્દીઓની ટ્રીટમેન્ટ દરમિયાન 4 કેસોનાં તબીબી તારણોમાં તબીબો પણ ગોટે ચડયા છે.

અમુક કેસમાં સંક્રમણ અમુકમાં બીલકુલ નથી આમ કેમ ? ઉપરાંત માતા-પુત્રને ચેપ ક્યાં સ્થળેથી લાગ્યો ? ફ્રાંસથી આવેલા યુવાનને 11 દિવસ બાદ કોરોનાની અસર વિશે તબીબો ઉંડાણપૂર્વકનું સંશોધન કરે છે તેમ છતાં કોઇ કડી નહીં મળતા 4 કેસોએ રહસ્ય સર્જી દીધું છે.


Loading...
Advertisement