રાજયમાં કોરોના પોઝીટીવમાં લોકલ ટ્રાન્સમીશન વધ્યા

04 April 2020 05:36 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • રાજયમાં કોરોના પોઝીટીવમાં લોકલ ટ્રાન્સમીશન વધ્યા

તા.22 માર્ચ સુધીમાં વિદેશથી આવેલા અને હોમ કવોરન્ટાઈન જાહેર થયેલા સલામત હોવાનો સંકેત: કુલ 105 પોઝીટીવમાંથી 62 લોકલ ટ્રાન્સમીશનના કેસ: 10 મૃત્યુમાંથી છ આ કેટેગરીના

*રાજયના હોટસ્પોટ અમદાવાદમાં તબલીગી જમાતએ સ્થિતિ વણસાવી: દરિયાપુર, જમાલપુર સહિતના વિસ્તારોની અનેક સોસાયટીઓ સીલ
*હાલ 16 ટેસ્ટ પેન્ડીંગ: રાજયમાં કુલ 2139 ટેસ્ટમાં 105 પોઝીટીવ આવ્યા: સરેરાશ 5% ટેસ્ટ પોઝીટીવ આવે છે
*કોરોનાએ ઉંમરનો બાદ હવે સાવ મુકી દીધો: ગઈકાલના ચાઈલ્ડ, ટીનેજર બાદ આજે યુવા અને અન્ડર ફીફટીની સંખ્યા વધુ

રાજકોટ તા.4
ગુજરાતમાં આજે કોરોના પોઝીટીવના વધુ 10 કેસ નોંધાયા છે અને તેને કારણે રાજય સરકારની મુખ્ય ચિંતા એ વધી છે કે આજે નોંધાયેલા તમામ નવા કેસના નવ કેસ લોકલ ટ્રાન્સમીશનના છે એટલે કે તેઓને ગુજરાતમાં જ તેમના આસપાસના વ્યક્તિના કોરોના સંક્રમણના કારણે તેઓ પોઝીટીવ બન્યા છે.

ભાવનગરમાં લોકલ ટ્રાન્સમીશનના બે, ગાંધીનગરમાં બે અને પાંચ અમદાવાદના લોકલ ટ્રાન્સમીશનના કેસ છે. આમ અમદાવાદ ફરી એક વખત રાજયનું કોરોના માટેનું હોટસ્પોટ બની ગયુ છે. રાજય સરકારે ગઈકાલે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાસ કરીને જયાં તબલીગી પ્રવાસીઓ આવ્યા હતા તે વિસ્તારોને અલગ થલગ કરી દીધા છે. દરિયાપુર, જમાલપુર સહિતના વિસ્તારોમાં અનેક સોસાયટીઓને સરકારે લોકોને બહાર ન નીકળવાની ચેતવણી સાથે સોસાયટીઓને તાળા મારી દીધા છે અને આવશ્યક ચીજો અંદર વસતા લોકોને મળી રહે તે વ્યવસ્થા કરી છે. આ તમામ વિસ્તારોમાં તબલીગી જમાતના લોકો એક યા બીજી રીતે સંપર્કમાં આવ્યા હતા અને તેથી કોરોના પોઝીટીવની શકયતા જોતા આ પગલુ લેવાયુ છે અને ફરી અહી લોકલ ટ્રાન્સમીશનના કેસ વધતા આ વિસ્તારમાં આજે વધુ એકશન આવે તેવી ધારણા છે.

અમદાવાદના મુખ્યત્વે તમામ કેસ આ મેગા સીટીના જુના વિસ્તારમાં જ કેન્દ્રીત થયા છે અને તે શહેરમાં આગળ ન વધે તે જોવા માટે ખાસ તકેદારી રખાઈ રહી છે. ભાવનગરમાં પણ જે બે લોકલ ટ્રાન્સમીશનના કેસ છે તે તબલીગી જમાત સાથે સંકળાયેલા હોવાનો સંકેત મળ્યો છે અને તેને કારણે સૌરાષ્ટ્રમાંથી સૌથી વધુ લોકો જેઓ ભાવનગરમાંથી ગયા હતા ત્યાં પણ આ પ્રકારે સોસાયટીને લોકડાઉન કરવા માટે તૈયારી થઈ છે. ગાંધીનગરમાં જે લોકલ ટ્રાન્સમીશનના જે બે કેસ છે તેના સોર્સ તપાસાઈ રહ્યા છે અને સાંજ સુધીમાં તે ટ્રેસ કરી લેવાશે તેવુ મનાય છે. જયારે રાજયનો આજનો વધુ એક કેસ પાટણમાં નોંધાયો છે. 47 વર્ષના પુરુષ મુંબઈથી આવ્યા હતા અને તેઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે.

આમ રાજયની સરહદ સીલ હોવા છતાં આ વ્યક્તિનો ટ્રાવેલ હીસ્ટ્રી તપાસાઈ રહ્યો છે અને તેમને તાજેતરમાં સરહદ ક્રોસ કરી છે કે પછી તેમનો ઈન્કયુબેશન પીરીયડ પુરો થયો અને કોરોના બહાર આવ્યો તે અંગે ખાસ ચકાસાઈ રહ્યું છે. રાજયમાં હજુ 16 કેસ પેન્ડીંગ છે તે મહત્વનું છે. જો કે કુલ 2139 પોઝીટીવ કેસમાંથી 105 એટલે કે અંદાજે પાંચ ટકા કેસ પોઝીટીવ આવ્યા છે અને તેથી જે પેન્ડીંગ કેસ છે તેમાં પોઝીટીવ હોવાનો દર નીચો હશે તેવી ગણતરી રખાઈ છે.

રાજયમાં જે 10 મૃત્યુ નોંધાયા છે તેમાં પણ લોકલ ટ્રાન્સમીશનના કારણે છ મૃત્યુ થયા છે. આમ કોરોનાના શિકારમાં પણ 60 ટકા કેસ લોકલ ટ્રાન્સમીશનના છે. કોરોના હવે વૃદ્ધ કે અશકત લોકોને થાય છે તે વાત પણ રાજયએ ખોટી પાડી છે. આજના કેસમાં ગાંધીનગરમાં 29 વર્ષના પુરુષ, ભાવનગરમાં 34 વર્ષના મહિલા, અમદાવાદમાં 35 અને 30 વર્ષના બે મહિલા અને 40 વર્ષના એક પુરુષને કોરોના પોઝીટીવ જાહેર થયો છે જે દર્શાવે છે કે હવે બાળક, ટીનેજર, યુવા અને 50ની નજીક જઈ રહેલા લોકોને પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે.

જો કે રાજયોમાં હોમ કવોરેન્ટાઈનની સંખ્યામાં ઘટાડો થયો છે. ખાસ કરીને જેઓ તા.22 માર્ચ પછી વિદેશથી આવ્યા હતા તેઓને હોમ કવોરેન્ટાઈન કરાયા હતા જેમાં હજુ સુધી કોઈ પોઝીટીવ કેસ આવ્યો નથી તે સારી નિશાની છે. રાજયમાં કુલ હોમ અને સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં કવોરેન્ટાઈન થયેલાની સંખ્યા 15777 છે જે બે દિવસ પહેલા અંદાજે 20000ની હતી અને તેથી હવે લોકલ સંક્રમણ જો આજની ગતિએ ન વધે તો ગુજરાત કોરોનામાં સલામત થઈ શકે છે. અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાત એ કુલ 105 પોઝીટીવ કેસ નોંધાયા છે અને 10 મૃત્યુ થયા છે. આમ મોતની ટકાવારી 10 ટકા છે. પાડોશી મહારાષ્ટ્ર કે મધ્યપ્રદેશમાં કોરોના પોઝીટીવની સંખ્યા ગુજરાત કરતા વધુ છે.


Loading...
Advertisement