કોઇપણ કામ હોઇ પોલીસની મંજૂરી વિના બહાર ન નીકળતા : કમિશ્નર

04 April 2020 04:50 PM
Rajkot Saurashtra
  • કોઇપણ કામ હોઇ પોલીસની મંજૂરી વિના બહાર ન નીકળતા : કમિશ્નર
  • કોઇપણ કામ હોઇ પોલીસની મંજૂરી વિના બહાર ન નીકળતા : કમિશ્નર
  • કોઇપણ કામ હોઇ પોલીસની મંજૂરી વિના બહાર ન નીકળતા : કમિશ્નર
  • કોઇપણ કામ હોઇ પોલીસની મંજૂરી વિના બહાર ન નીકળતા : કમિશ્નર

બહાર નીકળવું જરૂરી છે કે નહી એ પોલીસ નક્કી કરશે, લોકો નહી : 100 પીસીઆરવાન, 15 ડ્રોન મારફત પોલીસ મુખ્ય માર્ગો જ નહી શેરી-ગલીમાં પહોંચશે : પાસ વગર ઘર બહાર નીકળનાર સામે કાર્યવાહી કરી વાહન ડીટેઇન કરાશે : જેમને પાસ ઇશ્યુ કરાયા છે તે જરૂરી કામ સિવાય નથી નીકળતા તો નથી ને? તેની ખરાઇ કરાશે: પોલીસ કમિશ્નર જામનગર રોડ, માધાપર સર્કલ, ઇન્દીરા ચોક, કેકેવી હોલ સહિતના સ્થળોએ ચેકીંગ કરી લોકડાઉનની અમલવારી અંગે માહિતી મેળવી

રાજકોટ તા.4
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. અલબત રાજકોટમાં ચાર દિવસથી કોરોનાના કેસ સામે આવ્યા નથી પરંતુ અહીં પણ કોરોનાના કેસ ફેલાતા અટકાવવાના હેતુ સાથે તમામ તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવાઇ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ લોકડાઉનની કડકમાં કડક અમલવારી થાય તે દિશામાં પગલા લેવાઇ રહ્યા છે.

દરમ્યાન આજરોજ પોલીસ કમિશ્નરે સ્પષ્ટ પણે કહ્યું હતું કે કોઇપણ કામ હોય, પોલીસની મંજૂરી વિના બહાર ન નીકળતાં જો ખરેખર કોઇનું કારણ જરૂરી જણાશે તો તેની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ બે દિવસ પૂર્વે ખાનગી વાહનમાં ચેકીંગમાં નીકળ્યા બાદ ગઇકાલ રાત્રીના પણ ચેકીંગમાં નીકળ્યા હતા અને આજરોજ સવારના શહેરના જામનગર રોડ, માધાપર સર્કલ, ઇન્દીરા સર્કલ, કેકેવી હોલ ચોક સહિતના સ્થળોએ ચેકીંગમાં નીકળ્યા હતા અને લોકડાઉનની અમલવારી યોગ્ય રીતે થઇ રહી છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી અને સ્ટાફને જરૂરી સૂચનો પણ કર્યા હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી ચાર કે પાંચ મંજૂરી દિવસ ખૂબ જ મહત્વના હોય, જાહેરનામાની કડકમાં કડક અમલવારી કરાવવામાં આવશે. પાસ વિના કોઇને પણ બહાર નીકળવા દેવામાં આવશે નહી અને જેમની પાસે પાસ છે તેઓ પણ જે હેતુથી તેમણે પાસ મેળવ્યો છે. તે સિવાય અન્ય કોઇ કામ માટે બહાર તો નીકળતા નથી ને તે બાબતની પણ ખરાઇ કરવામાં આવશે.

પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે હાલ પોલીસ દ્વારા 100 પીસીઆર વાન મારફત સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ 15 ડ્રોન કેમેરા અને આઇ-વે પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી પણ લોકડાઉનની અમલવારી કરાવવામાં આવી રહી છે. મુખ્ય રસ્તાઓ પર અને શહેરના મહત્વના ટ્રાફીક પોઇન્ટ પર નીકળનારાઓ જ નહી પરંતુ ઘર પાસે ટોળે વળી બેસનારને પણ ઝડપી લેવા માટે પોલીસ શેરીઓ અને ગલીઓ સુધી પહોંચશે.

પોલીસ કમિશ્નરે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કોઇ વ્યકિતને જરૂરી કામ હોય અને તેનું ઘર બહાર નીકળવું અત્યંત જરૂરી હોય તેવા કિસ્સામાં તેને સ્વયંભૂ નિર્ણય ન કરવો પરંતુ 100 નંબર પર પોલીસને જાણ કરી પોતાના બહાર નીકળવા અંગે કારણ જણાવવું જે વ્યાજબી જણાશે તો જે તે વ્યકિતને બહાર જવા માટેની મંજૂરી આપવામાં આવશે.

આ પ્રક્રિયાનું અનુસરણ કર્યા વિના જો કોઇ બહાર નીકળશે તો તેના વાહન ડીટેઇન કરવા તથા ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. હાલના સમયમાં લોકોને જરૂરી જીવન વસ્તુ ઘર બેઠા મળી રહે તે માટે નંબર આપવામાં આવ્યા છે. જેના પર સંપર્ક કરી કોઇપણ જીવન જરૂરી વસ્તુ ઘર બેઠા હોમ ડીલેવરીથી મેળવી શકે તેમ છે. ત્યારે આ સ્થિતિમાં ઘર બહાર નીકળનાર સામે ચોક્કસપણે કાર્યવાહી કરશે તેવુ સ્પષ્ટપણે પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.


Loading...
Advertisement