મોરબી જિલ્લામાં કોરોનાને રોકવા લોકોનો સંયમ અને લોકડાઉનનો ચુસ્ત અમલ જરૂરી-કલેકટર

04 April 2020 02:05 PM
Morbi
  • મોરબી જિલ્લામાં કોરોનાને રોકવા લોકોનો સંયમ અને લોકડાઉનનો ચુસ્ત અમલ જરૂરી-કલેકટર

જિલ્લામાં અત્યાર સુધીમાં ર8 સેમ્પલ લેવાયા છે, જે તમામ નેગેટીવ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 4
દેશમાં જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાની અંદર છેલ્લા દસ દિવસ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની માહિતી લોકો સુધી પહોંચે તે માટે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં કલેક્ટરે જણાવ્યું હતું કે અત્યાર સુધી મોરબી જિલ્લાના લોકો દ્વારા જે રીતે સંયમ રાખવામાં આવ્યો હતો તેવો જ આગામી 11 દિવસ સુધી અત્યાર સુધી રાખવામાં આવશે તો જ કોરોનાને મોરબી જીલ્લામાં આવતા રોકી શકાશે અને ચુસ્તપણે લોકો દ્વારા સ્વયંભૂ રીતે લોકડાઉનની અમલવારી કરવામાં આવશે તો જ તેનું સારું પરિણામ મેળવી શકશે અત્યાર સુધી મોરબી જિલ્લામાંથી કુલ મળીને 28 લોકોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છેદેશ અને દુનિયામાં ચિંતાજનક રીતે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા અને લોકોના મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યા છે.
પરંતુ સદ્દનસીબે મોરબી જિલ્લાની અંદર અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી અને અત્યાર સુધી વહિવટી તંત્ર દ્વારા જે કામગીરી રોકવા માટે કરવામાં આવી છે તેની માહિતી આપવા માટે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં મોરબી જિલ્લાની અંદરથી કોરોનાના શંકાસ્પદ 28 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ તમામ લોકોનો રિપોર્ટ નેગેટીવ આવી ગયેલ છે આ ઉપરાંત મોરબી જિલ્લાની અંદર કુલ મળીને 400 જેટલા વિદેશથી આવેલા લોકો હતા જેમાં 372 લોકો મોરબી જિલ્લાના રહેવાસી હતા જોકે 28 લોકો વિદેશી નાગરિક હતા આ તમામ લોકોને હોમ કોરેનટાઈન કરવામાં આવ્યા હતા અને મોટાભાગના લોકોનો હોમ કોરેનટાઈન પીરીયડ પૂરો થઇ ગયેલ છે.
મોરબી જિલ્લાના પાડોશી જિલ્લા એવા રાજકોટની અંદર છેલ્લા દિવસોમાં કોરોનાના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા જેથી કરીને મોરબીમાં પણ જો પોઝિટિવ કેસ સામે આવે તો તેના માટે થઈને વહીવટીતંત્ર દ્વારા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે 35 અને મયુર હોસ્પિટલ ખાતે 30 એમ કુલ મળીને 165 બેડની સુવિધા પણ કરવામાં આવી હતી. અને સરકાર દ્વારા લોક ડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ લોકોને હાલાકી ન પડે તે માટે થઈને તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી હતી અને કરિયાણાની દુકાનો, દૂધની દુકાનો તેમજ શાકભાજીના વેપારીઓ લોકો સુધી માલ પહોંચાડી શકે તેના માટેની વ્યવસ્થા જળવાઇ તે પણ અધિકારીઓ દ્વારા મોનિટરિંગ કરીને જોવામાં આવી રહ્યું હતું.
આ ઉપરાંત મોરબી જિલ્લાની અંદર કુલ મળીને 42 જેટલી સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કિટ પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને 14 હજાર જેટલી કીટ બનાવીને ગરીબ પરિવારોને આપવામાં આવેલ છે અને છેલ્લા ત્રણ દિવસથી મોરબી જિલ્લાની 290 જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી 1.15 લાખ રેશનકાર્ડ ધારકોને સરકારના નિયમ મુજબ નક્કી કરવામાં આવેલ અનાજનો જથ્થો આપી દેવામાં આવેલ છે તેવું જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે મોરબી જિલ્લાની અંદર મેડિકલ વિભાગની ટીમો 1800 જેટલી ટીમો બનાવીને પ્રથમ રાઉન્ડની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે અને હાલમાં બીજા રાઉન્ડનું ચેકિંગ મોરબી જિલ્લાની અંદર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ કામગીરી દરમ્યાન લગભગ 70 હજારથી વધુ સિનિયર સિટીઝનોને પણ આવરી લેવામાં આવ્યા છે અને હાલમાં મોરબી જિલ્લાની અંદર એક પણ કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી તે અત્યાર સુધી વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની સારી બાબત છે.
સરકારને આર્થિક રીતે મદદ કરવાની અપીલ કરવામાં આવી છે પછીથી દેશની અંદરથી સી.એમ અને પીએમ રાહત ફંડમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા અને વ્યક્તિગત રીતે લોકો અનુદાન આપી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાંથી અત્યાર સુધીમાં કલેકટરને મળીને 72 લાખ રૂપિયા સીએમ ફંડ માટે અને 50 લાખ રૂપિયા પીએમ માટે જુદી-જુદી સંસ્થાઓ અને લોકો દ્વારા આપવામાં આવેલ છે.


Loading...
Advertisement