ગોંડલના વેરી તળાવ પાસેની કેનાલમાં પાણી ચોરી કરનારાઓની તોડફોડ

04 April 2020 01:43 PM
Gondal Crime
  • ગોંડલના વેરી તળાવ પાસેની કેનાલમાં પાણી ચોરી કરનારાઓની તોડફોડ

બે ડીઝલ મશીન, તેમજ સબમર્શીબલ પંપ અને પાઇપલાઇન કબ્જે કરાઇ

ઉનાળાના દિવસો શરૂ થયા છે ત્યાં જ પાણી ચોરી કરનારાઓ મેદાનમાં ઉતર્યા હોય તેમ ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી તળાવ પાસેની કેનાલમાં તોડફોડ કરી પાણી ચોરી કરવાનું કારસ્તાન વોટર વર્કસ શાખાના ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી હતી.
શહેરના જીવાદોરી સમાન વેરી તળાવથી સાત ટાંકીએ જતી કેનાલમાં પાણી ચોરી કરવાના મક્ષદથી કોઈ શખ્સો દ્વારા ભંગાણ સર્જવામાં આવ્યું હોવાનું વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડના ધ્યાને આવતા પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને શહેર પોલીસને તાકીદની જાણ કરવામાં આવી હતી.
બાદમાં વોટર વર્કસ શાખાના કર્મચારીઓ દ્વારા પાણી ચોરી કરવા ઉપયોગમાં લેવામાં આવતા બે ડીઝલ મશીન, એક સબમર્સીબલ પંપ અને પાઇપ લાઇન કબજે કરી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
અનિલભાઈ માધડે જણાવ્યું હતું કે જો આ ભંગાણ થકી પાઇપલાઇનમાં એર આવી જાય તો શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવાની સંભાવના હતી પાઈપલાઈનમાંથી એર કાઢવા માટે આઠ કલાક થી લઈ આઠ દિવસનો સમય પણ લાગી જતો હોય છે. આ ભંગાણ થકી પાણી નો પણ ખૂબ વેડફાટ થવા પામ્યો છે.


Loading...
Advertisement