જાહેરનામા ભંગમાં યુવકને પકડતા ટોળાનો પોલીસ પર હૂમલો : વાહનમાં તોડફોડ : તંગદીલી

04 April 2020 12:07 PM
kutch Crime Gujarat
  • જાહેરનામા ભંગમાં યુવકને પકડતા ટોળાનો પોલીસ પર હૂમલો : વાહનમાં તોડફોડ : તંગદીલી

કચ્છના નખત્રાણામાં મોડી રાત્રે બનેલ બનાવ બાદ પોલીસના ધાડેધાડા ઉતારાયા

ભૂજ તા.4
કચ્છના નખત્રાણામાં ગત શુક્રવારે રાત્રે સાડા 8 વાગ્યાના અરસામાં જાહેરનામાનો ભંગ કરવા બદલ બે યુવકોની અટક કરવાની અદાવતમાં નખત્રાણાની હોટેલ બિસ્મિલા પાછળ આવેલા ઈમામ ચોકમાં વીસેક જણનાં ટોળાએ બે પોલીસકર્મી પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરી તેમની બાઈકમાં તોડફોડ કરી છે.

ઘટના સંદર્ભે નખત્રાણા પોલીસે તમામ હુમલાખોરોની અટકાયત કરી લીધી છે.પેટ્રોલીંગમાં રહેલાં પોલીસ જવાનોએ ટોળે વળીને બેઠેલાં યુવકોને પકડવા પ્રયાસ કર્યો હતો.

પોલીસને જોઈ યુવકોનું ટોળું નાસી છૂટ્યું હતું પરંતુ બે જણાં પોલીસના હાથમાં આવી ગયાં હતા. બે યુવકોને લઈ પોલીસ જવાનો જીપમાં નખત્રાણા પોલીસ મથકે આવી ગયાં હતા. દરમિયાન, ટ્રાફિક બ્રિગેડના જવાને ઈમામ ચોક નજીક ગલીમાં બાઈક પાર્ક કર્યું હતું. આ બાઈક પરત લેવા તે અને તેની સાથે એક હોમગાર્ડનો જવાન ફરી ઘટનાસ્થળે ગયા હતા. તેઓ પરત ઈમામ ચોક પહોંચ્યાં ત્યારે ફરી ત્યાં ટોળું એકત્ર થઈ ગયેલું નજરે ચઢ્યું હતું. બે પોલીસકર્મીને જોઈને ટોળામાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો અને તેમના પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે, બંને જવાનો ટોળાથી જીવ બચાવીને સલામત રીતે પાછાં દોડી આવ્યાં હતા.

દરમિયાન, ટોળાએ ગલીમાં પાર્ક બાઈકને નીચે પાડી દઈને તેમાં તોડફોડ કરી હતી. બનાવ બાદ તુરંત જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટોળામાં સામેલ અઢારેક જણની અટકાયત કરી છે. હાલ આરોપીઓ સામે રાયોટીંગ, જાહેરનામાનો ભંગ, પોલીસની ફરજમાં રૂકાવટ વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.

બીજી તરફ, કચ્છભરમાં પોલીસે આજે જાહેરનામાના ભંગ બદલ વધુ 116 લોકોની અટકાયત કરી હતી. પૂર્વ કચ્છ પોલીસે 64 લોકોને જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસે 52 લોકોની અટકાયત કરી હતી.


Loading...
Advertisement