દિપમાળા કરવાની વડાપ્રધાનની અપીલનું લોજીક શું? કચ્છમાં કાર્યકરે આરટીઆઇ કરી

04 April 2020 12:04 PM
kutch Gujarat
  • દિપમાળા કરવાની વડાપ્રધાનની અપીલનું લોજીક શું? કચ્છમાં કાર્યકરે આરટીઆઇ કરી

રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટ હેઠળ તંત્ર પાસે વિગતો મંગાતા ખળભળાટ

ભૂજ તા.4
આગામી રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મિનિટે અંધકાર સર્જ્યા બાદ, સમગ્ર દેશવાસીઓને મીણબત્તી,દિવા કે મોબાઈલના ફ્લેશથી પ્રકાશપુંજો સર્જવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પાછળના તર્ક અને કોરોના વાઇરસ જેવી મહામારીને નાથવા સાથે શું સંબંધ છે તેની વિગતો ગાંધીધામના અગ્રણી આરટીઆઈ એક્ટિવિસ્ટ રવિન્દર.એન.સબરવાલે વડાપ્રધાન કાર્યાલય પાસેથી ’રાઈટ ટુ ઈંફર્મેશન’ એક્ટ હેઠળ માંગી છે.

આ માટે નિયમાનુસાર કરાયેલી અરજીમાં એવી પણ માહિતી માંગવામાં આવી છે કે આ નિર્ણય મંત્રી મંડળનો છે કે વડાપ્રધાનના કાર્યાલયનો ?.આ નિર્ણય લેતાં પહેલાં મંત્રી મંડળ કે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જો કોઈ ચર્ચા-વિચારણા કરાઈ હોય તો તેની નોંધ જરૂરી અનુબંધો સાથે પૂરી પાડવા માંગ કરાઈ છે .

’અંધકાર સર્જી,દીપમાળા સર્જવા માટે પાંચમી તારીખ,રવિવાર શા માટે નક્કી કરાયો અને તેનો સમય રાત્રે નવ વાગ્યાનો નિયત કરાયો તેની પણ તર્કસંગત માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી પૂરી પાડવા માંગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સવારે નવ વાગ્યે રાષ્ટ્રજોગ વિડીયો સંદેશ રજૂ કરશે તેવું બહાર આવતાં સંખ્યાબંધ લોકોમાં પહેલાં ગભરાટ ફેલાયો હતો અને લોક-આઉટને વધુ કડક બનાવાશે અથવા લશ્કરને કામગીરી સોંપાશે તેવી વાતો વહેતી થઇ હતી અને મોટી સંખ્યામાં લોકોએ જીવનજરૂરી ચીજ વસ્તુઓની ખરીદી તેમજ બેંકોમાંથી નાણાં ઉપાડી લેવા દોટ મૂકી હતી પણ આ સંદેશ સાંભળીને કોથળામાંથી બિલાડું નીકળ્યા હોવાનો તાલ સર્જાયો હતો.


Loading...
Advertisement