ભાવનગરમાં વધુ 2 પોઝીટીવ; 1 રિપોર્ટ બાકી; અન્યત્ર એક પણ નવો કેસ નહિ

04 April 2020 12:00 PM
Bhavnagar Rajkot Saurashtra
  • ભાવનગરમાં વધુ 2 પોઝીટીવ; 1 રિપોર્ટ બાકી; અન્યત્ર એક પણ નવો કેસ નહિ

રાજકોટમાં ગઇકાલે કરેલા 24 પરિક્ષણના તમામ રિપોર્ટ નેગેટીવ જેમાં 8 વ્યક્તિઓ હાઇરિસ્ક હતાં; 9 પોઝીટીવ સ્વસ્થ

રાજકોટ,તા. 4
ભાવનગરમાં કોરોના પોઝીટીવના ગઇકાલે વધુ બે કેસ બહાર આવ્યા છે. દિલ્હીમાં મરકઝમાં ગયેલા વૃધ્ધનો કોરોના પોઝીટીવ રિપોર્ટ બાદ તેનું મોત થયું હતું. આ વૃધ્ધના પત્ની-પુત્રવધૂ આઈસોલેટેડ હતા તે બન્નેના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ પરિવારનો એક યુવાન પણ હાલમાં આઈસોલેટેડ છે. તેને રિપોર્ટ આવવાનો બાકી છે. બીજી તરફ ભાવનગરને બાદ કરતા અન્યત્ર એક પણ કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવ્યો નથી.

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત મૃતકનાં પત્ની અને પુત્રવધૂના પોઝીટીવ રિપોર્ટ આવતા ભાવનગરમાં પોઝીટીવ કેસની સંખ્યા 9એ પહોચી છે. ભાવનગરમાં દિલ્હીની નિઝામુદીન મસ્જિદમાં જઇ પરત ભાવનગરમાં આવેલા વૃધ્ધનુ કોરોનાને કારણે ગઇ તા. 26મીનાં રોજ મૃત્યુ થયું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા તેના સંપર્કમાં આવેલ લોકોને તેનાં ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતાં.

દરમ્યાન મૃતક પરિવારની વધુ બે મહિલાઓનાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકનાં પત્ની અને પુત્રવધુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આમ ભાવનગરમાં કોરોના પોઝીટીવની સખ્યા નવ સુધી પહોંચી ગઇ છે જ્યારે કોરોનાથી મૃત્યુઆંક બે છે.

આ દરમ્યાન ગઇકાલે રાજકોટમાં 24 પરિક્ષણ કરવામાં આવ્યા હતા જે તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 201 પરિક્ષણ થયા છે જે પૈકીનાં રાજકોટ સીટીના 134 નેગેટીવ, 9 પોઝીટીવ, રાજકોટ ગ્રામ્યના 37 પૈકીના 36 નેગેટીવ અને 1 પોઝીટીવ જ્યારે અન્ય જિલ્લાનાં 21 સેમ્પલોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

રાજકોટમાં હાલમાં નવવ્યક્તિઓ કોરોના પોઝીટીવ હોય જે તમામ સ્વસ્થ છે. ચારથી પાંચ વ્યક્તિઓને એકાદ-બે દિવસમાં રજા અપાઈ તેવું મનાય છે. આ તમામના આજે બીજા રિપોર્ટ કરાશે. રાજકોટમાં સરકારી ક્વોરન્ટાઈનમાં 32 વ્યક્તિઓ છે. જેમાં ત્રિમંદિરમાં 13 અને પથિકાશ્રમમાં 19 છે. હોમ ક્વોરન્ટાઈનમાં 1685 વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જે પૈકીના 1428 વ્યક્તિઓનો 14 દિવસનો ઇન્કયુબેશન પીરીયડ પુરો થયો છે જ્યારે 257 હજુ બાકી છે. બીજી તરફ રાજકોટમાં આઇસોલેટેડ થયેલા અને સારવાર બાદ ભયમુક્ત થયેલા 192 વ્યક્તિઓને રજા આપી દેવામાં આવી છે.


Loading...
Advertisement