પશ્ચિમી જગતને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ‘આયર્ન ફિસ્ટ’

04 April 2020 10:51 AM
Entertainment India
  • પશ્ચિમી જગતને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ‘આયર્ન ફિસ્ટ’
  • પશ્ચિમી જગતને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવતી ‘આયર્ન ફિસ્ટ’

बुद्धं शरणं गच्छामि
धम्मं शरणं गच्छामि
संघं शरणं गच्छामि

૧૫ વર્ષ! દોઢ દાયકો ઘરથી દૂર રહેલો બિલિયોનર છોકરો, જેને દુનિયાએ મરેલો માની લીધો છે એ પોતાનાં શહેરમાં પાછો ફરે છે. બધું બદલાઈ ચૂક્યું છે. ડેની રેન્ડ એનું નામ! ‘રેન્ડ ઇન્ડસ્ટ્રી’માં કોઇ એને ઓળખવા તૈયાર નથી. પોતાની આઇડેન્ટિટી સાબિત કરવા માટે બિચારાએ આમથી તેમ ભટકવું પડે છે. કંપનીનાં ચેરપર્સન જોય મેચમ અને વૉર્ડ મેચમ પણ ડેનીને ઓળખવાનો સદંતર ઇન્કાર કરી દે છે! હવે?

સૌથી પહેલો સવાલ તો એ પૂછાય છે કે અગર આટલા વર્ષો સુધી ડેની જીવિત હતો તો ન્યુયોર્ક પાછો કેમ ન ફર્યો? ૧૫ વર્ષ કેમ લગાડ્યા પરત ફરવામાં? આ સવાલનાં જવાબ પાછળ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે, જેનાં પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પોતાનું નામ જ્યારે સરકારી ચોપડામાંથી ભૂંસાઈ ગયું હોય, આખી દુનિયાએ જેનાં મૃત્યુ પર શોક મનાવી લીધો હોય એવા અબજોપતિ માણસને એટલી જલ્દી તો કોણ સ્વીકારે?

અદભુત પાત્રો છે, આયર્ન ફિસ્ટનાં! દેખાવે કડક પણ હ્રદય ફૂલ જેવું મુલાયમ, કંપનીનાં કાવાદાવામાંથી નીકળવા માંગતી હોય પરંતુ મૃત પિતાની ઇચ્છાને ખાતર એ શક્ય ન બનતું હોય એ જોય મેચમ! એનાથી તદ્દન વિપરીત સ્વભાવ ધરાવતો એનો સગો ભાઈ વૉર્ડ મેચમ. જેને બિઝનેસ સિવાય બીજા કશામાં રસ નહીં. જોકે, અંદરથી બહુ ગભરું! ખૂન-ખરાબાની વાતો કરી જાણે પણ વખત આવે ત્યારે મિયાંની મીંદડી થઈને બેસી જાય. ડેની રેન્ડ! સીરિઝનો હીરો. કુંગ ફુ માસ્ટર અને નાનપણમાં નજર સમક્ષ માં-બાપનું મૃત્યુ જોઇ ચૂકેલો અનાથ બિલિયોનર! ૧૫ વર્ષ પછીની દુનિયા એને માટે બહુ વિચિત્ર છે. લોકો વધારે પડતાં સ્વાર્થી અને સેલ્ફ-સેન્ટર્ડ બની ગયા છે. સંવેદનાની કોઇને પડી જ નથી. પોતાની કંપનીમાં જ એવા કંઈ-કેટલાય કૌભાંડો ચાલી રહ્યા છે એની જાણ થતાં બિચારાને ઘડીભર થઈ આવે કે આના કરતાં હિમાલયની પહાડીઓ શું ખોટી હતી? અત્યંત લાગણીશીલ પાત્ર. અને હા, સુપરહીરો પણ! જેની મુઠ્ઠી લોખંડી હોય એવું માર્વેલનું એક કેરેક્ટર.

ખાસ વાત એ છે કે, માર્વેલની સીરિઝમાં યોગ-પ્રાણાયામ અને ધ્યાનનું મહત્વ દેખાડાયું! બે અમેરિકનોની વાતચીતમાં આવતું ‘નમસ્તે’, તિબેટિયન સાધુઓનો ઉલ્લેખ, અહીંની સંસ્કૃતિ-પરંપરાનો ઉલ્લેખ… આ બધા કી-પોઇન્ટ્સ છે. શરૂઆતમાં લખેલા ત્રણ મંત્રોને ડેની ડાઇનિંગ ટેબલ પર જમવા બેસતાં પહેલા બે હાથ જોડી આંખો બંધ કરીને બોલે છે, “To the precious Buddha, the unsurpassable teacher. To the precious Dharma, the unsurpassable protection. To the precious Sangha, the unsurpassable guides. To you three rare supreme sources of refuge, I offer!”

બે સીઝન જોવા મળી શકે એમ છે, નેટફ્લિક્સ પર! ડિઝની પ્લસનાં આગમનને લીધે માર્વેલ હવે એકપણ નવી સીરિઝ નેટફ્લિક્સ પર લોન્ચ નહીં કરે. સમય મળે તો જોવા જેવી નેટફ્લિક્સ ઓરિજિનલમાંની આ એક.

કેમ જોવી? :
માર્વેલની વેબસીરિઝ અને ટીવી શોના ફેન હો તો!

કેમ ન જોવી? :
અમુક એપિસોડ્સમાં વાર્તાપ્રવાહને વધારે પડતો ખેંચવામાં આવ્યો હોવાથી કંટાળાજનક લાગી શકે છે માટે!

: ક્લાયમેક્સ :
હોટસ્ટારની સાથોસાથ હવે ‘ડિઝની પ્લસ’ પણ ભારતમાં આવી ચૂક્યું છે. ડિઝનીએ પોતાનો મહામૂલો ખજાનો હવે ભારતીયો સમક્ષ ખુલ્લો મૂકી દીધો છે, માણવાનું ચૂકશો નહીં.

: સાંજસ્ટાર: ત્રણ ચોકલેટ.
bhattparakh@yahoo.com


Loading...
Advertisement