ગુજરાતમાં સાત વર્ષની બાળકી, ટીનેજર તથા બે યુવા સહિત સાત નવા કોરોના પોઝીટીવ

03 April 2020 03:41 PM
Rajkot Gujarat
  • ગુજરાતમાં સાત વર્ષની બાળકી, ટીનેજર તથા બે યુવા સહિત સાત નવા કોરોના પોઝીટીવ

રાજયમાં એક જ દિવસમાં લોકલ ટ્રાન્સમીશનના છ કેસ નોંધાયા: તમામ અમદાવાદના: દિલ્હીમાં જમાતના કાર્યક્રમમાંથી આવેલા એક વ્યક્તિ કોરોના પોઝીટીવ જાહેર : લોકલ ટ્રાન્સમીશનના કેસ વધતા રાજય સરકારની ચિંતા વધી: પંચમહાલના 78 વર્ષના પુરુષનું કોરોનાથી મોત: રાજયમાં કુલ 95 પોઝીટીવ કેસ નોંધાયા : બે વેન્ટીલેટર પર : 75ની હાલત સ્થિર: 10 ડીસ્ચાર્જ

રાજકોટ તા.3
ગુજરાતમાં કોરોના સામેના જંગમાં રાજય એક સ્ટેપ આગળ તો એક સ્ટેપ પાછળ તેમ રોજબરોજ નવા પોઝીટીવ અને સ્વસ્થ થતા દર્દીઓની સ્થિતિ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. રાજયમાં ગઈકાલ સાંજ બાદ સાત નવા પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં એક સાત વર્ષની બાળકી, 17 વર્ષના ટીનેજર અને 30 તથા 35 વર્ષના ત્રણ લોકોનો સમાવેશ થયો છે.

આ તમામ અમદાવાદના છે. આમ અમદાવાદ એ કોરાના માટે હોટસ્પોટ બની ગયુ છે. કુલ 38 કેસ નોંધાયા છે અને છેલ્લા 12 કલાકમાં નોંધાયેલા કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે છ કેસ લોકલ ટ્રાન્સમીશનથી નોંધાયા છે. આમ ગુજરાતમાં એક જ દિવસમાં લોકલ ટ્રાન્સમીશનથી નોંધાયેલા કેસની સંખ્યા સૌથી વધી ગઈ છે અને તેથી ચિંતાની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજયમાં કુલ 95 કોરોના પોઝીટીવ કેસ છે જેમાં બે વ્યક્તિઓ વેન્ટીલેટર પર છે. 75 દર્દીઓની હાલત સ્થિર છે. જયારે 10ને ડીસ્ચાર્જ કરાયા છે.

ગઈકાલે વડોદરાની એક હોસ્પિટલમાં 78 વર્ષના પુરુષ કે કોરોના પોઝીટીવ જાહેર થયા હતા તેનું મૃત્યુ થતા રાજયમાં કોરોનાથી મૃત્યુનો આંક 8 થયો છે. સૌથી ચોંકાવનારી સ્થિતિમાં 7 વર્ષની એક બાળકીને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા અને તે લોકલ ટ્રાન્સમીશનથી થયો હોય તે નિશ્ચિત થતા તેના નિવાસ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં કોરોના પોઝીટીવ હોવાનો ભય છે તો 17 વર્ષના એક ટીનેજર તથા 35 વર્ષના એક યુવાન અને 30 વર્ષની એક મહિલાને પણ કોરોના પોઝીટીવ જાહેર થયો છે. જયારે બાકીના ત્રણ કેસમાં 68 વર્ષના પુરુષ જે દિલ્હીનો પ્રવાસ કર્યો હતા અને માનવામાં આવે છે કે તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપી હતી તે કોરોના પોઝીટીવ જાહેર થયા છે.

એક માત્ર કેસ રાજય બહારથી આવ્યો છે. જેઓ 68 વર્ષના છે. જયારે અન્ય બે કેસમાં 60 વર્ષના એક મહિલા અને 65 વર્ષના પુરુષને પણ લોકલ ટ્રાન્સમીશનથી કોરોના થયો છે. રાજયના આરોગ્ય સચીવ સુશ્રી જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં કુલ 14868 લોકો હોમ કવોરેન્ટાઈન અને 880 લોકો સરકારી સુવિધામાં કવોરેન્ટાઈન થયા છે. રાજયમાં કવોરેન્ટાઈનના નિયમનો ભંગ કરવા બદલ 418 સામે કેસ દાખલ થયો છે.


Loading...
Advertisement