ધરણા પૂર્વે જ ઇન્દ્રનીલની અટકાયત : ઘેરથી જ ઉપાડી લેવાયા

03 April 2020 03:33 PM
Rajkot Saurashtra
  • ધરણા પૂર્વે જ ઇન્દ્રનીલની અટકાયત : ઘેરથી જ ઉપાડી લેવાયા
  • ધરણા પૂર્વે જ ઇન્દ્રનીલની અટકાયત : ઘેરથી જ ઉપાડી લેવાયા

વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને પણ ઉઠાવી લીધા : અતુલ રાજાણી કલેક્ટરે આંટો મારી રવાના છતાં કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ,તા. 3
રાજકોટમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રાશનકાર્ડ ધારકોને મફત રાશન વિતરણ કરવામાં આવે છે. જેમાં મોટાભાગના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો કે જેના ઘરમાં કમાનાર એક જ વ્યક્તિ છે તેવા હજારો પરિવારો આ લાભથી વંચિત રહ્યા છે તેના વિરોધમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગઇકાલે એક અખબારી યાદી જાહેર કરી રાજ્ય સરકારને ઝાટકી નાખી સરકારની નીતિ રીતિના વિરોધમાં આજે જિલ્લા કલેક્ટર કચેરીએ 25 કાર્યકરો સાથે પ્રતિક આંદોલન કરવાની જાહેરાત કરી હતી જેના પગલે આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જારી કરવામાં આવ્યો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘરેથી નીકળે તે પૂર્વે જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી સાથોસાથ મનપા વિપક્ષી નેતા વશરામ સાગઠીયાને પણ ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગઇકાલે રાજય સરકારની ગરીબ પરિવારોને મફત રાશન વિતરણમાં મોટો ભેદભાવ રાખ્યો છે અનેક મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારો આ લાભથી બાકાત રહી ગયા છે. આવા હજારો પરિવારો રાજ્ય સરકારની મફત રાશન વિતરણની જાહેરાતમાં બાકાત થઇ ગયા છે. રાજ્ય સરકાર કોરોના વાઈરસ સામે કરોડો રુપિયાનું દાન મેળવી રહી છે આ દાનનો કોઇ હિસાબ માગી શકાતો નથી અને રાજ્ય સરકારની આવી નીતિ રીતિના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લઇ તેના વિરોધમાં આજે જિલ્લા કલેક્ટર કચેરીએ 25 કાર્યકરો સાથે પ્રતિક આંદોલનની જાહેરાત કરી હતી.

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રતિક આંદોલન કરવા આવનાર છે તેવી જાહેરાત થતાની સાથે જ આજે સવારથી કલેક્ટર કચેરીના બંને ગેટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જારી કરવામાં આવ્યો હતો. પાસ કઢાવવા તેમજ રાશન કાર્ડમાં સિક્કો મરાવવા માટે આવેલા લોકડાઉનનો ભંગ કરનાર લોકોને પણ કલેકટર કચેરીએ દરવાજે અટકાવી દેવામાં આવ્યા હતા.

કલેક્ટર કચેરીમાં ક્યુઆરસી વાન તદઉપરાંત પોલીસનો જબરદસ્ત સુરક્ષા બંદોબસ્ત જારી કરવામાં આવ્યો હતો. કલેકટ્ર કચેરીના મુખ્ય દરવાજે પણ લોકોની ઓળખ વગર પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. આ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાના ઘરેથી કલેક્ટર કચેરીએ ધરણા કરવા નીકળે તે પૂર્વે જ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. તેમની સાથે રહેલા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાને પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા.

બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરુની ધરણાની જાહેરાતના પગલે રાજકોટ મનપાના વોર્ડ નં. 3ના નગરસેવક અતુલ રાજાણી સીધા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પરંતુ પૂર્વ ધારાસભ્ય અને વિપક્ષી નેતાની ઘરેથી અટકાયત કરી લેવામાં આવી હોય કોર્પોરેટર અતુલ રાજાણી કલેક્ટર કચેરીએ આંટો મારીને રવાના થઇ ગયા હતા.કલેક્ટર કચેરીએ આજે ચુસ્ત બંદોબસ્ત જારી કરાયો હતોઅને જિલ્લાના ટોચના અધિકારીઓ પણ સતર્ક થઇ ગયાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement