જેલમાં કેદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પુત્રે કહ્યું- અસ્થિ વિસર્જનના પૈસા નથી

03 April 2020 02:16 PM
Ahmedabad Gujarat
  •  જેલમાં કેદ પિતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પુત્રે કહ્યું- અસ્થિ વિસર્જનના પૈસા નથી

ઘરના મોભીના જેલમાં મૃત્યુ બાદ પરિવારમાં કરુણ સ્થિતિ સર્જાઈ : પડયા પર પાટુનો માર સહન કરી રહેલા પરિવારની મદદે અમદાવાદનું નવજીવન ટ્રસ્ટ આવ્યું

અમદાવાદ તા.3
હાલ કોરોના સંકટને પગલે લોકડાઉનની સ્થિતિમાં સાસણગીરના એક કેદીનું જેલમાં ટીબીની બિમારીથી મૃત્યુ થયા બાદ કરુણ સ્થિતિ સર્જાઈ હતી, કેદીના પરિવારની એટલી દારૂણ સ્થિતિ હતી કે અસ્થિ વિસર્જન માટે પૈસા નહોતા, આખરે નવજીવન ટ્રસ્ટ મદદે આવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટની જેલમાં 15 વર્ષથી સજા કાપી રહેલા મુકેશને ટીબી હોવાથી સારવાર માટે અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ખસેડાયો હતો જયાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી. 31 માર્ચે તેનું મૃત્યુ થયું હતું. જેલર રાજેન્દ્રસિંહ સોલંકીએ તેના પરિવારને અમદાવાદ બોલાવ્યો પણ કરુણાજનક સ્થિતિ એ હતી કે પરિવાર પાસે અમદાવાદ આવવા પૈસા નહોતા.

ગામના સરપંચે ફાળો ભેગો કર્યો પણ કોઈ ડ્રાઈવર અમદાવાદ આવવા તૈયાર નહોતો. આખરે મામલો મેંદરડા પોલીસ સ્ટેશને પહોંચ્યો, પોલીસે આ સંબંધે લખાણ કરી આપ્યું. સાબરમતી જેલના વેલફેર ઓફીસર પ્રદીપ પંચાલે નવજીવન ટ્રસ્ટને ફોન કર્યો જેથી ટ્રસ્ટે મદદ કરી.

દૂધેશ્વરના સ્મશાન ગૃહમાં મુકેશનો પુત્ર અને જમાઈની હાજરીમાં અંતિમવિધિ થઈ હતી. બાદમાં સ્મશાનના સ્ટાફે પૂછયું કે અસ્થિ લઈ જશોને? તો સાથે આવેલા ડ્રાઈવરે કહેલું, સાહેબ, અમે અસ્થિનું શું કરશું? કયાં પધરાવવા જશું? પૈસા જ નથી, જયારે ટ્રસ્ટની વ્યક્તિએ પૂછયું કે તમે જમ્યા તો ડ્રાઈવરે કહ્યું કે સાહેબ, ગઈરાતે 8 વાગ્યાથી નીકળ્યા છીએ, પાણી પણ પીધું નથી. બાદમાં અગ્રણી ઈલેશ પટેલ અને મિત્ર પાંડે અને બેદી સહિત અન્ય મિત્રોએ જમવાની વ્યવસ્થા કરી અને એક મહિનો ચાલે તેટલા કરિયાણાની પણ વ્યવસ્થા કરી આપી.


Loading...
Advertisement