રાજકોટમાં આજથી 11.39 લાખ વ્યક્તિઓને મફત રાશનનું વિતરણ શરૂ

01 April 2020 12:55 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં આજથી 11.39 લાખ વ્યક્તિઓને મફત રાશનનું વિતરણ શરૂ

બી.પી.એલ.-અંત્યોદય-એનએફએસએ ઉપરાંત એપીએલ 1 અને 2 કાર્ડધારકોને કોરોના સંદર્ભે સરકાર તરફથી મોટી રાહત; દુકાનો પર ચુસ્ત બંદોબસ્ત: રેશનીંગ દુકાને તલાટી-ના. મામલતદાર-પોલીસ સહિતના કર્મચારીઓની કરાતી વ્યવસ્થા; રેશનીંગ દુકાનદારોને પાસ-માસ્ક અપાયા; સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા વર્તુળો

રાજકોટ,તા. 1
રાજકોટ શહેર અને જિલ્લામાં આજથી કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકારના આદેશથી 11.39 લાખ વ્યક્તિઓને એપ્રિલ માસનો મફત રાશનનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાની 754 દુકાનોમાં રાશન વિતરણની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દરેક દુકાનો તલાટી-નાયબ મામલતદાર અને પોલીસનો ભીડ ન થાય તે માટે ગોઠવી દેવામાં આવ્યા છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માત્ર છ દિવસમાં તમામ વ્યકિતઓને રાશન મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રાત ઉજાગરા કરી સવારના 8 થી રાત્રિના 8 વાગ્યા સુધી પરવાનેદારોને દુકાન ખુલ્લી રાખવાનો અને રાશનનું વિતરણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં આજથી એપ્રિલ માસનો રાજ્ય સરકારના આદેશ બાદ 11.39 લાખ વ્યકિતઓને મફત રાશનનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક દુકાનમાં 50-50 વ્યકિતઓને એસએમએસ મારફત જાણ કરીને રાશન લેવા માટે બોલાવવામાં આવનાર છે. દરેક દુકાને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા વર્તુળ દોરવામાં આવ્યા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં 2.59 લાખ કાર્ડધારકોને એપ્રિલ માસનો રાશન-કેરોસીનનો જથ્થો મફત વિતરણ કરવામાં આવશે.રાજકોટ જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં 77940 બીપીએલ, 22733 અંત્યોદય કાર્ડધારકો નોંધવામાં આવ્યા છે. તદઉપરાંત એપીએલ-1 કાર્ડધારકોને પણ રાશન આપવાનું નક્કી કરાયું હોય 1.59 લાખ કાર્ડધારકોને લાભ આપવામાં આવનાર છે.

રાજકોટ શહેરમાં 45167 અને ગ્રામ્યમાં 214742 કાર્ડધારકો એપ્રિલ માસનો મફત રાશનનો જથ્થો મેળવી શકશે. દુકાનદારોને પાસ તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ દુકાને પૂરતો જથ્થો ફાળવી દેવામાં આવ્યો છે. ભીડ ન અને અંધાધૂંધી ન સર્જાય તે માટે દરેક દુકાને પોલીસ બંદોબસ્ત જારી કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement