લોકોને ખુશ કરવા ભૂજ પોલીસે સુમસાન રસ્તાઓ પર બેન્ડની સુરાવલી છેડી : ખુશીનો માહોલ

01 April 2020 11:09 AM
kutch Gujarat
  • લોકોને ખુશ કરવા ભૂજ પોલીસે સુમસાન રસ્તાઓ પર બેન્ડની સુરાવલી છેડી : ખુશીનો માહોલ

સૂના પડેલા રસ્તાઓ, માયુમ ચહેરાઓ પર આનંદનો ઉજાશ : રોડ જીવંત બન્યા હોય તેવો માહોલ

ભૂજ તા.1
કોરોના વાઇરસ સામેના જંગમાં હાલ સમગ્ર વિશ્વ લોકડાઉનમાં છે અને મોટાભાગના શહેરો સ્મશાનવત ભાસી રહ્યાં છે.વળી,ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં હોરર મ્યુઝિક સાથે કોરોના વાઇરસના સતત સમાચારોને કારણે ઘરમાં પુરાયેલા લોકોના માનસિક આરોગ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે ત્યારે પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયાએ આજે કરેલા એક અભિનવ પ્રયાસે લોક ડાઉન અને રોગના ડર વચ્ચે જીવતાં ભુજવાસી ઓમાં એક નવો જુસ્સો આણી દીધો છે.

આજે સાંજે ઐતીહાસીક શહેર ભુજનું સૂમસામ બનેલું જ્યુબિલી સર્કલ એકાએક પોલીસ બેન્ડની સૂરાવલિઓથી ગાજી ઉઠ્યું હતું. ‘સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તા હમારા... હમ હોંગે કામયાબ...’ જેવા દેશભક્તિ ગીતોની સૂરાવલિઓ સાંભળીને આસપાસના ફ્લેટની બારીઓ ફટાફટ ખુલવા માંડી હતી.

લોકોના તણાવગ્રસ્ત ચહેરા પર હાસ્ય અને પ્રસન્નતા રેલાયાં હતા. કોરોના સામેના જંગમાં જીત મેળવવા લોકોમાં જાણે નવો જુસ્સો પેદા થયો હતો. સહુએ તાળીઓના નાદ સાથે પોલીસ બેન્ડના સૂરમાં સૂર પૂરાવ્યો હતો. ભુજ પોલીસ હેડક્વાર્ટરના 8 જવાનોની બેન્ડપાર્ટી જ્યુબિલી સર્કલ બાદ નજીકની બેન્કર્સ કોલોની, ભાનુશાલીનગર અને સૂરમંદિર સિનેમા પાછળના રહેણાંક વિસ્તારમાં ઘુમી હતી.

પોલીસ બેન્ડ જ્યાં જ્યાં ગયું ત્યાં લોકોએ પોતાના આવાસના પ્રવેશદ્વાર અને પરસાળમાં બહાર આવીને જોશ-જુસ્સાભેર તાળીઓ વગાડી તેમનું અભિવાદન કર્યું હતું. પોલીસ દ્વારા સૌપ્રથમ જે-તે સોસાયટીમાં જઈને લોક ડાઉનમાં સહકાર આપવા જનતાનો આભાર મનાયો હતો. ત્યારબાદ સૌને શક્ય હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા, ઘરની બહાર ના નીકળવા અનુરોધ કરાયો હતો.

હાલ ભારત દેશે કોરોના નામના માનવભક્ષી દુશ્મન સામે રીતસર જંગ જ છેડ્યો છે અને આ જંગમાં નાગરિકોનો સહકાર માંગી પોલીસે દેશભક્તિના ગીતોની સૂરાવલિ છેડી હતી. એસપી તોલંબિયાએ જણાવ્યું હતું કે પોલીસ બેન્ડ આવતીકાલે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘુમીને સૂરાવલિ સાથે લોકોને સંદેશ આપશે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કચ્છ પોલીસે કડક લોક ડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા દુકાનો બહાર દોરાવેલાં કુંડાળાના પ્રયાસની ફિલ્મ સ્ટાર ઋતિક રોશન સહિત દેશભરના હજારો લોકો પ્રશંસા કરી ચૂક્યાં છે. તો, જરૂરતમંદોને કરાતી રાશનની મદદ, સિનિયર સિટીઝનોને ઘેરબેઠાં પહોંચાડાતી મદદ જેવા સ્તુત્ય પ્રયાસોએ કચ્છની પોલીસની ખાખી વરદીની છાપને દેશભરમાં વધુ ઉજળી બનાવી દીધી છે.


Loading...
Advertisement