દિલ્હી ગયેલા તબલીગી જમાતના ભાવનગરના 17 પૈકી પાંચ ઓળખાયા : અન્યોને શોધવા રાતભર તપાસ

01 April 2020 10:56 AM
Bhavnagar Gujarat
  • દિલ્હી ગયેલા તબલીગી જમાતના ભાવનગરના 17 પૈકી પાંચ ઓળખાયા : અન્યોને શોધવા રાતભર તપાસ

નિઝામુદ્દીન ખાતે ભાવનગર-બોટાદના 17 વ્યકિતઓની શોધખોળ કરવા ખાસ ટીમ રચાઇ : ઓળખ થયેલા પાંચ પૈકીના ચાર કવોરન્ટાઇન

(વિપુલ હિરાણી) ભાવનગર તા.1
દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે તબ્લીક જમાતનાં એકત્રીત થયેલાઓમાં ભાવનગરનાં 13 અને બોટાદના 4 લોકો હોવાનું બહાર આવતાં પોલીસ તંત્ર દ્વારા તેની ઓળખ મેળવાઇ રહી છે અને તેઓને કવોરેન્ટાઇનમાં મુકવા તજવીજ હાથ ધરાઇ છે. આ માટે સ્પેશ્યલ સ્કવોર્ડ રચાઇ હોવાનું પણ જાણવા મળેલ છે.

મળતી વિગતો મુજબ ભાવનગરનાં 13 અને બોટાદનાં 4 લોકો દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે તબલીગી જમાતનાં એકત્રીત થયેલા લોકોમાં હતા. તબલીક જમાતમાં એકત્ર થયેલા 1500 લોકોને દિલ્હીથી રવાના કરવામાં આવ્યા હતા. જયારે લોકઆઉટ બાદ 1000 લોકો દિલ્હીમાં જ રહ્યા હતા. જે 1500 લોકો દિલ્હીની બહાર ગયા છે તેમાં ભાવનગરનાં કોરોનાથી જે પ્રથમ મૃત્યુ થયું હતું તે મુસ્લિમ આધેડ સહિત 13 લોકો હોવાનું જાણવા મળેલ છે.

ભાવનગર પોલીસે આજે આ 13માંથી પાંચ લોકોની ઓળખ મેળવી હતી અને ચાર લોકોને કવોરન્ટાઇનમાં મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે. અન્ય લોકોની ઓળખ માટે અને આગળની કાર્યવાહી માટે કાર્યવાહી માટે તજવીજ હાથ ધરાઇ છે.

દરમ્યાન આ અંગે પોલીસ તંત્ર દ્વારા સ્પેશ્યલ સ્કવોડ રાખવામાં આવી છે અને તેમાં એલસીબી, એસઓજી સહિતનાં પોલીસ અધિકારીઓનો સમાવેશ કરી જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં કોરોનાથી જે પ્રથમ મોત નિપજયું હતું તે મુસ્લિમ આધેડ દિલ્હીથી આવેલ અને તે આ તબલીક જમાતમાં હાજર રહ્યા હતા. તેની સાથે ગયેલા અન્ય લોકોને કોરોન્ટાઇનમાં મુકવા ભાવનગરનું તંત્ર કામગીરી કરી રહ્યું છે.

ભારે ખળભળાટ સાથે ચકચાર મચાવનાર દિલ્હી નિઝામુદ્દીનમાં તબલીગી જમાતનાં કાર્યક્રમમાં ભાવનગર બોટાદનાં કુલ 17 લોકો હાજર રહ્યા હોવાનું ખુલતાં ભાવનગર બોટાદ પંથકમાં હડકંપ મચી ગઇ છે અને તંત્ર દ્વારા આ અંગે પગલા ભરવામાં આવી રહ્યા છે અને આવા લોકોને મદદરૂપ થવા સ્કવોર્ડ કાર્યરત કરવામાં આવી છે.


Loading...
Advertisement