જૂના માર્કેટ યાર્ડમાં 9 હજાર ક્વિન્ટલથી વધુ શાકભાજી અને ફળોનો જથ્થો ઠલવાયો

30 March 2020 05:47 PM
Rajkot Saurashtra
  • જૂના માર્કેટ યાર્ડમાં 9 હજાર ક્વિન્ટલથી વધુ શાકભાજી અને ફળોનો જથ્થો ઠલવાયો

લોકલ ઘરાકી જ રહી : લેવાલી સામાન્ય રહેતા ભાવ દબાયેલા જ રહ્યા

રાજકોટ,તા. 30
રાજકોટ શહેરમાં કોરોનાના લોકડાઉનના પગલે મોટાભાગે બંધની સ્થિતિ છે પરંતુ લોકો માટે જીવન જરુરી એવા શાકભાજી અને ફળફળાદીની આવકો માર્કેટ યાર્ડમાં યથાવત રહેવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ શહેરના જૂના માર્કેટ યાર્ડખાતે દૈનિક 400 થી 500 જેટલા ખેડૂતો દ્વારા શાકભાજી અને ફ્રૂટ ઠાલવવામાં આવી રહ્યા છે.

દરમિયાન રોજની જેમ આજરોજ પણ રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે આસપાસના વિસ્તારનાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં લીલા શાકભાજી અને ફળ-ફ્રૂટ ઠલવામાં આવ્યા હતાં. આ શાકભાજી અને ફ્રૂટની ખરીદી માટે રાજકોટ શહેરના નગરજનો પણ સવારના ભાગે મોટી સંખ્યામાં આવ્યા હતાં.

આ અંગે વધુમાં રાજકોટ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના જૂના માર્કેટ યાર્ડ ખાતે રોજની જેમ આજે પણ 9 હજાર ક્વિન્ટલથી વધુ શાકભાજીની આવક થવા પામી હતી અને આજુબાજુના વિસ્તારના 400 જેટલા ખેડૂતો શાકભાજીનો જથ્થો લઇને વેચવા માટે માર્કેટ યાર્ડ ખાતે આવ્યા હતા.
આજરોજ પણ શાકભાજીના ભાવ દબાયેલા જ રહ્યા હતા અને જુદા જુદા શાકભાજી રૂા. 7 થી 60ના કિલો લેખે વેચાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં લોકડાઉનના પગલે મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની રેંકડીઓ બંધ હોય શાકભાજીનો મોટો જથ્થો દૈનિક યાર્ડ ખાતે વેચાયા વિના પડ્યો રહે છે. આજરોજ પણ બપોર બાદ શાકભાજીનો ઘણોખરો જથ્થો વેચાયા વિના પડ્યો રહેતા ખેડૂતોની હાલત દયનીય બની હતી.


Loading...
Advertisement