બે દિ’ની રજા બાદ બેંકોમાં થોડો ધસારો વધ્યો: પગાર તારીખ ટાણે ખાસ ગોઠવણો

30 March 2020 05:40 PM
Rajkot Saurashtra
  • બે દિ’ની રજા બાદ બેંકોમાં થોડો ધસારો વધ્યો: પગાર તારીખ ટાણે ખાસ ગોઠવણો
  • બે દિ’ની રજા બાદ બેંકોમાં થોડો ધસારો વધ્યો: પગાર તારીખ ટાણે ખાસ ગોઠવણો

પગાર-પેન્શન-સરકારી સહાયના નાણાં જમા થાય તેમ હોવાથી આવતા બે-ચાર દિવસ વ્યવહારો વધુ રહેવાની શકયતા

રાજકોટ તા.30
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે પણ આવશ્યક સેવાઓ તથા ચીજવસ્તુઓની હેરફેર-મળતર ચાલુ રાખવામાં આવી છે. આજે બેંકોમાં અચાનક ધસારો વધી ગયો હતો. લોકો પાસે ઘરમાં રહેલા રોકડ નાણાં ખુટી પડવા લાગ્યા હોય અને નવા પગાર વગેરે બેંકોમાં જમા થતા નાણાં ઉપાડવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. રાજકોટમાં આજે બેંકીંગ વ્યવહારમાં નોંધપાત્ર વૃદ્ધિ હોવાનું બેંક વર્તુળોએ પણ સ્વીકાર્યુ છે.

દેશવ્યાપી લોકડાઉનમાં તમામ બેંકોની બધી બ્રાંચો ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો જ છે. જે અંતર્ગત તમામ બેંક બ્રાંચો રાબેતા મુજબ ખુલ્લી રહી હતી.બેંકોમાં શનિ-રવિની બે દિવસની રજા રહી હતી. ઉપરાંત આગામી ગુરુવારે બીજી એપ્રિલે રામ નવમીની રજા આવવાની છે તે પુર્વે બેંકોમાં ધસારો-વ્યવહાર વધી ગયા છે.

દેશની ટોચની રાષ્ટ્રીયકૃત બેંકના એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે આજે બેંકોમાં ગ્રાહકોની સંખ્યા વધવાનું અપેક્ષિત હતું. મેનેજમેન્ટ તરફથી ગઈકાલે આગોતરી સૂચના જ આવી ગઈ હતી અને ફુલસ્ટાફને ફરજમાં રાખવા કહેવામાં આવ્યું હતું. બેંકોમાં વ્યવહારો વધવા પાછળ એકથી વધુ કારણો જવાબદાર છે. સૌથી મોટુ લોકોએ ઘરમાં રાખેલી રોકડ ખુટવા લાગ્યાનું છે. છેલ્લા દિવસોમાં લોકોએ મોટી માત્રામાં આવશ્યક ચીજોનો સંગ્રહ કર્યો છે એટલે રોકડ નાણાં વપરાય ગયા છે. હવે બચતના નાણામાંત્રી ઉપાડ શરૂ થયાની શંકા છે. ડીજીટલ ટ્રાન્ઝેકાનમાં કોઈ ચાર્જ નહીં લેવાનું જાહેર થયુ છે છતાં એટીએમ નહીં વાપરતાં નાના ગ્રાહકો બેંકમાં જ આવવા લાગ્યા છે.

હજુ આવતા બે-ત્રણ દિવસ બેંકીંગ વ્યવહારો વધુ રહેવાની શકયતા દર્શાવતા આ અધિકારીએ જણાવ્યું હતું કે હવે એક-બે દિવસમાં સરકારી કર્મચારીઓના પગાર-પેન્શન જમા થશે. આ બધુ સીધુ તેઓના બેંક ખાતામાં જમા થતુ હોય છે એટલે ઉપાડ વધવાનું સ્વાભાવિક છે. ખાનગી કંપનીઓના કર્મચારીઓના પગાર પણ સીધા બેંક ખાતામાં જમા થતા હોય છે એટલે તેમનો ઉપાડ વધવાની પણ શકયતા છે.

બેંક સૂત્રોએ કહ્યું કે કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કર્મચારીઓના પગાર પણ બેંકોમાં જ જમા થતા હોય છે. વર્ગ-3 તથા 4ના કર્મચારીઓ ડીજીટલ વ્યવહારોનો ઓછો ઉપયોગ કરતા હોય છે એટલે તેઓનો ધસારો રહેવાનું અપેક્ષિત છે.

બેંકોના અધિકારીઓ દ્વારા મેનેજમેન્ટની સૂચના મુજબ આગોતરી વ્યવસ્થા-તૈયારી શરૂ કરી દેવામાં આવી જ છે. સરકારે મહિલાઓના જનધન ખાતાઓમાં પણ નાણાં નાખવાનું કહ્યું છે એટલે આવતા દિવસોમાં તેનો ઉપાડ પણ અપેક્ષિત છે. લોકડાઉન કાયદા અંતર્ગત બેંકોમાં ભીડ ન થાય તે માટે પણ વ્યવસ્થાતંત્ર ગોઠવવામા આવ્યું જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનની અસર હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી બેંકોમાં ગ્રાહકોના ફીઝીકલ વ્યવહારો ઘણા ઘટી ગયા હતા પરંતુ આજે ફરી નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને બે-ચાર દિવસ તે યથાવત રહેવાની શકયતા છે.


Loading...
Advertisement