કલેક્ટર કચેરીમાં જ લોકડાઉનના લીરા; ‘પાસ’ કઢાવવા સેવાભાવીઓના ધાડેધાડા

28 March 2020 04:27 PM
Rajkot Saurashtra
  • કલેક્ટર કચેરીમાં જ લોકડાઉનના લીરા; ‘પાસ’ કઢાવવા સેવાભાવીઓના ધાડેધાડા

ભુખ્યા લોકોને ભોજન આપવું-કીટ વિતરણ કરી સેવા કરવી સારી પ્રવૃત્તિ પણ તે નાણાં રાહતફંડમાં આપી દેવા વધુ સારી સેવા: કલેક્ટર કચેરીએ રાજકીય આગેવાનોની ભલામણો કરાવી સેવાભાવી વ્યક્તિઓ પાસ લેવા દોડ્યાં : લોકડાઉનમાં ઘરે રહી સેવા કરવી જ જરૂરી

રાજકોટ,તા. 28
રાજકોટ સહિત દેશભરમાં કોરોના વાયરસ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કરીને લોકોને ઘરમાં જ રહેવા હૃદયસ્પર્શી અપીલ કરી છે આ ઉપરાંત ગુજરાત રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પણ લોકો ઘરમાં રહી લોકડાઉનની અમલવારી કરી કોરોના વાયરસનો ચેપ વધુ ફેલાય નહીં તે માટે અપીલ કરીને રાત-દિવસ સતત કામગીરી કરી રહ્યા છે જેના પગલે જિલ્લા કલેક્ટર તંત્ર પણ ઉંધેમાથે થઇ ગયું છે ત્યારે સમાજસેવાના ઓઠા હેઠળ નાના-મોટા સેવાભાવી સંગઠનો રેશન-કીટનું વિતરણ, ભુખ્યાઓને ભોજન આપવા માટેના પાસ કઢાવવા માટે કલેક્ટર કચેરીમાં ટોળેટેોળા આવી રહ્યા છે. કલેક્ટર કચેરીમાં જ લોકડાઉના રીતસરના લીરા ઉડ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લોકડાઉનની કડક અમલવારી માટે અપીલ કરવામાં આવે છે. ગરીબ અને જરુરિયાતમંદ લોકોને રાશન-શાકભાજી સહેલાઈથી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવી રહી છે. બીપીએલ, અંત્યોદય કાર્ડધારકોને ફીંગર પ્રિન્ટ વગર રાશન આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સેવાભાવી સંસ્થાઓ ભુખ્યાઓને ભોજન અને ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ કરવાની સેવા કરી રહી છે. આ સેવા કરવા માટે શેરીએ-ગલીએ ફૂટી નીકળેલી અનેક સંસ્થાઓના આગેવાનો અને સેવાભાવીઓ કલેક્ટર કચેરીએ પોતાના પાસ કઢાવવા માટે ધાડેધાડા આવી રહ્યા છે. કલેક્ટર કચેરીમાં જ લોકડાઉનનો ભંગ થતો હોય અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની અપીલ શેઠની શિખામણ ઝાપા સુધી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જિલ્લા કલેક્ટર કચેરીમાં સેવાભાવી સંસ્થાઓ અમારે રાશન કીટનું વિતરણ કરવું છે, ભુખ્યાઓને ભોજન આપવું છે, લોકોની સેવા કરવી છે તેવું કહીને પાસ મેળવવા માટે અરજીઓ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તમામ વ્યક્તિઓને સરળતાથી દરેક વસ્તુ મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવી છે. આમ છતાં આવી સંસ્થાઓના આગેવાનો રાજકીય આગેવાનોના ફોન કરાવીને પોતાના પાસ કઢાવવા દોડધામ કરે છે અને લોકડાઉનનો ભંગ કરે છે. લોકોની લાગણી એવી છે કે આવી સંસ્થાઓના આગેવાનો જે નાણાં ખર્ચીને ભોજન અને રાશન કીટ તૈયાર કરે છે તેટલા જ નાણાં જો મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવે અને સંવેદનશીલ મુખ્યમંત્રીની ઘરમાં રહેવાની અપીલને માન આપે તો તે વધારે સારી સમાજસેવા ગણાશે.

દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરીમાં સેવાભાવી સંસ્થાઓ પાસ લેવા માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે અધિક નિવાસી કલેક્ટરે આજે એવું જણાવ્યું હતું કે ભૂખ્યાઓને ભોજન આપવા માટે બોલબાલા ટ્રસ્ટ 5000થી વધારે વ્યક્તિઓને જમવાની વ્યવસ્થા દરરોજ કરી રહી છે

આ ઉપરાંત જીનીયસ સંસ્થા પણ રાશન કીટનું વિતરણ અને ભુખ્યાઓને ભોજન સહાય કરી રહી છે. જે સંસ્થાઓને આવી પ્રવૃતિ કરવી હોય તો આ બંને સંસ્થાઓને સહયોગ કરે, પોતાની રીતે રાશન કીટ અથવા તો ભોજન સહાય ન કરે, ખોટી રીતે બહાર ન નીકળે, પાસ કઢાવવા એકઠા ન થાય તે જરુરી છે. હવે સેવાભાવી સંસ્થાઓને પાસ આપવાના બંધ કરવામાં આવશે

તદઉપરાંત જો પાસ આપવાનુંં થશે તો ચોક્કસ દિવસ અને ચોક્કસ સમય માટેનો જ ઇશ્યૂ કરવામાં આવશે જો કે હાલમાં આવી સંસ્થાઓને પાસ આપવાની અરજીઓના ઢગલા થયા હોય આ અરજીઓનો શું નિર્ણય કરવામાં આવે તે જિલ્લા કલેક્ટરને નિર્ણય પર મીટ મંડાઈ રહી છે. પરંતુ સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ જો સમાજની સાચી સેવા કરવી હોય તો પોતાની પાસેનું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવે અને ઘરમાં રહી લોકડાઉનની કડક અમલવારીમાં સહયોગ આપે તે જ મોટી સમાજ સેવા છે તેવી લોકોમાં લાગણી પ્રવર્તી રહી છે.

રાજકોટમાં 3025 પાસ નિકળ્યા; અનેક કારખાના અને દુકાનોને પાસ: સમયમર્યાદા બાંધવી અનિવાર્ય
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કરિયાણુ-પ્રોવીઝન સ્ટોર-હોલસેલના વેપારીઓને આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પૂરતો જળવાઈ રહે તે માટે પાસ આપીને દુકાન ખુલ્લી રાખવાની કાર્યવાહી શરુ કરી છે. એક જ દિવસમાં 3025 જેટલા પાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇસ્યૂ કરવામાં આવ્યાં છે. જેમાં રાજકોટ શહેરમાં 1467, રાજકોટ સિટી-2માં 115, રાજકોટ ગ્રામ્યમાં 96, જસદણમાં 404, ગોંડલમાં 551, ધોરાજીમાં 392 પાસ કાઢવામાં આવ્યા છે. દરમિયાન રાજકોટ શહેરમાં 18 વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં ટ્રક મારફત જીવન જરુરી ચીજવસ્તુઓનો જથ્થો કરિયાણા અને પ્રોવીઝનના રીટેલ વેપારીઓને પહોંચાડવા માટેની મંજૂુરી આપી છે આ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. વાહન પાસ આપવામાં આવ્યા છે પરંતુ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવેલા પાસમાં સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. જેના કારણે આ પાસનો દુરુપયોગ કરીને વાહન લઇને આંટા મારતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પાસ ઇસ્યુ કરવામાં આવે તેમાં સમયમર્યાદા બાંધવી અનિવાર્ય હોવાનું સમજાઈ રહ્યું છે.


Loading...
Advertisement