કોરાનાથી રૂા.9 લાખ કરોડનું આર્થિક નુકશાન: સરકારી ‘પેકેજ’ ટુંકું પડશે!

26 March 2020 10:42 AM
India
  • કોરાનાથી રૂા.9 લાખ કરોડનું આર્થિક નુકશાન: સરકારી ‘પેકેજ’ ટુંકું પડશે!

ભારતના મિકસ દળને મોટો ફટકો પડશે: આગામી નાણાકીય વર્ષ સુધી કોરોના ઈફેકટ રહેશે

મુંબઈ:
ભારતના અર્થતંત્ર ઉપર અણધારી આફત આવી પડી છે. એક તરફ આર્થિક વિકાસ દર છેલ્લા ત્રણ કવાર્ટરની છ વર્ષમાં સૌથી નીચો હતો ત્યારે કોરોના વાયરસના કારણે વૈશ્ચિક મંદીની આફત ઉપરાંત ભારતમાં પણ મંદી આવી શકે છે. કેન્દ્ર સરકાર પોતાની રીતે આ મંદીની અસરો ખાળવા માટે પેકેજ બનાવી રહી છે, રિઝર્વ બેંક વ્યાજનો દર પણ ઘટાડી શકે છે પણ જે નુકશાન અંદાજીત છે તેની સામે આ પેકેજ વામણું સાબીત થશે એવો ભય છે.

બ્રિટીશ કંપની બાકર્લીઝ રૂા.9 લાખ કરોડનો ફટકો અંદાજે છે તો ભારતની ક્રેડીટ રેટીંગ એજન્સી કેર રૂા.11 લાખ કરોડનો ફટકો અંદાજે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારનું પેકેજ રૂા.1.50 લાખ કરોડથી રૂા.2.30 લાખ કરોડનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને હવે આંકડો 600ને પાર થઈ ગયો છે. મૃત્યુઆંક ઓછો છે પણ દેશમાં કોમ્યુનીટી સ્પ્રેડ જોવા મળી રહ્યો છે. વાયરસનો વ્યાપ વધે નહી એટલે ભારત સરકારે 21 દિવસ આવશ્યક ચીજો સિવાય બધું જ લોકડાઉન કર્યું છે. કોઈ પ્રવૃતિ નહી. આ ઉપરાંત, સેંકડો કંપનીએ બજારો બંધ હોવાથી પોતાનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. નાના માણસો અને રોજમદારી ઉપર નોકરી કરતા લોકોમાં વતન તરફ હિજરત પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે પેકેજથી જે અસર થો તેના કારણે દેશનો આર્થિક વિકાસ ફરી પાટે ચડતા સમય લાગશે એવી પણ વિશ્લેષકોની આગાહી છે.

વિશ્વના અગ્રણી એવા ભારતના અર્થતંત્ર ઉપર આ લોકડાઉનની ભારે અસર પડી શકે એવી આગાહી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે, જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં દેશો આર્થિક વિકાસ વધવાના બદલે સંકોચાઈ જશે, ઘટી જશે કે નેગેટીવ આવશે. વધારે ચિંતા એની છે કે દેશમાં સંગઠીત કરવા અસંગઠીત ક્ષેત્રનો હિસ્સો વધારે છે. વધુ લોકો સામાજીક છત્ર સિવાયની નોકરી કે કામકાજ કરે છે અનેતેના કારણે પુર્વવત સ્થિતિ માટે સમય લાગશે. એવું પણ બની શકે કે વિકાસ દર માત્ર એક જ કવાર્ટર નહી પણ સમગ્ર વર્ષ 2020-21માં ધીમો રહે.

બ્રિટીશ બ્રોકરેજ હાઉસ બાકર્લીઝના મતે ભારતને લોકડાઉનના કારણે 120 અબજ ડોલર કે નવ લાખ કરોડ જેવો મોટા ફટકો પડી શકે છે. સર્વે 2020-21નો આર્થિક વિકાસ દર 1.7 ટકા ઘટી માત્ર 3.5 ટકા રહે તેવી શકયતા છે. માત્ર લોકડાઉનના કારણે જ 90 અબજ ડોલરનું નુકશાન થઈ શકે છે જેમ દિલ્હી, મહારાષ્ટ્ર કે ગુજરાત જેવા રાજયોએ અગાઉ બંધ કરેલી પ્રવૃતિ સામેલ નથી.

કેર રેટિંગના મતે દેશનું અર્થતંત્રનું કદ વર્ષ 2019-20માં રૂા.140-150 લાખ કરોડ જેટલું અંદાજીત છે. (આ આંકડાઓ વાસ્તવિક વિકાસનો છે, ફુગાવાની અસર સિવાય) જો 21 દિવસ બંધ રહે અને 80 ટકા પ્રવૃતિ બંધ રહે (આવશ્યક ચીજોને બાદ કરતા) તો દેશના આર્થિક વિકાસમાં કુલ રૂ.10.50 લાખ કરોડથી 12 લાખ કરોડનો ફટકો પડી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં બાકીના દિવસોમાં આ નુકશાન રૂા.6.30 લાખ કરોડથી રૂા.7.20 લાખ કરોડનો ફટકો પડી શકે છે. આ ઉપરાંત બાકીના 14 દિવસ નાણાકીય વર્ષ 2020-21માં જતા હોવાથી તેમાં રૂા.4.20 થી 4.80 લાખ કરોડનો ફટકો પડી શકે છે.


Loading...
Advertisement