બાંધકામ સાઈટ ચાલુ રાખનારા બિલ્ડરો-કોન્ટ્રાકટરોને નોટીસ આપ્યા વગર જ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાશે

25 March 2020 06:45 PM
Rajkot
  • બાંધકામ સાઈટ ચાલુ રાખનારા બિલ્ડરો-કોન્ટ્રાકટરોને નોટીસ આપ્યા વગર જ એક વર્ષ માટે સસ્પેન્ડ કરાશે

લોકડાઉનના જાહેરનામાના કડક અમલ વચ્ચે તકેદારી રાખવા બિલ્ડર એસો.ને મ્યુ.કોર્પો.ની તાકીદ

કોરોના વાયરસની મહામારીમાં વધુને વધુ લોકો સપડાઈ રહ્યા હોય હડકંપ મચી જવા પામેલ છે. ત્યારે આ આ મહામારીને નાખવા માટે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ લોકડાઉનના જાહેરનામાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
જેમાં રાજકોટ શહેરી વિસ્તારમાં ચાલતી તમામ બાંધકામ સાઈટો બંધ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. જેમાં હવે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે ફરી રાજકોટ બિલ્ડર એસો.ને પરિપત્ર પાઠવી બાંધકામ સાઈટો બંધ રાખવા તાકીદ કરી જણાવેલ છે કે જો કોઈ બિલ્ડર અને કોન્ટ્રાકટર બાંધકામની કામગીરી કરતા પકડાશે તો આવા બિલ્ડરો અને કોન્ટ્રાકટરોને વિકાસ પરવાનગી એક વર્ષ માટે કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેવી ચેતવણી આપી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકડાઉનના જાહેરનામા વચ્ચે બે દિવસ પૂર્વે શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસે એક આસામી પોતાના મકાનનું બાંધકામ કોન્ટ્રાકટર પાસે કરાવી રહ્યાની ફરિયાદ ટાઉન પ્લાનીંગ શાખાને મળતા અધિકારીઓની ટીમે આ વિસ્તારમાં દોડી જઈ આ ચાલુ બાંધકામ સ્થગિત કરાવી આસામીને ઠપકો આપ્યો હતો.
આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે ફરી રાજકોટ બિલ્ડર એસો.ને રીમાઈન્ડર આપી બાંધકામની તમામ સાઈટો બંધ જ રાખવા માટે અલ્ટીમેટમ આપેલ છે.


Loading...
Advertisement