શાક માર્કેટમાં ‘ધોકાવાળી’થી ધંધાર્થીઓમાં ઉહાપોહ: લોકોને કાબૂમાં કેમ કરવા ? હવે તંત્ર પર મદાર

25 March 2020 06:21 PM
Rajkot
  • શાક માર્કેટમાં ‘ધોકાવાળી’થી ધંધાર્થીઓમાં ઉહાપોહ: લોકોને કાબૂમાં કેમ કરવા ? હવે તંત્ર પર મદાર

આજે પણ શાકભાજીના ભાવ વ્યાજબી સ્તરે પણ બહારથી આવકો ઘટશે તો અછત-ભાવવધારાની ભીતિ

વડાપ્રધાનના આદેશ અનુસાર સમગ્ર ભારતને 21 દિવસ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી સમગ્ર ભારતમાં ઉહાપોહ જોવા મળી રહ્યો. લોકો પોતાની જીવન જરુરિયાતની વસ્તુઓ ભરી ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે ત્યારે શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ લેવા લોકો શાક માર્કેટમાં અને કરિયાણાની દુકાને ઉમટી પડ્યા છે. ત્યારે રાજકોટની શાક માર્કેટમાં લોકો સવારથી ખરીદી માટે ઉમટી રહ્યા છે. લોકોનાં ટોળા વળતા જ પોલીસે શાક માર્કેટમાં ધોકાવાળી કરી હતી. લોકટોળાને હટાવવા પોલીસ અને મનપાના અધિકારીઓએ શાક માર્કેટમાં લાઠીચાર્જ કર્યો જેથી લોકો ગભરાઈ ગયા હતા અને થોડો સમય અફડા-તફડી સર્જાય હતી.
શાકભાજી એ જીવન જરુરિયાતની વસ્તી છે અને લોકો ખરીદવા માર્કેટમાં આવે છે પરંતુ ટોળા એકસાથે ભેગા થઇ જતા કોરોના વાયરસ ફેલાવાનો ભય રહે છે. આથી સાવચેતીના પગલે પોલીસ ટોળાને વીખેરવાના પ્રયત્નો કરે છે પરંતુ આ પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન શાક વેચનારાઓને થાય છે. પોલીસ તેઓ પર ધોકાવાળી કરે છે અને રેંકડીઓ તોડી પાડે છે.
શાકભાજી વેચનારાઓની રજૂઆત છે કે શાક લેવા આવતા લોકોને વારાફરતીઅંદર આવવાની વ્યવસ્થા પોલીસે કરાવી જોઇએ. તેઓ લોકોને દૂર રહેવાની સૂચના આપતા રહે છે. પરંતુ લોકો સમજવા જ તૈયાર નથી ત્યારે પોલીસનું લોકોડરને કારણે વાત માને છે સાથે લોકોના ટોળા ન થાય તેની વ્યવસ્થા પોલીસે જ કરવી જરુરી છે. હાલ શાકભાજીના ભાવમાં કોઇ ભાવ વધારો નોંધાયો નથી તેમજ શાકનો પૂરતો જથ્થો શાક માર્કેટમાં ઉપલબ્ધ છે પરંતુ તડકાના કારણે શાકભાજી બગડી જાય છે આથી તેનો રોજ નિકાલ થવો પણ જરુરી છે.

વાંક માત્ર તંત્ર કે પોલીસનો જ નથી ! માર્કેટ બંધ કરાવ્યું તો શાકવાળા શેરીમાં બેઠા
સરકાર દ્વારા કોરોનાને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ જ્યાં સુધી જનતા સામેથી સહકાર નહીં આપે ત્યાં સુધી આ રોગને રોકવો મુશ્કેલ છે. રાજકોટની જ્યુબેલી શાક માર્કેટમાં લોકો શાક ખરીદવા ઉમટી પડે છે. ત્યારે સવારે શાક ખરીદવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હાં. જેને રોકવા પોલીસે ધોકાવાળી કરી હતી પરંતુ એકબાજુથી ટોળાને દૂર કરતા બીજી તરફ વળ્યું હતું. શાક વેચનારાઓ પોતાનું શાક નાની શેરીઓમાં લઇ જઇ શાક વેચે છે અને લોકોએ શાક ખરીદવા તે શેરીમાં જઇ ચડે છે. ત્યારે પોલીસે એક તરફ ટોળું વીખેરાતા બીજી તરફ તે ટોળું વળ્યું હતું. આ મહામારી સામે માત્ર પોલીસ કે તંત્ર નહીં પરંતુ આપણે જ્યાં સુધી સજાગ નહીં બનીએ ત્યાં સુધી આ વાયરસને રોકી નહીં શકીએ. આથી રાજકોટની જનતાએ પણ પોલીસ અને તંત્રને પુરેપુરો સહકાર આપવો જરુરી છે.

શાકભાજીનો ભાવ   ભાવ (કિલો)
ટમેટા                  રૂા. 20
ભીંડો                   રૂા.20
કોબી                   રૂા.10-15
મરચા                  રૂા.50-60
ફલાવર                રૂા..20
રીંગણા                 રૂા.20-30
વટાણા                 રૂા.80-100
ગુવાર                  રૂા.100-120
કારેલા                  રૂા.40
દૂધી                    રૂા.10
લીંબુ                   રૂા. 70-80
કાકડી                  રૂા. 20
ગાજર                  રૂા. 20
આદુ                    રૂા. 60
બટેટા                   રૂા. 25
ડુંગળી                  રૂા. 25-30


Loading...
Advertisement