રાજકોટમાં વધુ 15 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવાયા: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના પુત્રનું પણ સેમ્પલ લેબમાં મોકલાયુ

25 March 2020 04:38 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં વધુ 15 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવાયા: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના પુત્રનું પણ સેમ્પલ લેબમાં મોકલાયુ

* સાંજ સુધીમાં તમામના રીપોર્ટ આવશે * કોરોનાગ્રસ્ત યુવક-વૃદ્ધાના 10 પરિજનો કવોરન્ટાઈનમાં * સૌરાષ્ટ્રના કુલ 24 સેમ્પલ જામનગરની લેબમાં

રાજકોટ તા.25
રાજકોટમાં કોરોનાના નવા બે પોઝીટીવ કેસની ગભરાટ વકર્યો છે ત્યારે વધુ 15 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે અને સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમાંથી પણ દસ શંકાસ્પદ દર્દી નોંધાયા છે.

જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટમાં વધુ 15 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. 13 રાજકોટ શહેરના તથા બે જીલ્લાના છે. તમામને સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 60 સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાંથી 42ના રીપોર્ટ નેગેટીવ અને ત્રણના પોઝીટીવ આવ્યા છે. બાકીના 15 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ આજે સાંજ સુધીમાં આવે તેવી શકયતા છે.

રાજકોટમાં ગઈકાલે બે પોઝીટીવ કેસ સામે આવ્યા હતા તે પૈકી જાગનાથ પ્લોટના વૃદ્ધાના પુત્રનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે. કાલાવાડ રોડ પરના કોરોનાગ્રસ્ત યુવક મયુરસિંહ ઝાલાના પરિવારના કોઈ સભ્યને શંકાસ્પદ લક્ષણો માલુમ પડયાનથી. બન્ને કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારના કુલ 10 સભ્યોને કવોરન્ટાઈન કરાયા છે. રાજકોટમાં કાર્યરત બે કવોરન્ટાઈન સેન્ટરમાં કુલ 36 લોકો છે. આઈસોલેશન વોર્ડમાં કુલ 18 દર્દી છે તેમાં ત્રણ પોઝીટીવ અને બાકીના 15 શંકાસ્પદ દર્દી છે તેના રીપોર્ટ આવવા બાકી છે.

રાજકોટ શહેરના 551 તથા જીલ્લાના 169 મળીને કુલ 720 લોકો હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રહ્યા હતા. દરમ્યાન રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓમાંથી પણ નવા શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. રાજકોટના 15 ઉપરાંત મોરબીના 3, ભુજના 2, પોરબંદરના 1, જામનગરના 2 તથા દ્વારકાના 1 એમ કુલ 24 શંકાસ્પદ દર્દીના સેમ્પલ જામનગર લેબમાં છે તેના રીપોર્ટ સાંજ સુધીમાં આવવાની શકયતા છે.


Loading...
Advertisement