જામનગરમાં કોરોનાના સંકટ સમયે સેવાયજ્ઞોનો પ્રારંભ

25 March 2020 03:50 PM
Jamnagar
  • જામનગરમાં કોરોનાના સંકટ સમયે સેવાયજ્ઞોનો પ્રારંભ

સરકારી, સ્વૈચ્છીક, ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિ મંડળો દ્વારા ફૂડ પેકેટ બનાવી જરૂરીયાતમંદોને પહોંચાડાઇ રહ્યા છે : શહેરનો એક પણ નાગરીક કોરોનામાં ભૂખેના મરે તે માટે તંત્રનો સઘન પ્રયાસ

જામનગર તા.25:
જયારે જયારે દેશ ઉપર કે સમાજ ઉપર કુદરતી આપત્તિઓ અથવા તો માનવસર્જિત આપત્તિઓ સામે આવી છે ત્યારે લોકોની પરસ્પર માનવતા પણ બહાર આવી છે. મારે શું..?? અને મારૂ શું..?? વચ્ચે જીવનારો કાળા માથાનો માનવી આપત્તિના સમયે પરસ્પર મદદરૂપ થવા તલપાપડ બને છે. તાજેતરમાં કોરોના વાઇરસના પ્રતિક્રમણ સામે બચવા માટે સમગ્ર રાજયમાં અને દેશભરમાં લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે અનેક ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ખોરાક મળી રહે તે માટે જામનગરમાં અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ આગળ આવી છે.
ભૂતકાળમાં જામનગરે ભારત-પાકિસ્તાન સામેના બે યુદ્ધ, ભૂકંપ, વાવાઝોડુ અને દુષ્કાળ જેવી અનેક આપત્તિઓ જોઇ છે. આ આપત્તિઓ સમયે જો કોઇ મોટી તાકાત બહાર આવી હોય તો તે પરસ્પર લોકોની એક-બીજાને મદદરૂપ થવાની માનવતા મોટા પ્રમાણમાં જોવા મળી છે. તાજેતરમાં પણ લોકડાઉનની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની ધાર્મિક, સામાજિક સંસ્થાઓને સાથે રાખીને લોકોને ફૂડ પેકેટ મળી રહે તે માટેની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કલેકટર રવિશંકર દ્વારા જામનગર શહેરમાં ફૂટપાથ પર અને ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જે હેઠળ ગઇકાલે 1500 જેટલા ફૂડ પેકેટનું વિતરણ શહેરના સાત રસ્તા, પ્રદર્શન ગ્રાઉન્ડ, દિગ્જિામ ફાટક અને ભીંડભજન મંદિર નજીક કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલની જહેમતથી જિલ્લાના પોલીસ કર્મીઓએ પણ શહેરના અનેક વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યુ હતું.
જામનગરમાં કોરોના સામે કામગીરી કરી રહેલા પોલીસકર્મીઓ, સફાઇકર્મીઓ અને હોમગાર્ડઝ, આરોગ્ય વિભાગના કર્મચારીઓને ચા-પાણી, નાસ્તો ફરજ પર જ મળી રહે તે માટે શહેરના સદ્ગુરૂ સેવા ટ્રસ્ટના વિજયભાઇ ભોગયાતા, ધર્મેન્દ્રસિંહ જેઠવા અને અન્ય સેવાભાવી લોકો દ્વારા રીક્ષામાં નીકળીને ફરજ બજાવતા કર્મીચારીઓના ચા-પાણી, માસ્ક અને નાસ્તો વિનામુલ્યે નિસ્વાર્થ ભાવે પહોંચાડવામાં આવી રહ્યો છે.


Loading...
Advertisement