મોરબી સહીત દેશના નાગરીકોને લોકડાઉનથી ગભરાવાની નહી પરંતુ તેની ગંભીરતા સમજવાની છે જરૂર : શું છે લોકડાઉન ?

25 March 2020 02:27 PM
Morbi
  • મોરબી સહીત દેશના નાગરીકોને લોકડાઉનથી ગભરાવાની નહી  પરંતુ તેની ગંભીરતા સમજવાની છે જરૂર : શું છે લોકડાઉન ?

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.25
કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે પ્રત્યક્ષ સંપર્કના કારણે ફેલાતો રોગચાળો અટકાવવા માટે હાલમાં દેશને 21 દિવસ સુધી લોકડાઉન કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરત કરવામાં આવી છે ત્યારે લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે કે હવે શું થશે ત્યારે લોકડાઉન એટલે શું તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
કલમ 144 એટલે શું?
ઈછઙઈની ધારા-144 શાંતિ સ્થાપવા અથવા તો ઈમર્જન્સીની સ્થિતિમાંથી બચવા માટે લાગુ કરવામાં આવે છે. જ્યારે સુરક્ષા સંબંધિત કોઈ જોખમ સર્જાય છે ત્યારે આ કલમ લાગુ કરવામાં આવે છે. આ ધારા લાગુ થતા પાંચ અથવા વધારે વ્યક્તિ ભેગી થઈ શકતી નથી. સ્થાનિક જિલ્લા અધિકારી દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવે છે. ધારા 144 લાગુ કર્યા બાદ જરૂર પડે તો ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી શકે છે.જો રાજ્ય સરકારને લાગે કે વ્યક્તિના જીવન પરથી જોખમ દૂર કરવા હજુ પણ તેની જરૂર છે તો તેની અવધી લંબાવવામાં આવી શકે છે અને ગેરકાયદેસર રીતે ભેગા થતા કોઈ પણ વ્યક્તિ સામે તોફાનમાં સામેલ થવાનો કેસ દાખલ થઈ શકે છે. અને આ માટે વ્યક્તિને મહત્તમ ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે.
કર્ફ્યુ એટલે શું?
લોકોના બહાર નીકળવાથી થઈ શકતી સંભવિત અશાંતિ કે જાહેર મુશ્કેલી ખાળવા માટે પ્રશાસન દ્વારા કર્ફ્યુ લાદવામાં આવે છે. વિશિષ્ટ સંજોગોમાં કર્ફ્યુ લાદવા માટે પ્રશાસનને કાનૂની અધિકારી મળેલો છે. કર્ફ્યુ દરમિયાન જનતાએ ફરજિયાતપણે ઘરમાં રહેવું પડે છે અને કર્ફ્યુ દરમિયાન મેડિકલ સ્ટોર, હોસ્પિટલ, મીડિયા જેવી આવશ્યક સેવાઓ પણ સંજોગો મુજબ બંધ કરી શકાય છે. અનિવાર્યતા હોય તો પણ પોલીસ પરમિશન વગર બહાર નીકળી શકાતું નથી.
જનતા કર્ફ્યુ એટલે શું?
જનતા કર્ફ્યુ શબ્દ જ એ સુચવે છે કે તે સ્વયંભૂ છે. કાયદા દ્વારા ફરજિયાતપણે લાદવામાં આવેલો કર્ફ્યુ નથી. પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને જનતા પોતે જ દેશના જવાબદાર નાગરિક તરીકે સ્વૈચ્છિક રીતે ઘરમાં રહેવાનું પસંદ કરે છે. કોરોના જેવા ચેપી સંક્રમણના કિસ્સામાં પરસ્પરનો સંપર્ક ટાળવા માટે જનતા કર્ફ્યુ રાખવો એ એક સમજદારીભરી અપીલ છે માટે જનતા કર્ફ્યુ ભારતમાં રાખવામાં આવ્યો હતો
લોકડાઉન એટલે શું?
આપતકાલીન પરિસ્થિતિમાં ચોક્કસ વિસ્તારના લોકોને એ જ વિસ્તાર પૂરતાં મર્યાદિત કરી દેવા માટે લાગુ કરવામાં આવતી વ્યવસ્થા લોકડાઉન કહેવાય છે. કોરોનાએ વધુ વ્યક્તિઓના સંપર્કથી ફેલાતો રોગ છે. આથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં રહે અને રોગચાળો ફેલાતો અટકાયએ જ લોકડાઉનનો હેતુ છે. લોકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળવાની મનાઈ હોય છે. પરંતુ અનાજ, દૂધ, દવા કે મેડિકલ સહાયતા જેવા હેતુથી બહાર નીકળી શકાય છે હાલમાં ચીન, ઈટાલી, ડેનમાર્ક, અલ સાલ્વાડોર, ફ્રાન્સ, સ્પેન, ન્યુઝિલેન્ડ જેવા દેશોએ અમૂક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરેલ છે અને કોરોના સંદર્ભે તેનાં હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે માટે ભારતમાં લોકડાઉન કરવામાં આવેલ છે જેમા લોકો પણ સહકાર આપે તે જરૂરી છે અને લોકડાઉન દરમિયાન હેલ્થ, ડિફેન્સ, લો એન્ડ ઓર્ડર, મીડિયા જેવી અનિવાર્ય સેવાઓ જારી રહે છે પરંતુએ સેવાઓ સાથે સંકળાયેલા લોકોએ પણ ઓળખપત્ર વગર બહાર નીકળી શકાતું નથી.


Loading...
Advertisement