સુરેન્દ્રનગરમાં કેટલાક પ્રતિબંધાત્મક આદેશ જારી

25 March 2020 02:17 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરમાં કેટલાક પ્રતિબંધાત્મક આદેશ જારી

પ્રવર્તમાન સ્થિતિમાં લોકોના આરોગ્ય-જાન માલની સુખાકારી માટે ઘરની બહાર નીકળવા, આવશ્યક સિવાયના ધંધા રોજગાર ધંધા રાખવાનો અધિક કલેકટરનો હૂકમ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.25
વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે, ત્યારે નોવેલ કોરોના વાયરસ ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા લોકોની વધુ અવર - જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ કેટલાકં નિયંત્રણો મુકયા છે.
આ જાહેરનામામાં જણાવ્યા મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જયા મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ જાહેર સ્થળો તથા ઔદ્યોગિક એકમો બંધ કરવાના રહેશે. સમગ્ર સુરેન્દ્રનગર વિસ્તારમાં કતલખાના તાત્કાલિક અસરથી બંધ કરવા તેમજ પશુઓની કતલ તેમજ તેઓના માસ વગેરેનું ખરીદ વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવાનું રહેશે. ઉપરાંત શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલ સરકારી તથા ખાનગી હોસ્ટેલ બંધ કરવી. જાહેર રસ્તા પર કોઈ વ્યકિત થુંકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમાનુસાર દંડ વસુલ કરવામાં આવશે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા મુજબ જીવન જરૂરિયાતની આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, દુધ-શાકભાજી ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝન સ્ટોરો, મેડીકલ સ્ટોર, દવાખાના - હોસ્પિટલ, લેબોરેટરી, દવા - મેડીકલ સાધનોની ઉત્પાદક કંપનીઓ અને તેમના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ, વીજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઈન્ટરનેટ - ટેલિફોન તથા આઈ. ટી. અને આઈ.ટી. સબંધિત સેવાઓ, રેલ્વે અને ટ્રાન્સપોર્ટેશન સેવા, મીડિયા - સમાચારપત્રો, પેટ્રોલપંપ, પાણી પુરવઠો તથા ગટર વ્યવસ્થાતંત્ર, એમ્બ્યુલન્સ, અગ્નિશામક સેવાઓ, બેંક - એ.ટી.એમ.-બેંકનું કલીયરીંગ હાઉસ, સ્ટોક એકસચેન્જ, તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન, અન્ય અતિઆવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતું ઈ-કોમર્સ, મત્સ્યોદ્યોગ, પશુપાલન સહિતની સેવાઓ આ જાહેરનામામાં અપવાદ રહેશે. આ જાહેરનામું સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં લાગુ પડશે, આ જાહેરનામાની અમલવારી તા.31/03/2020 સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.


Loading...
Advertisement