અંતે ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રાજય સરકારની જાહેરાત

24 March 2020 07:27 PM
Rajkot Education
  • અંતે ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા રાજય સરકારની જાહેરાત

કોરોનાના ફુફાડાના પગલે છાત્રોને હવે પરીક્ષા લીધા વગર ઉપલા ધોરણમાં અપાશે બઢતી:શાળાઓમાં હવે જૂનથી નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ : પત્રકાર પરિષદમાં માહિતી વિભાગના અગ્રસચીવ અશ્ર્વિનીકુમારે વિગતો જાહેર કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત

કોરોના વાયરસની મહામારીએ સર્જેલી અતિ ગંભીર પરિસ્થિતિને પગલે રાજય સરકાર દ્વારા અંતે આજે ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દીધી છે. જેના કારણે વિદ્યાર્થીઓને હવે પરીક્ષા વગર જ ઉપલા ધોરણમાં બઢતી આપી દેવાશે.
રાજય સરકારના માહિતી વિભાગના અગ્રસચિવ અશ્ર્વીનીકુમારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે રાજયભરમાં આવેલી પ્રાથમીક માધ્યમિક શાળાઓના ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર જ ઉપલા ધોરણમાં બઢતી આપવાનો નિર્ણય રાજય સરકારે લીધો છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના પ્રભાવમાં વધુને વધુ લોકો સપડાઈ રહ્યા હોય કોરોના વાયરસની અટકાયતી માટે રાજય સરકાર દ્વારા તા.31 સુધી લોકડાઉન કરવામાં આવેલ છે. તેમજ રાજયભરમાં 144મી કલમ લાગુ પાડી દેવામાં આવી છે. શાળા કોલેજો તેમજ યુનિ.ઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. લોકડાઉન અને 144મી કલમનો ભંગ કરનારા સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. કોરોનાનો કહેર સતત વકરી રહ્યો હોય યુનિ.ની પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરાયેલ હોય અને વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ અધુરો રહ્યો છે. ત્યારે રાજય સરકાર દ્વારા હવે રાજયની પ્રાથમિક અને માધ્યમિક શાળાના ધો.1થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર ઉપલા ધોરણમાં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જેના પગલે વિદ્યાર્થીઓને મોટી રાહત થવા પામેલ છે.

સંકલનના અભાવે શિક્ષણ વિભાગે માસ પ્રમોશનનો પરિપત્ર એકાએક જાહેર કરી કાચુ કાપ્યું?
સ્પષ્ટતા કરવા માટે પણ અધિકારીઓ મોડે મોડે જાગ્યા: કોરોના પોઝીટીવ દર્દીઓના આંકડા જાહેર કરવામાં એકસુત્રતા નહીં જળવાતા ઉઠેલા અનેક પ્રશ્ર્નો
રાજયમાં કોરોના વાયરસની વકરેલી મહામારીએ અતિ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે ત્યારે સંકલનના અભાવે ગઈકાલે સાંજે રાજયના શિક્ષણ વિભાગે રાજયની શાળાઓના ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીને માસ પ્રમોશનનો પરિપત્ર એકાએક ઈશ્યુ કરી કાચુ કાપી નાખતા અનેક પ્રશ્ર્નો ઉઠવા પામેલ છે.
શિક્ષણ વિભાગના નાયબ સચિવ જે.એમ. મીસણના નામથી ઈશ્યુ થયેલા આ પરિપત્રમાં ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અને શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈને શાળા પર આવવાનું રહેશે તેવો પણ ઉલ્લેખ કરી દેવામાં આવેલ
હતો. આ પરિપત્ર મીડિયામાં પ્રસિધ્ધ થયા પછી પણ માસ પ્રમોશનની સાચી વાત શું છે? માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે કે કેમ? તેની સ્પષ્ટતા કરવામાં પણ અધિકારીઓ મોડે મોડે જાગ્યા હતા. પરિણામે શિક્ષણ વિભાગ સહિત રાજયના ઉચ્ચ અધિકારીઓમાં સંકલન ન હોવાની વાત ખુલ્લી પડી જવા પામી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોના ગ્રસ્ત દર્દીઓના આંકડા પણ મુખ્યમંત્રી કાર્યાલય અને આરોગ્ય વિભાગ દ્વારા પોતાની રીતે અલગ અલગ જાહેર કરવામાં આવેલ હતા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રાજયમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા અગાઉ 30 જાહેર કરવામાં આવી હતી. જયારે તેની સામે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આવા દર્દીઓની સંખ્યા 33 જાહેર કરાતા મુખ્યમંત્રી કાર્યાલય અને આરોગ્ય વિભાગ વચ્ચે સંકલનનો અભાવ રહ્યાનું ખુલ્યું હતું.
આવી જ રીતે ગઈકાલે રાજયની શાળાઓના ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાના મીડીયામાં પ્રસિધ્ધ થયેલા પરિપત્રના કલાકો પછી રાજય સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓએ રહી રહીને જાગીને માસ પ્રમોશનનો નિર્ણય હજુ લેવાયો ન હોવાનું અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વાત વિચારાધીન હોવાનું જણાવ્યું હતું.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કોરોનાના રોગચાળાએ મારેલા ફુંફાડાના પગલે આ મહામારીના પ્રભાવમાં અનેક લોકો સપડાઈ રહ્યા છે. ત્યારે રાજય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવ રહેલો છે ત્યારે આ બાબતે રાજય સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવે તેમજ અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે સંકલન સધાયા બાદ જ આવા પરિપત્ર ઈશ્યુ કરવામાં આવે તે જરૂરી છે.


Loading...
Advertisement