માતાજીની ઉપાસનાનાં પર્વ ચૈત્રી નવરાત્રીનો કાલથી પ્રારંભ

24 March 2020 06:48 PM
Rajkot Dharmik
  • માતાજીની ઉપાસનાનાં પર્વ ચૈત્રી નવરાત્રીનો કાલથી પ્રારંભ

સવારે 6.47થી 9.50 સુધી ઘટ સ્થાપન માટે શુભ મુહુર્ત : માની ઉપાસના અને પિતૃકાર્ય માટે શ્રેષ્ઠ દિવસો : જીવનની સમસ્યાઓ અને ધન પ્રાપ્તિ માટે શ્રી સુક્તના પાઠ શ્રેષ્ઠ : રામનામના જાપ અને સુંદરકાંડ પાઠ અતિ ઉત્તમ : નવ દિવસની ઉપાસના નિયમો પાળવા જરૂરી : આઠમનો દિવસ કુળદેવીની ઉપાસના માટે ઉત્તમ દિવસ

કાલે તા. 25ને બુધવાર ચૈત્ર સુદ એકમનાં દિવસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થનાર છે. ચૈત્ર સુદ એકમ તા. 25 આ વર્ષના ચાર દિવસોમાં એક દિવસ ગણાય છે. એટલે કે આ દિવસ વણજોયા મુહુર્તનો દિવસ છે. આ દિવસે કોઇપણ શુભકાર્યની શરુઆત કરવી ઉત્તમ ફળદાયી છે.
જાણીતા વેદાંતરત્ન શાસ્ત્રી રાજદેવ જોષીએ જણાવેલ છે કે આ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેમાં આસો નવરાત્રી, મહાનવરાત્રી, ચૈત્ર નવરાત્રી ગુપ્ત નવરાત્રી અષાઢ નવરાત્રી આ બધી નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રીનું મહત્વ વધારે છે.
આવતીકાલે નવરાત્રી ઘટ સ્થાપનનું મુહુર્ત જોતા સવારે 6.47 થી 8.17 લાભ ચોઘડીયુ, 8.10થી 9.50 અમૃત ચોઘડીયામાં ઘટ સ્થાપન શુભ છે. નવરાત્રીમાં માતાજીની ઉપાસના અને પિતૃકાર્ય માટે ચૈત્ર મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના તથા ભગવાન રામની ઉપાસના ફળદાયી માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન પોતાના કુળદેવીનાં મંત્રનાં જપ કરવા શ્રેષ્ઠ છે. ઉપરાંત રામ નામના જપ પણ શ્રેષ્ઠ ફળ આપે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન રામ ચરિત્ર માનસના પાઠ કરવા ફળદાયી છે.
જીવનની તમામ સમસ્યાઓ અને નિવારણ માટે કુળદેવી તથા નવદુર્ગા માતાજીની ઉપાસના કરવાથી ઇચ્છીત પ્રાપ્તિ થાય છે.
ચૈત્રી નવરાત્રીમાં નવદુર્ગાની ઉપાસના ઉત્તમ છે. શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા, કૂષ્માન્ડા,સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિધ્ધિધાત્રી નામ લેવાથી તન-મન-ધનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
ચૈત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ 9 નિયમોનું પાલન કરવું (1) માતાજીની પૂજા ઉપાસના કરવી (2) લસણ ડુંગળી ખાવા નહીં (3) વાળ નખ કાપવા નહીં (4) બહારનું ભોજન કરવું નહીં (5) એકાંતમાં પૂજા-જપ કરવા (6) કાળા કપડા પહેરવા નહીં (7) સાત્વીક ઘરનું ભોજન કરવું (8)ચામડાની વસ્તુનો ઉપયોગ કરવો નહીં (9) વડીલોને આદર આપવો ક્રોધ કરવો નહીં. ચૈત્રી નવરાત્રી દરમિયાન ધન પ્રાપ્તિ માટે શ્રી સુક્તના પાઠ કરી શકાય છે.
કાલે તા. 25-3-2020 થીત 1942 શાલીવાહન શકની શરુ થશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન તા. 25 ચૈત્ર નવરાત્રી, રામ નવરાત્રી પ્રારંભ તા. 27 ગોરીપૂજાનું મહત્વ તા. 29 રવિવારે શ્રી પંચમી તા. 1-4-20 બુધવારે આઠમ કુળદેવીની ઉપાસનાનો શ્રેષ્ઠ દિવસ તા. 2ને ગુરુવારે રામનવમી તા. 2નાં નવરાત્રીની પૂર્ણાહૂતિ થશે.


Loading...
Advertisement