ભેંસાણ પરબધામના મહંત કરશનદાસબાપુ સ્વસ્થ તંદુરસ્ત : દેહવિલયનાં ખોટા મેસેજ વાયરલ થયા

24 March 2020 02:49 PM
Junagadh Saurashtra
  • ભેંસાણ પરબધામના મહંત કરશનદાસબાપુ સ્વસ્થ તંદુરસ્ત : દેહવિલયનાં ખોટા મેસેજ વાયરલ થયા

ખોટો મેસેજ વાયરલ કરનારને પકડી પાડવા પોલીસ ફરિયાદ

જૂનાગઢ,તા. 24
સુપ્રસિધ્ધ ભેંસાણ નજીક રાણીપુર પાસેની તીર્થક્ષેત્ર ગણાતી પરબની જગ્યાના હાલના મહંત કરશનદાસ બાપુનો દેહવિલય થયાનો ખોટો ઓડીયો ગઇકાલે વોટ્સએપ દ્વારા ફરતો થયો હતો જેમાં ભાવિકો સેવકોમાં ભારે શોક સાથે દોડધામ થઇ જવા પામી હતી.

ખોટા વોટ્સએપના કારણે સેવક સમુદાયમાં રોષ ફેલાયો છે. અજાણ્યા માનસિક-વિકૃત શખ્સે મોબાઈલમાં પરબધામના મહંત કરશનદાસબાપુ દેવ થઇ ગયા છે અને છેલ્લે કહી ગયા છે કે કોરોના વાયરસ સામે બચવા માટે ઉકાળો પીવજો આવો ખોટો વીડિયો (ઓડીયો) વાયરલ થયો હતો. જેના પગલે સેવક ગણમાં ગઇકાલે દોડધામ થઇ ગઇ હતી. અને રોષ ફેલાયો હતો. બાપુને ખબર અંતર પુછવા ફોન અને રુબરુ સેવકો દોડી ગયા હતા.

કરશનદાસબાપુ તંદુરસ્ત છે તેને કંઇ જ થયું નથી તે નિરોગી છે. ભેંસાણ પોલીસસ્ટેશને સેવકગણ એકઠા થઇ આવા ખોટા ઓડીયો બનાવનાર શખ્સને ઝડપી લઇ તેની સામે ગુનો દાખલ કરવાની માંગણી કરી છે.


Loading...
Advertisement