38 ડીગ્રી ઉપર તાપમાન સાથે ભાવનગર અને અમરેલી જીલ્લામાં માવઠા બાદ સવારથી હવામાન સ્વચ્છ

24 March 2020 02:30 PM
kutch Rajkot Saurashtra
  • 38 ડીગ્રી ઉપર તાપમાન સાથે ભાવનગર અને અમરેલી જીલ્લામાં માવઠા બાદ સવારથી હવામાન સ્વચ્છ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હજુ બે દિવસ બપોર બાદ કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડવાનો સંકેત

રાજકોટ તા.14
સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ બે દિવસ અનેક જીલ્લામાં માવઠુ થવાની માઠી આગાહી વચ્ચે ગઈકાલે 38 ડીગ્રી સુધી તાપમાન ઉચકાવા સાથે ભાવનગર અને અમરેલી જીલ્લામાં ચોમાસા જેવો માહોલ સાથે કમોસમી વરસાદ વરસી ગયો હતો. જેને પગલે ખેતરોમાં ઉભેલા તૈયાર પાક પાથરા અને યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસી પલળી જતા ખેડુતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ પૂર્વાનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગઈકાલે સવારથી જ વાદળછાયુ વાતાવરણ બની રહ્યા બાદ હવામાન સ્વચ્છ થયું હતું અને અનેક સ્થળે સૂર્યદેવનો આક્રમક મીજાજ જોવા મળતા મહતમ તાપમાનનો પારો 38 ડીગ્રી ઉપર પહોંચી ગયો હતો. બપોરના સમયે ભારે તડકો તપ્યા બાદ સાંજના સમયે જોરદાર પવન નીકળી પડયો હતો અને રાત સુધીમાં અમરેલી ભાવનગર જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ચોમાસા જેવા કાળા ડિબાંગ વાદળા ચડી આવવા સાથે જોરદાર વરસાદ તુટી પડયો હતો અને રસ્તા પર પાણીના ઝરણા વહેતા થઈ ગયા હતા.

બાદમાં આજે વહેલી સવારે આકાશમાં આછા વાદળા છવાયા બાદ આ લખાઈ રહ્યું છે ત્યારે હવામાન સંપૂર્ણ સ્વચ્છ બન્યું છે. અને સૂર્યનારાયણે પણ રંગ દેખાડવાનું ચાલુ કરતા 11 વાગ્યા સુધીમાં જ પારો 32 ડીગ્રીને પાર થતા આજે પણ 38 ડીગ્રીએ સૌરાષ્ટ્ર કચ્છ તપશે તેવું લાગી રહ્યું છે.

રાજકોટ
રાજકોટમાં ગઈકાલે દિવસે સૂર્યદેવે રંગ દેખાડતા પારો 38.6 ડીગ્રી ઉચકાયા બાદ આજે લઘુતમ તાપમાન 22.4 ડીગ્રી નોંધાયુ હતું. હવામાં સવારે 37 ટકા ભેજ નોંધાયો હતો. પવનની ઝડપ સરેરાશ 9 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

અમરેલી
એક બાજુ કોરોના વાયરસના કારણે લોકો ચિંતામાં છે ત્યારે બીજી તરફ બેવડી ઋતુના કારણે પણ લોકો સામાન્ય બિમારીનો ભોગ બને તેવું વાતાવરણ જોવા મળે છે. ત્યાં આજે અમરેલી જિલ્લાના અમુક ભાગોમાં કમૌસમી વરસાદ પડતા ખેતરમાં પડેલ જણસને પણ નુકશાન થવા પામેલ છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીરકાંઠાના પંથક ગણાતા ગોવિંદપુર, કુબડા, અમૃતપુર, સુખપુરમાં અચાનક વાતાવરણ પલટાતા છુટોછવાયો વરસાદ પડયો હતો જેમાં સુખપુરમાં કરા પણ પડયા હતા. આ ઉપરાંત સરસીયા, રાજસ્થળીમાં તો ચોમાસા જેવું વાતાવરણ થઈ જતા અને વરસાદી માહોલ સર્જાયો હતો.
તો બીજી તરફ લાઠી, દામનગર, લીલીયા પંથકમાં પણ છુટો છવાયો વરસાદ પડયો હતો.

આવા કમૌસમી વરસાદના કારણે ખેતરમાં તૈયાર પડેલ જણસને નુકશાન થવાની ભીતિ ઉભી થવા પામેલ છે.


Loading...
Advertisement