આજથી ત્રણ દિ’ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી લોકડાઉન: અધ્યાપકો-કર્મચારીઓને રજા

23 March 2020 03:55 PM
Rajkot Education Saurashtra
  • આજથી ત્રણ દિ’ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી લોકડાઉન: અધ્યાપકો-કર્મચારીઓને રજા

કોરાનાના ફુંફાડા સામે યુનિ.નું મેઈન બિલ્ડીંગ, 29 ભવનો, પરીક્ષા વિભાગ, લાયબ્રેરી, સહિતના ડીપાર્ટમેન્ટો બંધ

રાજકોટ તા.23
કોરોના વાઈરસે મચાવેલી કહેરના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સાવચેતીનાં ધડાધડ પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવેલ છે જેમાં અગાઉ પરીક્ષા મોકુફ રાખી દેવામાં આવ્યા બાદ યુનિ.કેમ્પસ પરની તમામ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ બંધ કરવામાં આવ્યા બાદ હવે આજથી ત્રણ દિવસ યુનિ.લોકડાઉન કરી દેવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણીનો સંપર્ક કરતા તેઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે વર્તમાન કોરાનાના કહેરની પરિસ્થિતિને લક્ષમાં લઈને યુનિ.ને આજથી ત્રણ દિવસ લોકડાઉન કરવાનો આ નિર્ણય લેવામાં આવેલ છે જેમાં તા.25 મીના ચેટીચાંદની જાહેર રજા આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી લોકડાઉન દરમ્યાન યુનિ.ની મેઈન બિલ્ડીંગ તેમજ કેમ્પસ પર આવેલ તમામ 29 ભવનો લાયબ્રેરી સહિતના તમામ ડીપાર્ટમેન્ટો બંધ રહેશે. યુનિ.ના તમામ અધ્યાપકો અને કર્મચારીઓને ત્રણ દિવસની રજા આપવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છે કે અગાઉ રાજય સરકાર દ્વારા કોરોનાના કહેરના પગલે શાળાઓ તેમજ યુનિ.અને કોલેજોનાં અધ્યાપકો માટે રોસ્ટરનો નિયમ અમલી બનાવવામાં આવેલ હતો. પરંતુ કોરોનાનો કહેર વકરી રહ્યો હોય સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી લોકડાઉન કરી દેવામાં આવેલ છે.

અહી એ પણ ઉલ્લેખનીય છે કે, એસટી બસ તેમજ રેલ્વે વ્યવહાર તા.31 સુધી બંધ કરવામાં આવેલ છે તેમજ શાળા કોલેજોમાં પણ રજા પાડી દેવામાં આવી છે ત્યારે યુનિ.લોકડાઉન કરી અધ્યાપકોનાં હિતમાં યુનિ.ના સતાધીશો દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવેલ છે.


Loading...
Advertisement