અમેરિકામાં હાહાકાર: એક જ દિવસમાં કોરોનાના નવા 14000 કેસ; મૃત્યુ આંક 419

23 March 2020 11:33 AM
India World
  • અમેરિકામાં હાહાકાર: એક જ દિવસમાં કોરોનાના નવા 14000 કેસ; મૃત્યુ આંક 419

વિશ્વમાં 14654 મોતના મુખમાં ધકેલતો કાતિલ કોરોના: પોઝીટીવ કેસોની સંખ્યા 337553 : ચીનમાં ફરી ફૂંફાડો; નવા 39 કેસ: ઈટલીમાં મૃત્યુ આંક 5476, સ્પેનમાં 1772, ઈરાનમાં 1685 તથા બ્રિટનમાં 281: સૌથી વધુ પોઝીટીવ કેસોની સંખ્યામાં અમેરિકા વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયુ; કુલ કેસ 33546

નવીદિલ્હી, તા. 23
વિશ્વની મહાસતા અમેરીકા પણ કોરોનાના જડબામાં સપડાવા લાગ્યુ છે. મૃત્યુ આંક 419 ને આંબી ગયો છે. એક જ દિવસમાં 14000 નવા કેસો સાથે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 33546 થઈ છે અને સૌથી વધુ કેસોમાં અમેરિકા વિશ્વભરમાં ત્રીજા ક્રમે આવી ગયું છે.

કોરોનાથી વિશ્વસ્તરે કુલ કેસ 3,37,553 થયા છે જયારે મૃત્યુ આંક 14654 થયો છે. અમેરિકાએ કોરોનાને મહામારી ઘોષિત કરી જ દીધી છે અને એક જ દિવસમાં 120 થી વધુ લોકોના મોત થઈ જવા સાથે મૃત્યુ આંક 419 થયો છે. ન્યુયોર્કમાં 114, વોશિંગ્ટનમાં 94 તથા કેલીફોર્નિયામાં 18 લોકો મોતને ભેટયા છે.

અમેરિકામાં 33546 લોકો કોરોના ગ્રસ્ત બન્યા છે તેમાં સાંસદ રૈંડ પોલનો પણ સમાવેશ થાય છે. રૈંડ પોલનું ગઈકાલે પરિષણ કરાયુ હતું. તેમાં રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના પોઝીટીવ હોય તેવા તેઓ પ્રથમ અમેરિકી સાંસદ છે.

પોલ ખુદ ડોકટર છે તેઓને કોરોનાના કોઈ લક્ષણો નહતા છતા સાવચેતી ખાતર પરીક્ષણ કરવામા પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. અનેક પ્રવાસ તથા કાર્યક્રમોમાં સામેલ થયા હતા અને તે દરમ્યાન કયાંયથી ચેપ લાગ્યાની શંકા છે તેઓએ રીપોર્ટ આવ્યા પૂર્વે અનેક નેતાઓ સાથે ભોજન લીધુ હતું એટલે તમામના રીપોર્ટ કરાશે.

કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ધરખમ વધારાથી અમેરિકામાં ખોફ વધી ગયો છે. માર્કેટો ખાલી થઈ ગઈ છે. સરકાર દ્વારા લોકોને ઘરની બહાર નહીં નીકળવાના આદેશો છે. કેલીફોર્નિયા, ઈલિનોઈસ, ન્યુયોર્ક તથા કનેકિટકટમાં સાડા સાત કરોડ લોકોને અલગ રહેવાના આદેશ કરવામાં આવ્યા છે. સ્કુલ-કોલેજો બંધ છે અને લોકો ઘરમાં કેદ છે. અર્થતંત્ર પણ ગંભીર પડકારનો સામનો કરી રહ્યુ છે. વાઈરસ તથા લોક ડાઉનના બેવડા કદમની ભયનો માહોલ છે.

અમેરિકા સિવાય યુરોપના અન્ય કેટલાક દેશોમાં પણ સ્થિતિ વધુ વકરતી રહી છે. ઈટલીમાં મૃત્યુ આંક 5476 થયો છે જયારે છે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 59138 થઈ છે.

સ્પેનમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 28768 તથા મૃત્યુ આંક 1772 થયો છે. જર્મનીમાં પણ નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. આંકડો 24873 થયો છે અને મૃત્યુ આંક 94 પર પહોંચ્યો છે. ઈરાનમાં મૃત્યુ આંક 1684, ફ્રાંસમાં 674, બ્રિટનમાં 281 તથા નેધરલેન્ડમાં 179 થયો છે.


Loading...
Advertisement