પોરબંદરમાં ધો.10ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

21 March 2020 02:37 PM
Porbandar
  • પોરબંદરમાં ધો.10ની છાત્રા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી

પાડોશમાં જ રહેતા શખ્સે ઘરે આવી વારંવાર દુષ્કર્મ આચર્યુ: પરિવારે પૂછયું, તો સગીરાએ કહ્યું પાણી ભરાઈ છે: પિડા ઉપડતા આજે સિવિલમાં લાવતા તબીબે કહ્યું કે સગીરાને સાત માસનો ગર્ભ છે!!!કમલાબાગ પોલીસ મથકે કાર્યવાહી આદરી

રાજકોટ,તા.21
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી ધો.10ની છાત્રા પર તેના જ પાડોશમાં રહેતા શખ્સે વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધાનો બનાવ કમલાબાગ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. આ મામલે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાઈ છે. તેમજ ગર્ભવતી સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી ધો.10ની છાત્રાને આજરોજ સવારના સમયે પેટમાં પીડા ઉપડતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે હોસ્પિટલના ડો.ઝલકે સગીરાનું પરીક્ષણ કરતા સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું માલુમ પડતા જ પરિવારજનો ને જાણ કરી હતી જેથી તેઓ પણ આશ્ર્ચર્યમાં મુકાયા હતા.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી કમલાબાગ પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરી હતી. તેમજ સગીરાના પરિવારજનોએ સગીરાની પૂછપરછમાં જણાવ્યું હતું કે બાળા ધો.10માં અભ્યાસ કરે છે અને હાલ સ્કૂલમાં તેમની હાજરી ઓછી હોવાથી બોર્ડની પરીક્ષા આપી શકી ન હતી. અને અઠવાડીયા પૂર્વે સગીરાને ઉલ્ટી થતા પરીવારજનોએ આ મામલે પૂછતા તેણીને પેટમાં પાણી ભરાઈ છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આજરોજ ફરી પીડા ઉપડતા રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડી હતી અને સમગ્ર હકીકત બહાર આવી હતી.

સગીરાએ તેમના પરિવારજનોને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,અગાઉ તેના જ વિસ્તારમાં રહેતો મીહીર કિશોરભાઈ બારાઈ (લોહાણા) નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી ત્યારબાદ આ શખ્સે લગ્ન કરવાની લાલચ આપી તેના જ ઘરે વારંવાર દુષ્કર્મ આચરતો હતો.ત્યારબાદ ચારેક મહિનાથી આ મીહીર નામનો શખ્સ તેમના પરિવાર સાથે ઘર બદલી રાણાવાવ રહેવા જતો રહ્યો હોવાનું જણાવતા પોલીસે આ મામલે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે.


Loading...
Advertisement