મધ્યપ્રદેશમાં તાકાતના મુકાબલા પહેલાં જ મેદાન છોડી કમલનાથનું રાજીનામું: ફરી ભાજપ સરકાર

20 March 2020 06:22 PM
India Politics
  • મધ્યપ્રદેશમાં તાકાતના મુકાબલા પહેલાં જ મેદાન છોડી કમલનાથનું રાજીનામું: ફરી ભાજપ સરકાર

શિવરાજનું નામ આગળ હોવા છતાં અન્ય નામો વહેતા થયા

છેલ્લા કેટલાય દિવસોથી મધ્યપ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણના અંતે કમલનાથની કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિધાનસભામાં બળાબળના પારખા પહેલાં જ રાજીનામુ ધરી દીધું છે. ભાજપની નવી સરકારની રચનાના ચક્રો ગતિમાન થઈ ગયા છે. પક્ષના ધારાસભ્યોની બેઠક આજે સાંજે મળી રહી છે, અને એમાં નવા નેતાની ચૂંટણી કરો. પુર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું નામ સૌથી આગળ હોવા છતાં, કોઈ ડાર્ક હોર્સની શકયતા નકારાતી નથી.મુખ્યપ્રધાન કમલનાથે આજે રાજીનામુ આપતા પત્રકાર પરિષદ યોજી હતી, અને પોતાની એક વર્ષ, ત્રણ મહીના અને બે દિવસની સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજયની જનતા પુછી રહી છે કે મારો વાંક શું છે? કમલનાથે જણાવ્યું હતું કે ભાજપ શરુઆતથી જ મારી સરકાર તોડવાની કોશ કરી રહ્યો હતો.
કોંગ્રેસ છોડી તાજેતરમાં ભાજપમાં જોડાયેલા દિગ્ગજ જયોતીરાદીત્ય સિંધીયા પર પણ તેમણે પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મહારાજ સાથે મળી ભાજપએ સરકાર તોડવાનું કાવતરું કર્યું હતું.કમલનાથના રાજીનામાનો પ્રત્યાઘાત આપતા શિવરાજસિંહ ચૌહાણે ટિવટ કરી હતી કે સત્યમેવ જયતે. સિંધીયાએ પણ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં આજે જનતાનો વિજય થયો છે.
દરમિયાન, ભાજપના નવા નેતા તરીકે શિવરાજસિંહ ચૌહાણનું નામ આગળ હોવા છતાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, પ્રદેશ નેતા નરોતમ મિશ્ર અને વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવના નામ પણ બોલાઈ રહ્યા છે.


Loading...
Advertisement