આઈપીએલ હવે જુલાઈથી સપ્ટેમ્બરમાં રમાડવા બોર્ડની વિચારણા

18 March 2020 03:55 PM
India Sports
  • આઈપીએલ હવે જુલાઈથી સપ્ટેમ્બરમાં રમાડવા બોર્ડની વિચારણા

યુરો-2020 મુલત્વી, ફ્રેન્ચ ઓપન પાછળ ઠેલાયું: જો કે ભારતમાં ચોમાસાની સિઝનમાં આઈપીએલના મેચો ગોઠવવા મુશ્કેલ પરંતુ હાલના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શેડ્યુલમાં આ ગાળો થોડો ખાલી હોવાનો મત

નવી દિલ્હી,તા. 18
કોરોનાને કારણે વિશ્વના ખેલકૂદ શેડ્યુલ પણ અસ્તવ્યસ્તથઇ ગયા છે અને ફૂટબોલની લોકપ્રિય સ્પર્ધા યુરો-2020 મુલત્વી રાખવામાં આવી છે. આ ઉપરાંત ટેનિસ માટે પણ ફ્રેન્ચ ઓપન હવે સપ્ટેમ્બર માસથી શરુ થશે અને આગામી ત્રણ કે ચાર માસ માટે વિશ્વમાં એકપણ ફૂટબોલ કે અન્ય સ્પર્ધાઓ યોજાશે નહીં તે વચ્ચે ભારતમાં આઈપીએલ રમાડવાની શક્યતા પણ હવે લગભગ પૂરી થઇ ગઇ છે અને ક્રિકેટ બોર્ડે આઈપીએલ માટે જુલાઈ સપ્ટેમ્બરનું શેડ્યુલ બનાવવાની તૈયારી કરી લીધી છે.

હાલમાં મળેલી આઈપીએલ ગવર્નિંગ બોર્ડની બેઠકમાં આઈપીએલને 15 એપ્રિલ સુધી મુલત્વી રખાયો છે પરંતુ ત્યારબાદ પણ આઇપીએલ શરુ થવાની શક્યતા નહીંવત છે હવે ક્રિકેટ બોર્ડે પ્લાન-બી તરીકે નહીં પણ મુખ્ય પ્લાન તરીકે જુલાઈથી સપ્ટેમ્બરમાં આઈપીએલની 60 મેચ રમાડવા અંગે શક્યતાઓ તપાસવાની તૈયારી શરુ કરી છે.

જો કે, આ માટે વિશ્વના ક્રિકેટ રમતા દેશોના કેલેન્ડર પણ તપાસવા પડશે પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ ટી-20 સિવાય ભાગ્યે જ કોઇ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે જો કે ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેનો પ્રવાસ કરવા આમંત્રણ આપ્યું છે. પરંતુ તે બાદના ઓસ્ટ્રેલિયા-વેસ્ટઇન્ડીજ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ક્રિકેટ શેડ્યુલમાં કોઇ ઇવેન્ટ નથી.

ટી-20 વર્લ્ડ કપ પહેલા જ આ સ્પર્ધા પૂરી કરાઈ તેવી તૈયારી છે. જો કે જુન જુલાઈમાં ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે તથા ત્રણ ટી-20 મેચ છે પરંતુ તે જુલાઈ પૂર્વે પૂરી થઇ જશે. અને તેના કારણે ક્રિકેટ બોર્ડેને જુલાઈ કે સપ્ટેમ્બર સુધીમાં આઈપીએલ રમાડવાનો સમય મળી શકશે.


Loading...
Advertisement