કોરોનાના પગલે ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દો: નવુ સત્ર પણ જૂન-જૂલાઈમાં શરૂ કરવુ પડશે

18 March 2020 11:54 AM
Rajkot Education Gujarat
  • કોરોનાના પગલે ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દો: નવુ સત્ર પણ જૂન-જૂલાઈમાં શરૂ કરવુ પડશે

ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે ઉઠાવેલી માંગણી: રાજય સરકારમાં થશે રજૂઆત

રાજકોટ તા.18
કોરોનાએ વિશ્વભરમાં મારેલા ફુંફાડાના પગલે તેનાથી જનજીવન પ્રભાવીત બનેલ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શાળા-કોલેજોમાં તા.29 સુધીની રજા જાહેર કરી દેવામાં આવેલ છે. આ સંજોગોમાં ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા તેમજ શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર એપ્રિલના બદલે જૂન કે જુલાઈથી શરૂ કરવા ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે માંગણી ઉઠાવી આ મુદ્દે રાજય સરકારમાં પણ રજૂઆત કરી છે. જો કે રાજકોટના શાળા સંચાલકોએ તેની સામે નારાજગી દર્શાવી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા યોગ્ય ન હોવાનું જણાવેલ છે.

કોરોના વાયરસે મારેલા ફુંફાડા સામે ગુજરાત સરકાર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરી સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળની મળેલી બેઠકમાં કોરોનાના વધી રહેલા પ્રભાવને ધ્યાને લઈ ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને અગાઉ લેવાઈ ગયેલ છ માસીક અને યુનીટ પરીક્ષાઓના આધારે માસ પ્રમોશન આપવા માંગ ઉઠાવી આ મુદે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો.

કોરોનાના પ્રભાવના કારણે તા.29 માર્ચ સુધી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને ત્યાર પછી પણ પરિસ્થિતિને અનુરૂપ પરીક્ષાના આયોજનનો નિર્ણય લેવામાં આવનાર છે. ત્યારે ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવા તેમજ તા.20 એપ્રીલથી જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે તે જૂન અને જૂલાઈમાં શરૂ કરવા ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળે માંગણી ઉઠાવી છે.


Loading...
Advertisement